ગુજરાતમાં વાહનોની ઓવર સ્પીડ રોકવા થશે આ લેઝર ગનનો ઉપયોગ

ગુજરાતમાં વાહનોની ઓવર સ્પીડ રોકવા થશે આ લેઝર ગનનો ઉપયોગ

ગુજરાતમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો સ્પીડ ચેક કરી બ્રેક લગાવવા માટે 3થી 4 કરોડના ખર્ચે લેઝર ટેકનોલોજી આધારિત સ્પીડ ગનનો ઉપયોગ કરવામાં આવશે. જીવલેણ માર્ગ અકસ્માતો નિવારવા માટે આ સ્પીડ ગનનો ઉપયોગ કરાશે.

આ સ્પીડ ગનથી રાજ્યનો ટ્રાફિક વિભાગ ઓવર સ્પીડ વાહન ચાલકોને પુરાવા સાથે ઇ-મેમો પણ મોકલી શકશે અને તે સમયે જ મેમો જનરેટ કરી દેશે.

આ ગનની ક્ષમતાની વાત કરવામાં આવે તો એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂર સુધીની ગતિ માપી શકે છે. તે સિવાય આ ગન વાહનની ઓવર સ્પીડનો વિડીયો પણ રેકોર્ડ કરશે. રાજ્યના દરેક જિલ્લામાં એક ગન અને અમદાવાદમાં પાંચ સ્પીડ ગન ફાળવવામાં આવશે.

ગાંધીનગર સ્થિત કરાઇ એકેડમીમાં ટ્રાફિકને લગતી કામગીરી માટે 200 પોલીસ અધિકારીઓની સ્પીડ ગનની તાલીમ આપવામાં આવી છે.

રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે, માર્ગ અકસ્માતોના ડેટા એનાલિસિસ કરતા જીવલેણ માર્ગ અકસ્માતો પાછળ મોટા ભાગે વાહનોની ઓવર સ્પીડ કારણભૂત હોવાનું જાણવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે સ્પીડ ગનનો નિર્ણય લીધો છે.

સ્પીડ ગન કેવી રીતે કામ કરશે?

રૂપિયા 10 લાખની કિંમતની આ પ્રત્યેક સ્પીડ ગનએ હાઇટેક સ્પીડ ગન છે. જેના દ્વારા એક સેકેન્ડમાં 3 વાહનોની 1 કિલોમીટર દૂરથી જ ઝડપ માપી શકાય છે. તેની રેન્જ 0થી 320

કિલોમીટર પ્રતિ કલાક સુધી ઝડપ માપી શકે તેવી ક્ષમતા છે. ઓવર સ્પીડ વાહનોના ચાલકોને પુરાવા સાથે ઇ-મેમો પણ મોકલી શકાશે. આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો

મેમો પણ જનરેટ કરીને આપી શકાશે. આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહેશે. જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઇ બોગસ તકરાર પેદા થાય તો પુરાવા પણ સ્પીડ ગનથી મળી રહેશે.