તડ ને ફડ / ટીકા ખોટી હોય તો અસત્ય લાંબો વખત ટકતું નથી

તડ ને ફડ / ટીકા ખોટી હોય તો અસત્ય લાંબો વખત ટકતું નથી

નિંદા કરનાર લોકો આપણો વાંક ઉઘાડો પાડે તેમાં તેમનો હેતુ સારો છે કે ખરાબ છે તેની ચિંતા કરવાના બદલે ટીકા કેટલા પ્રમાણમાં સાચી છે તે સમજવા મથામણ કરવી જોઈએ

વિશ્વની સર્વમાન્ય મહાસત્તા તરીકે અમેરિકાના હિત સંબંધો આખી દુનિયામાં પથરાયા છે. પોતાના આચારવિચાર બીજા બધાએ સ્વીકારવા જોઈએ તેવો આગ્રહ અમેરિકાના રાજપુરુષો સેવે છે અને દુનિયાના પ્રવાહોની તરતપાસ કરતા રહે છે. દુનિયામાં આજે દસ-પંદર સેક્યુલર રાજ્યો છે. તેમાં અમેરિકાનો સમાવેશ થાય છે. ધર્મના નામે થઈ રહેલા અત્યાચારો અને અન્યાયોની ચકાસણી કરવા માટે અમેરિકાની સંસદ (કોંગ્રેસે) ધર્મસ્વાતંત્ર્ય સમિતિ સ્થાપી છે. આ સમિતિ દર વર્ષે બધા દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેનો હેવાલ પ્રસિદ્ધ કરે છે.
છેલ્લા થોડાં વર્ષોથી અમેરિકાની આ ધર્મસ્વાતંત્ર્ય સમિતિ ભારતીય રાજકારણ અને સમાજની સતત ટીકા કરે છે. આ ટીકાથી નારાજ ભારત સરકાર આ સમિતિના હેવાલને ‘ગેરસમજણ’ આધારિત ગણાવે છે અને ભારતમાં પૂરેપૂરું ધાર્મિક સ્વાતંત્ર્ય હોવાનો દાવો કરે છે. ભારતના બધા ધર્મમાં દરેક નાગરિકને મન ફાવે તે ધર્મ પાળવાની, ધર્મની જાહેરાત કરવાની અને તેનો પ્રચાર કરવાની પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે અને દરેક ધર્મના લોકોને પોતપોતાની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા, ચલાવવાનો હક્ક પણ અપાયો છે. કાયદાઓમાં અને અદાલતી કારવાઈમાં ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો નથી, તેથી ભારત સરકાર પૂરેપૂરો ધાર્મિક સ્વાતંત્ર્યનો દાવો કરે છે.
છતાં ભારતની સૌથી મોટી લઘુમતી કોમના આગેવાનો છેલ્લા થોડાં વર્ષથી અસલામતી અનુભવવાની ફરિયાદ કરે છે. હિન્દુ-મુસ્લિમો વચ્ચે નજીવા કારણસર અને ક્યારેક તો કોઈ પણ કારણ વગર હુલ્લડો થાય છે. મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાની ધમકીઓ અપાય છે. ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ જાહેર કરીને ધાર્મિક ભેદભાવ અને વિખવાદમાં ઉમેરો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
મુસલમાન કાછિયાઓ પાસેથી શાકભાજી ખરીદવાં નહીં તેવી શીખ આપવા માટે ઉત્તર પ્રદેશના બે ભાજપી ધારાસભ્યોને ભાજપના પ્રમુખ નડ્ડાએ નોટિસ મોકલાવી છે. નાગરિકતા પ્રદાન ધારાના વિરોધમાં હુલ્લડ કરનાર લોકોને કપડાં પરથી પારખી શકાય છે તેવું અધિકૃત ધોરણે કહેવાયું છે. બંધારણે આપેલી સમાનતા કે છૂટછાટો સમાજ અને સમાજના આગેવાનો કબૂલ રાખતા નથી.
