પૂર્વ અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન, પશ્ચિમ અમદાવાદમાં બધું ખૂલી ગયું,

પૂર્વ અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન, પશ્ચિમ અમદાવાદમાં બધું ખૂલી ગયું,

  • વસ્ત્રાપુરમાં IIM પાસે શ્રમિકોનો પોલીસ પર પથ્થરમારો, 50થી વધુની અટકાયત, નિકોલમાં AMCની ટીમ પર હુમલો
  • આજે 181 લોકો ડિસ્ચાર્જ કર્યાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2841 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં

અમદાવાદ. શહેરમાં કોરોનાના સતત 20મા દિવસે 250થી વધુ કેસ નોંધાયા છે. આજે કોરોનાના 263 નવા કેસ નોંધાયા છે. ત્યારે કુલ 8683 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 181 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કુલ 2841 લોકોને ડિસ્ચાર્જ કર્યાં છે. જ્યારે અત્યાર સુધી કુલ 555 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ આજે લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારમાં દુકાન, ઓફિસ, ધંધા ચાલુ કરી શકાશે.પરંતુ પૂર્વમાં છૂટછાટ આપવામાં આવશે નહીં. જ્યારે અમદાવાદ શહેરમાં એસ.ટી. બસો આવી જઈ શકશે નહીં.

18મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

કયા વિસ્તારમાં કેટલી છૂટછાટ મળશે?

  • સમગ્ર અમદાવાદમાં કોઇ પણ શહેરમાંથી બસ આવવા દેવામાં આવશે નહીં. પરંતુ, AMTS કાર્યરત રહેશે.
  • અમદાવાદના પૂર્વ ભાગમાં કોઇ છૂટછૂાટ આપવામાં આવશે નહીં.
  • લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.
  • અંતિમ સંસ્કાર માટે પણ 20થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં.
  • ઓટો રિક્ષા અને માર્કેટ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે નહીં.
  • પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નદીની બીજી બાજુ વ્યાપાર-ધંધા, ઓફિસ ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે પરંતુ તેમાં ઓડ-ઇવન પદ્ધતિ પ્રમાણે દુકાનો ચાલુ રહેશે.
  • કન્ટેઇન્ટમેન્ટ વિસ્તાર બહાર આવેલી દુકાનો ખુલશે. આ સિવાય પાન-બીડી, માવાને પણ છૂટ આપવામાં આવી છે.
  • શહેરની તમામ શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ, જીમ, સ્વિમિંગ પુલ, શોપિંગ મોલ્સ, સિનેમાગૃહ, જાહેર સમારંભ, ધાર્મિક કાર્યક્રમો વગેરે પ્રતિબંધિત રહેશે.
  • હાલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ફેરિયા, સિટી બસ સેવા, ખાનગી બસ સેવાને મંજૂરી મળશે નહીં અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
  • સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક ચીજો જેવી કે શાક, ફળ, અનાજ, દૂધ, મેડિકલ વગેરેમાં છૂટ આપવામાં આવશે.