સટ્ટો રમવામાં ગુજરાતીઓ અવ્વલ / ગુજરાતમાં 1 લાખ કરોડનો દૈનિક ઇક્વિટી અને કોમોડિટીમાં રમાતો સટ્ટો

સટ્ટો રમવામાં ગુજરાતીઓ અવ્વલ / ગુજરાતમાં 1 લાખ કરોડનો દૈનિક ઇક્વિટી અને કોમોડિટીમાં રમાતો સટ્ટો

  • ઇક્વિટી, ક્રૂડ-મેટલ્સ, ચોમાસા આધારિત ડબ્બાનું ધમધમતું માર્કેટ :  સૌરાષ્ટ્રમાં મોટા પાયે વોલ્યુમ
  • સમયાંતરે બહાર આવતા કૌભાંડોના કારણે એક્સચેન્જોમાં રોકાણકારોનો વિશ્વાસ ડગ્યો

અમદાવાદ. ઉદ્યોગ સાહસિકતા તો ગળથૂથીમાં જ ઘોળાયેલી હોય પરંતુ સટ્ટો શીખવાડવો ના પડે તેનું નામ પાક્કો ગુજરાતી…  સત્તાવાર ચાલતાં શેરબજારોની પેરેલલ બે નંબરમાં સટ્ટાખોરીમાં પણ ગુજરાતીઓ ગાંજ્યા જાય તેમ નથી. સત્તાવાર સ્ટોક એક્સચેન્જની જેમ જ બેનંબરમાં ચાલતાં ઇક્વિટી ટ્રેડિંગમાં રોજનું રૂ. 75-80 હજાર કરોડનું વલણ થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સૌથી વધુ વોલ્યુમમાં મુંબઇ ટોચના સ્થાને છે. ત્યારબાદ અમદાવાદ, કલકત્તા, દિલ્હી, ચૈન્નઇ અને બેંગ્લોરનો ક્રમ આવે છે. જ્યારે ડબ્બાના વેપારમાં મુંબઇ બાદ બીજા ક્રમે ગુજરાત અને ત્યાર બાદ રાજસ્થાનમાં સૌથી વધુ ડબ્બાનો વેપાર ચાલી રહ્યો છે. ડબ્બાના વેપારમાં સામાન્ય વર્ગ જ નહિં પરંતુ ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉટન્ટ, ડાયમંડ-ટેક્સટાઇલ, કોર્પોરેટલ વર્લ્ડના ખેલાડીઓ ટ્રેડિંગ કરી રહ્યાં છે. ડબ્બાના વેપારમાં સરકારને સૌથી મોટું નુકસાન ટેક્સની આવકમાં છે.
દ્રશ્ય-1: પોતપોતાના સેક્ટરમાં મહારથી ગણાતા રાજકોટના બે ઉદ્યોગપતિઓ વચ્ચે શરત લાગી કે હવામાં ઊછાળેલું ચપ્પલ સીધું પડે તો મારી ફેક્ટરી તારી અને ઉંધું પડે તો મારી ફેક્ટરી તારી…
દ્રશ્ય-2: ડીસાના ભાભરમાંથી એક પ્રેગનન્ટ લેડી પસાર થઇ રહી હતી. તેમાં બે વેપારીઓ વચ્ચે શરત લાગી ગઇ કે દિકરો આવે તો લાખ મારે દેવાના અને દિકરી આવે તો લાખ તારે દેવાના…
દ્રશ્ય-3: અમદાવાદની પોળમાંથી પસાર થઇ રહેલી કાર જોઇને બે મિત્રો વચ્ચે શરત લાગી કે નંબર એકી હોય તો તારે હજાર આપવાના અને બેકી બેકી હોય તો મારે હજાર આપવાના…
કેવી રીતે રમાડાય છે ડબ્બા ટ્રેડિંગ
ડબ્બા ટ્રેડિંગનો અર્થ કોઇ પણ ટ્રાન્ઝેક્શન ઓન રેકોર્ડ નહિં. એક્સચેન્જ વગર ઇક્વિટી, કોમોડિટીમાં જે સોદા થાય તેનો કોઇ પણ ચોપડે હિસાબ ન હોય તેવા સોદાને ડબ્બા ટ્રેડિંગ કહે છે. રમનાર અને રમાડનાર એમ બે વ્યક્તિઓ હોય છે. માત્ર મૌખીક વેપાર થાય છે પરંતુ ડબ્બાનો વેપાર એટલો જ વિશ્વસનીય હોય છે જેટલો એક્સચેન્જો પરનો હોય.
ડબ્બાથી સરકારને શું નુકસાન?
ડબ્બાથી સરકારને થતી ટેક્સની આવકમાં નુકસાન છે. જેમકે કાયદેસરના ટ્રેડમાં સરકારને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ મળે જે ડબ્બાના વેપારમાં મળતો નથી.બ્રોકર, ડબ્બો રમનાર કે રમાડનાર ખેલાડી દ્વારા લોંગટર્મ કે શોર્ટટર્મ ટ્રેડિંગ ચાર્જ ન ચુકવે, ઇનકમ ટેક્સ ન ભરે વગેરે…એક લાખ કરોડના દૈનિક ડબ્બા ટ્રેડિંગના કારણે સરકારને સરેરાશ 100 કરોડથી વધુની ટેક્સની આવક ગુમાવવી પડી રહી છે.
1500 કરોડનો સટ્ટો ચોમાસા પર
ઇક્વિટી, કોમોડિટીમાં સટ્ટો તો સમજ્યા પરંતુ ચોમાસા આધારિત સટ્ટાનું મહત્વ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાત-રાજસ્થાનમાંથી વરસાદ આધારિત સૌથી વધુ સટ્ટો રમાય છે. હવામાન ખાતાની આગાહી બાદ આ વર્ષે સરેરાશ 1500 કરોડથી વધુનો ચોમાસા પર સટ્ટો રમાય તેવી શક્યતા છે.
ઇક્વિટીમાં કઇ સ્ક્રિપ્ટમાં વધુ ડબ્બો
સામાન્ય રીતે જે સ્ક્રિપ્ટમાં સૌથી વધુ વોલેટાલિટી રહે તેમાં ડબ્બા ટ્રેડિંગ સૌથી વધુ જોવા મળે છે. ખાસ કરીને નિફ્ટી, બેન્ક નિફ્ટી, રિલાયન્સ, બજાજ ફાઇનાન્સ, સનફાર્મા, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, મારૂતી સુઝુકી વગેરે…
ડબ્બાના વેપાર પર પ્રતિબંધ જરૂરી
પોકેમોનગો જેવી ગેમ્સ પર પ્રતિબંધ મૂકી શકતી સરકારે આજ દિવસ સુધી આ દિશામાં વિચાર્યું સુદ્ધાં નથી. સરકારને ટેક્સની આવકમાં નુકસાન સાથે ડબ્બાના વેપારમાં દેવું વધી જવાના કારણે આત્મહત્યાના કેસ વધી રહ્યાં છે તે ડામવા જોઇએ, સેબી તથા એક્સચેન્જો દ્વારા ડબ્બાને અટકાવવા માટે જાગ્રૃતિ પ્રોગ્રામ વધુમાં વધુ થવા જોઇએ.– જિગ્નેશ માધવાણી, ટોરિન વેલ્થ ગ્રુપ
નિયમોનું યોગ્ય અમલીકરણ જરૂરી
ડબ્બા ટ્રેડિંગનું દુષણ સતત વધી રહ્યું છે. એક્સચેન્જોમાં થતા કાયદેસરના દૈનિક વોલ્યુમ કરતા 4-5 ગણું ડબ્બા ટ્રેડિંગ થઇ રહ્યું છે. ડબ્બા ટ્રેડિંગ પર આકરા નિયમો ઘડાયા છે પરંતુ આ જોગવાઇઓનું યોગ્ય અમલીકરણ થવું જરૂરી છે. બન્ને તરફી કાર્યવાહી થવી જોઇએ.– જયદેવસિંહ ચુડાસમા, ઇન્વેસ્ટર પોઇન્ટ.
ગુજરાતમાં ડબ્બાના હોટ સેન્ટર
સૌરાષ્ટ્રમાં-
 રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર
ગુજરાતમાં- સુરત, અમદાવાદ, બરોડા, આણંદ-નવસારી, ઉંઝા, રાધનપુર-હારીજ
ડબ્બામાં ક્યા શહેરમાં કેટલો વેપાર

