અશ્વેતના મોતનો મામલો / અમેરિકામાં હિંસા રોકવા માટે 23 રાજ્યમાં કુલ 17 હજાર નેશનલ ગાર્ડ તહેનાત કરાયા

અશ્વેતના મોતનો મામલો / અમેરિકામાં હિંસા રોકવા માટે 23 રાજ્યમાં કુલ 17 હજાર નેશનલ ગાર્ડ તહેનાત કરાયા

  • પોલીસની બર્બરતાથી અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ હિંસામાં અત્યાર સુધીમાં 11 મોત
  • રાત્રિ કર્ફ્યૂ હોવા છતાં હજારો લોકો જ્યોર્જ ફ્લોઈડને ન્યાય માટે રસ્તા પર ઊમટ્યા
  • ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો – અમેરિકામાં અશ્વેતો માટે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પછી તેની સરકાર જ સૌથી વધુ કામ કર્યું

વોશિંગ્ટન. કોરોના મહામારીથી ઘેરાયેલા અમેરિકામાં પોલીસની બર્બરતાથી અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં હિંસક દેખાવો સતત નવમા દિવસે પણ જારી રહ્યા. 40 શહેરમાં કર્ફ્યૂ છે. હિંસા રોકવા 23 રાજ્યમાં 17 હજાર નેશનલ ગાર્ડ તહેનાત કરાયા છે આમ છતાં ન્યૂયોર્કમાં તો સ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ થઇ ગઇ છે. ત્યાં રાત્રિ કર્ફ્યૂ છતાં હજારો લોકો રસ્તા પર ઊમટી પડ્યા. સતત પાંચમી રાત્રે હિંસા અને લૂંટફાટના બનાવ બન્યા.
પેન્ટાગોનના જણાવ્યાનુસાર સ્થિતિ પર કાબૂ મેળવવા રાજધાની વોશિંગ્ટનમાં સૈન્યના 1,600 જવાન તહેનાત કરવા પડ્યા. ત્યાં હાઇ એલર્ટ છે. દરમિયાન, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અશ્વેતો માટે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન બાદ જો કોઇએ સૌથી વધુ કામ કર્યું હોય તો તે મારી સરકારે કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ડેમોક્રેટ નેતા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેનએ 40 વર્ષમાં અશ્વેતો માટે કંઇ જ નથી કર્યું. દેશમાં જારી હિંસામાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયાં છે. 13 પોલીસકર્મી કે અધિકારી ઘાયલ પણ થયા છે.
ટિ્વટર વિરુદ્ધ હંગામી આદેશ મામલે ટ્રમ્પ સામે કેસ
ટ્રમ્પ સામે બંધારણના પ્રથમ સુધારાના ભંગનો આરોપ મૂકી બિનસરકારી સંગઠન સેન્ટર ફોર ડેમોક્રસી એન્ડ ટેક્નોલોજી (સીડીટી)એ તેમની સામે કેસ કર્યો છે. સીડીટીએ બુધવારે જણાવ્યું કે ટ્રમ્પે 28 મેએ એક હંગામી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, જે ઇન્ટરનેટ પર ખોટી માહિતી વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અવાજ નબળો પાડે છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી મીડિયા અને સોશિયલ મીડિયાના વ્હિસલ બ્લોઅરો સાથે તેમનો ગજગ્રાહ ચાલ્યા કરે છે. ટ્રમ્પના આ કૃત્યને વાણી સ્વાતંત્ર્યના તરફદારો લોકશાહીનું ગળું ઘોંટતુ કૃત્ય ગણાવી રહ્યા છે. 
ટ્રમ્પ અંગે સવાલ પૂછાતાં કેનેડાના હાજરજવાબી પીએમ 22 સેકન્ડ ચૂપ રહ્યા
હાજરજવાબી ગણાતા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો ટ્રમ્પ અંગે સવાલ પૂછાતાં 22 સેકન્ડ સુધી ચૂપ થઇ ગયા. તે પછી તેમણે કહ્યું કે અમેરિકામાં હાલ જે કંઇ થઇ રહ્યું છે તેનાથી અમે ખૂબ ભયભીત છીએ. ટ્રૂડો લાંબા સમયથી ટ્રમ્પની ટીકા કરવાનું ટાળતા આવ્યા છે, કેમ કે કેનેડા 75 ટકા નિકાસ માટે અમેરિકા પર નિર્ભર છે. દરમિયાન, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે કહ્યું કે હાલની સામાજિક અસ્થિરતા ચિંતાજનક છે.

જ્યોર્જની પત્નીની દેખાવકારોને હિંસા નહીં કરવા અપીલ 
જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પછી અમેરિકાના 50માંથી 40 રાજ્યમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. આ દરમિયાન મિનેસોટાના મિનેપોલીસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યોર્જની પત્ની રોક્સી વૉશિંગ્ટન અને તેની છ વર્ષીય પુત્રી જિયાનાએ દેખાવકારોને હિંસા નહીં કરવાની અપીલ કરી હતી. રોક્સીએ કહ્યું હતું કે, ‘અમને જ્યોર્જ માટે ન્યાય જોઈએ છે. તે ખૂબ સારો માણસ હતો. બીજા શું વિચારે છે એની અમને કંઈ પડી નથી.’ જિયાનાએ કહ્યું હતું કે, ‘મારા ડેડીએ અમારી દુનિયા બદલી હતી.’ નોંધનીય છે કે, જિયાના હજુયે જાણતી નથી કે, તેના પિતાનું પોલીસના હાથે મોત થયું હતું. તે ફક્ત એટલું જ જાણે છે કે, શ્વાસ નહીં લઈ શકવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું.