ધર્મગ્રંથોમાં કર્યો છે ઉલ્લેખ ભક્તિ કરવાથી શું મળે

ધર્મગ્રંથોમાં કર્યો છે ઉલ્લેખ ભક્તિ કરવાથી શું મળે

આપણી તંદુરસ્તી સારી રહે તે માટે ભક્તિ કરવામાં આવે તો તે ભક્તિ છે, પણ તે ઉત્તમ ભક્તિ નથી. આપણા ઘરમાં બધું સારી રીતે ગોઠવાઈ જાય, કામ-ધંધો સારી રીતે ચાલે તે માટે ભક્તિ કરીએ તે ઠીક છે, પણ તે ઉત્તમ ભક્તિ નથી. છોકરો સારા ગુણ મેળવી પાસ થઈ જાય એટલા માટે ભક્તિ કરીએ તે ઠીક    છે, પણ ઉત્તમ નથી

લોકો કહે છે કે ભજન કરીએ છીએ, પણ એટલો ભાવ નથી આવતો, તેનું એ જ કારણ છે. ભક્તિ અભિલાષા વગરની હોવી જોઈએ. જેમણે અભિલાષા વગરની ભક્તિ કરી છે તે સમાજમાં હોય કે એકાંતમાં, તે આનંદમગ્ન જ રહેશે. ભાવમાં જ લીન રહેશે. ભગવાન આ ભક્તિનો સંબંધ માતા શબરીની સામે વ્યક્ત કરે છે, ‘માનઊં એક ભગતિ કર નાતા.’

હું તો એમ પણ નથી કહેતો કે આપણે અભિલાષા ધરાવીને તેની સાથે ભક્તિ ન કરીએ, ભલે જેટલી થાય તેટલી ભક્તિ કરવાની. પણ તેની શરૂઆત તો કરીએ, ગમે તેમ કરીને. કારણકે ભક્તિ જ આપણને ધીમે ધીમે પ્રકાશ આપશે કે તું જે અભિલાષા સાથે ભક્તિ કરે છે તે શું મારું કોઈ વરદાન છે?

તું તો કોડી માગે છે. અરે! તું મારી પાસે કોહિનૂર માગ. આ ભક્તિથી જ તને તેનું જ્ઞાન થશે. યુવાન ભાઈઓ-બહેનોને એમ ન થાય કે આપણે અભિલાષા વગર ભક્તિ કરીએ. એવું નથી, જે રીતે થાય તે રીતે ભક્તિ કરો. મારો કહેવાનો હેતુ આચાર્ય તરીકે એ જ છે કે ભક્તિ ઉત્તમ થવી જોઈએ, પણ ભક્તિ કરવાની શરૂઆત તો કરો.

આપણા નસીબ આડેનું પાંદડું હટી જાય, આપણું કામકાજ સારી રીતે ચાલે, આપણી તંદુરસ્તી સારી રહે, છોકરા-છોકરીઓનાં લગ્ન સારે ઠેકાણે થઈ જાય, એવા બહાને ભક્તિ કરો. ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે એવી બધી કચરા જેવી અભિલાષા ભક્તિ આપોઆપ દૂર થઈ જાય છે. સ્વચ્છતાનો આગ્રહી જ્યાં પણ બેસશે ત્યાં પોતાનાં હાથથી થોડું સાફસૂફ કરી જ લેશે.

ભક્તિ શું છે? એટલું તો વિચારો કે પરમાત્મા સ્વયં જેણે આધીન રહે છે તે ભક્તિ આપણો કચરો કાઢી નાખશે, તમે શરૂ તો કરો. તમે જ્ઞાન પામશો એ વાત તમે માનતા નથી અને માનસો પણ નહીં, કારણકે તમારો આગ્રહ હઠતા અને શઠતા સાથે જોડાયેલો છે. નહીં તો તમે જ્ઞાનનો આગ્રહ રાખો તો એ પણ ભક્તિ જ છે.

નારદજી કહે છે ભક્તિ ફળ છે, તુલસી કહે છે ભક્તિ રસ છે. ત્રણ રસઃ (1) આમ રસ જેમાં બધાં ફળો સમાઈજાય છે, (2) રામ રસ કથા મીઠું. ભોજનમાં સપ્રમાણ મીઠું હોય તો જ તે સ્વાદિષ્ટ લાગે. (3) નામ રસ આ રસને જાણવાવાળાને સંત કહેવામાં આવે છે. ભક્તિઃ (1) કલેશના અગ્નિનો નાશ કરે છે. (2) શુભદા મંગલ દેવે. (3) સુદુર્લભા છે. (4) સાન્દ્રાનંદા વિશેષત્મા છે, (5) શ્રીકૃષ્ણની તરફ આર્કિષત કરે છે, (6) આયોગ-વિયોગ સંયોગ આપે છે.