શહેરરકમ (આંકડા રૂ. કરોડમાં)
મુંબઇ 90-95000
ગુજરાત60-65000
રાજસ્થાન45-50000

હાઇલાઇટ્સ

  • 50-60% ડબ્બાનું સૌથી વધુ વોલ્યુમ સૌરાષ્ટ્રમાંથી 
  • 90-95 હજાર કરોડનું દૈનિક ટર્નઓવર NSE-BSE પર
  • 50-60 હજાર કરોડનું દેનિક ટર્નઓવર NCDEX, MCX, અન્ય એક્સચેન્જો પર
  • 2 જા ક્રમે ડબ્બાના વોલ્યુમમાં ગુજરાત, ત્રીજા સ્થાને રાજસ્થાનમાં સૌથી વધુ ડબ્બો રમાય 
  • 99% ડબ્બો રમનાર ખેલાડીઓ નુકસાનીમાં, ડબ્બો રમાડનાર જ કમાય..!
  • 15-20 સ્ક્રિપ્સ કે જેમાં સૌથી વધુ વોલેટાલિટી હોય તેમાં ડબ્બાનું પ્રમાણ વધુ
  • 500 કરોડનો ગુજરાતમાંથી ચોમાસા (કેટલો વરસાદ) થશે તે આધારિત સટ્ટો રમાશે
  • 100 કરોડનું નુકસાન ગુજરાતના ખેલાડીઓને તાજેતરમાં ક્રૂડમાં નોંધાયું