અમેરિકાની ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેની સમિતિ બંધારણ કાયદાના આધારે નહીં, પણ વહેવારના આધારે ચાલે છે. ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરવાનું કામ કોરોનાના કારણે અટકી પડ્યું છે, પણ આ યાદી અમને ત્રાસ આપવા માટે જ બનાવવામાં આવે છે તેવી દહેશત ભારતનો મુસ્લિમ સમાજ અમુંક અંશે અનુભવી રહ્યો છે. કોમી વિખવાદ ભારતના સમાજ અને રાજકારણની જમાના જૂની સમસ્યા છે અને 1947માં ભારતનું વિભાજન થયું તે હિન્દુ-મુસ્લિમ વેરઝેરના પરિણામે જ થયું છે. કાશ્મીરની સમસ્યા માત્ર ભૂગોળના ટુકડા માટે નહીં, પણ તેમાં મુસલમાનો પ્રત્યેની નફરત પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. ભારતમાં બધા ધર્મોને આપવામાં આવેલું સ્વાતંત્ર્ય અને તેમના માટેની સવલતો, જોગવાઈઓ માત્ર પોથીનાં રીંગણાં છે અને વહેવારમાં અમારા તરફ ભેદભાવ રાખવામાં આવે છે તેવી ફરિયાદ લઘુમતીઓના આગેવાનો સતત કરતા રહે છે. આવી ટીકા કરનારને ઉતારી પાડવામાં આવે છે અથવા તેમને ચૂપ કરી દેવામાં આવે છે, પણ ટીકાકારોનું મૌન વધારે બોલકું બની જાય છે.
આપણા દેશની અણછાજતી ટીકા થાય તે હરકોઈ સમજદાર નાગરિક માટે વિમાસણનો વિષય છે, પણ આવી ટીકાઓ માત્ર નકારી કાઢવાથી તેમને નિર્મૂળ કે નાબૂદ કરી શકાતી નથી. આવી ટીકાઓ થાય ત્યારે આપણે સૌથી પહેલાં આપણું ઘર તપાસવું જોઈએ અને ટીકામાં જેટલા પ્રમાણમાં તથ્ય હોય તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. અમેરિકન સમિતિને માત્ર ‘ગેરસમજણ’ થાય છે કે વાસ્તવિકતામાં આપણો પણ દોષ છે કે નથી તેની તલાશી લેવી જોઈએ. અમેરિકન સમિતિ માત્ર દ્વેષભાવે કે આપણને બદનામ કરવા માટે જ ટીકા કરે છે તેવું માની લઈને આપણા દોષ છાવરવા, તે લાંબા ગાળે આપણા માટે નુકસાનકારક નીવડે છે.
દુનિયાનો કોઈ સમાજ કોઈ દેશ, કોઈ માણસ સંપૂર્ણ હોતો નથી. આપણે બધા એક યા બીજી બાબતમાં એક યા બીજી રીતે અધૂરા જ હોઈએ છીએ. આપણી નિંદા કરનાર લોકો આપણો વાંક ઉઘાડો પાડે તેમાં તેમનો હેતુ સારો છે કે ખરાબ છે તેની ચિંતા કરવાના બદલે ટીકા કેટલા પ્રમાણમાં સાચી છે તે સમજવાની અને સ્વીકારવાની મથામણ પણ કરવી જોઈએ.
આવી ટીકાઓની બાબતમાં સ્વામી શરણાનંદજીએ અપનાવેલો અભિગમ અતિશય ઉપયોગી છે. સ્વામીજી હંમેશાં કહેતા કે મારી બાબતમાં થયેલી ટીકા સાચી હોય તો મારે સુધરવું જોઈએ. ટીકા ખોટી હોય તો અસત્ય લાંબો વખત ટકતું નથી તેવી શ્રદ્ધા રાખવી જોઈએ.
ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય છે કે નથી તેનો જવાબ બહુમતીના આગેવાનો કે રાજકીય આગેવાનોએ આપવાનો નથી. આ જવાબ લઘુમતીઓ પાસેથી મળવો જોઈએ. આવી બાબતોમાં અન્યાય કરનાર નહીં, પણ અન્યાય ભોગવનારની સાહેદી વધારે કામયાબી ધરાવે છે.
આવી નાજુક અને સંવેદનશીલ બાબતોની ચર્ચાનું સ્તર દિનદહાડે નીચે ઊતરતું જાય છે તેનું એક કારણ એ પણ છે કે ટેક્નોલોજીના વિકાસના કારણે સોશિયલ મીડિયા અતિશય પ્રખર અને પ્રભાવશાળી બન્યું છે અને ચર્ચામાં ઝુકાવનાર કે ગાળાગાળી કરનાર બધા લોકો આવા આત્મમંથનથી ટેવાયા હોતા નથી. મોટા ભાગના માણસો પોતાની જાતને હંમેશાં સાચક માને છે અને માણસનું બૌદ્ધિક સ્તર જેટલું ઓછું હોય તેટલા પ્રમાણમાં તેનો મત વધારે મક્કમ હોય છે.
અમેરિકાના વિચક્ષણ રાજપુરુષ બેન્જામિન ફ્રેન્ક્લિન કહેતા કે, ‘મારી ઉંમર અને અક્કલ વધે છે તેમ તેમ મને મારા મતનો આગ્રહ ઓછો થતો જાય છે.’ પોતાની જ વાત સાચી છે તેવું વધારે પડતાં જોરશોરથી બોલનાર માણસ મોટા ભાગે ખોટો જ હોય છે, કારણ કે તે તેટલો જ અણસમજુ છે. 

નગીનદાસ સંઘવી