ભક્તિનું ફળ ભગવાન નથી. તમે ઘણી ભક્તિ કરો અને તમને ભગવાન મળી જાય એ વાત મારા વિચાર મુજબ અનુભવનું સત્ય નથી. ભક્તિનું ફળ ભગવાન નથી. ભક્તિનું ફળ ભક્તિ છે. ભગવાનને પામવાના નથી. ભગવાન હંમેશા પ્રાપ્ત થયેલા જ છે. ‘અસ પ્રભુ હૃદયં અછત અધિકારી, સકલ જીવ જગ દિન દુખારી.’

પરમાત્મા બધાને મળેલા જ છે. ભક્તિનું ફળ ભગવાન હોત તો આપણામાં ભક્તિ પહેલા જ આવી જવી જોઈતી હતી, પરંતુ આપણામાં ભક્તિ દેખાતી નથી. ભગવાન તો મળેલા જ છે, છતાં આપણો ક્રોધ ન ગયો કારણકે ભક્તિ નથી આવી. મનની ખરાબી નથી ગઈ કારણકે ભક્તિ નથી આવી. ભક્તિ આવી હોત તો જીવન સર્વાંગ સુંદર થઈ ગયું હોત. આમ ભગવાનનું ફળ ભક્તિ છે, ભક્તિનું ફળ ભગવાન નથી.

જ્ઞાનનું ફળ મુક્તિ છે પણ આવી મુક્તિ મળવાથી મુક્તિ મળ્યાનું સુખ નથી મળતું. મુક્તિ મળ્યાનું સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનમાં ભક્તિ ભળવી જોઈએ. જ્ઞાનમાં ભક્તિ મળે તો જ મુક્તિનાં ફળનું સુખ અનુભવી શકાય. જલને રાખવા માટે સ્થલની પાત્રની જેટલી જરૂરિયાત છે તેટલી જ જરૂરિયાત મુક્તિના સુખને મેળવવાની છે અને મુક્તિના સુખનું પાત્ર ભક્તિ છે. મોક્ષનું સુખ ભક્તિ વિના ન મળે.

ટૂંકમાં કહીએ તો ભક્તિથી આટલી વસ્તુ આવશે. ‘સિદ્ધો ભવતિ, અમૃતો ભવતિ, તૃપ્તો ભવતિ.’

સિદ્ધો ભવતિ 

ભક્તિ જેને લબ્ધ થઈ ગઈ, કોઈ વસ્તુ લબ્ધ થઈ ગઈ એટલે તમે કંઈ કર્યું નથી. રસ્તામાં જતા હતા ને સોનાનો ચેઈન મળી ગયો- તુમને કુછ કિયા હી નહીં- ઈરાદો ન હતો. સિદ્ધો ભવતિ- સિદ્ધ થઈ જાય, ભક્તિ મળે તો.

સિદ્ધ એટલે? ચમત્કારો કરે એ? ના. આકાશમાં ઊડે તો? ભક્તિશાસ્ત્રમાં એને સિદ્ધિ નથી ગણી. એ તો મચ્છર-માખીની જેમ ઊડે એટલી સિદ્ધિ. સિદ્ધો ભવતિ-સિદ્ધ થશે, સહજ સિદ્ધિ-અંતઃકરણ વાસનાથી મુક્ત થઈ જશે. આ પહેલી વાત.

અમૃતો ભવતિ 

જેનામાં ભક્તિ ઊતરે તેને અમૃત તત્ત્વ મળે- એ અમર થાય- મૃત્યુની એને ચિંતા નહીં. ‘કૌન્તેય પ્રતિ જાનેહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ ।’

જેને મેળવવા યોગશાસ્ત્ર, જ્ઞાનશાસ્ત્ર દોડાદોડી કરે છે એ અમૃત તત્વ પ્રાપ્ત થવું.

મૃત્યુથી અમૃતમાં ગમન કરીએ, મરવું જ નહીં એમ નહીં- ભક્ત તો એમ ઈચ્છે કે ભલે મરણ આવે- મરવું નહીં- અમૃત-તેમાં મરણ નહીં એવું નહીં- પણ આ પ્રકારની અમૃતા પ્રાપ્ત કરવી. જેનામાં ભક્તિ આવશે તે આ તત્ત્વને, અમૃતતત્ત્વને પ્રાપ્ત કરશે.

તૃપ્તો ભવતિ

તૃપ્તિ મેળવશે. ભોજન કરીએ એટલે ત્રણ વસ્તુ થાય; (1) ભૂખથી નિવૃત્તિ, (2) શરીરમાં પુષ્ટિ, (3) સંતોષની પ્રાપ્તિ. તેમ જેનામાં ભક્તિ આવશે તેને તૃપ્તિ થાય- પછી કોઈ ભૂખ ન રહે. દરેક વસ્તુમાં એ તૃપ્ત હશે.

કવર સ્ટોરી :- પૂ. મોરારિ બાપુ