ભારત 7મેથી વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવશે, ભાડૂ વસૂલવામાં આવશે અને 14 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે

ભારત 7મેથી વિદેશમાં ફસાયેલા નાગરિકોને પરત લાવશે, ભાડૂ વસૂલવામાં આવશે અને 14 દિવસ ક્વોરેન્ટીન થવું પડશે

  • એરક્રાફ્ટ અને નેવીના જહાજોથી પરત લવાશે, ગૃહમંત્રાલયે રાજ્યોને કહ્યું- ક્વોરેન્ટીનની સુવિધા રાખે
  • માત્ર એ લોકોને જ ભારત આવવાની મંજૂરી મળશે જેમનામાં સંક્રમણના કોઇ લક્ષણ નહીં હોય

નવી દિલ્હી:. કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા 7 મેથી શરૂ કરશે. આ ઓપરેશનમાં એરફોર્સના એરક્રાફ્ટ સિવાય નેવીના જહાજ પણ સામેલ થશે. તબક્કાવાર લોકોને લાવવામાં આવશે તેમજ તેમની પાસેથી ભાડૂ પણ વસૂલવામાં આવશે. સોમવારે ગૃહમંત્રાલયે કહ્યું કે માત્ર એ લોકોને મંજૂરી મળશે જેમાં સંક્રમણના કોઇ લક્ષણ નહીં હોય. ભારત આવ્યા બાદ યોગ્ય તપાસ થશે અને 14 દિવસ સુધી ક્વોરેન્ટીન કરવામાં આવશે. 
આ મામલે ભારતીય દૂતાવાસો દ્વારા અત્યારે જે નાગરિકો ફસાયા છે તેમની યાદી તૈયાર કરવામાં આવી છે. એરક્રાફ્ટ અને જહાજો દ્વારા તેમને પરત લાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ તૈયાર થઇ ગયો છે. 

ફ્લાઇટમાં બેસાડ્યા પહેલા સ્ક્રિનીંગ થશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નાગરિકોને ફ્લાઇટમાં ઓનબોર્ડ કર્યા પહેલા મેડિકલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન નાગરિકોને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. પરત આવ્યા બાદ તેમને આરોગ્ય સેતૂ એપ પર રજીસ્ટર કરવું પડશે. ત્યારબાદ 14 દિવસ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. રાજ્ય સરકારોને ટેસ્ટીંગ અને ક્વોરેન્ટીન માટે વ્યવસ્થાઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.