કોરોના ઇફેક્ટ / 22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા સામુહિક નિર્ણય લેવાયો

કોરોના ઇફેક્ટ / 22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા સામુહિક નિર્ણય લેવાયો

  • ગુજરાતી સહેલાણીઓને માઉન્ટ આબુ જવા હજુ વધુ રાહ જોવી પડશે
  • એક દિવસ પૂર્વે જ માઉન્ટ આબુમાંથી પોઝિટિવ મહિલાનો કેસ મળ્યો હતો

પાલનપુર. ઉનાળામાં હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા અને ગુજરાતી સહેલાણીઓના માનીતા માઉન્ટ આબુ જવા હજુ વધુ રાહ જોવી પડશે. એક દિવસ પૂર્વે જ માઉન્ટ આબુમાંથી મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇ આબુવાસીઓએ સત્તાધીશોને આ બાબતે રજુઆત કરતા પાલિકામાં બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 22 જૂન સુધી માઉન્ટ આબુ બંધ રાખવા  સામુહિક નિર્ણય લેવાયો હતો.  22 જૂનથી માઉન્ટ આબુમાં હોટલ અને રેસ્ટોરન્ટ ખુલશે. 
જમવાની પ્લેટોને હાઇડ્રોક્લોરાઇડથી સાફ કરવી પડશે
23 માર્ચથી હોટલો બંધ હોવાથી કામ કરતા વેઇટર્સ, કૂક્સ અને અન્ય સ્ટાફ તેમના ઘરે પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં હોટલ શરૂ કરતા પહેલા, આ લોકોને અહીં પાછા બોલાવવા પડશે. તેમને આ માટે સમયની જરૂર પડશે. જેથી 22 જૂનથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં બે લોકો નાના ટેબલ પર અને ચાર મોટા ટેબલ પર બેસી શકશે. હોટેલ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ ભોજન પીરસશે. ખોરાક માટે ઉપયોગ કરતા પહેલા પ્લેટોને હાઇડ્રોક્લોરાઇડથી સાફ કરવી પડશે. હોટલમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હોટલમાં આવતા લોકોની આઈડી વોટ્સએપ પર લેવાની છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા પર ભાર મૂકવાનો નિર્ણય લેવાયો છે.
નૌકા તળાવ પર નૌકા ચાલશે નહીં
એસડીએમ ડો.રવિન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે ‘નૌકાવિહાર શરૂ કરવા વહિવટી તંત્રને છૂટ આપી છે, પરંતુ હજી સુધી બોટ ચલાવનાર ઓપરેટર પાસે કર્મચારી ન હોવાથી સેવા શરૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.’