દેશમાં પેટ્રોલનું વેચાણ 90% ઘટ્યું, જૂન સુધી આમ રહ્યું તો આયાત બિલના 2 લાખ કરોડ રૂપિયા બચશે

દેશમાં પેટ્રોલનું વેચાણ 90% ઘટ્યું, જૂન સુધી આમ રહ્યું તો આયાત બિલના 2 લાખ કરોડ રૂપિયા બચશે

માગ ઘટવાથી અને ક્રૂડ સસ્તું થવાથી દેશને મોટો ફાયદો, વિદેશી હૂંડિયામણની મોટી બચત થશે

ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા, નવી દિલ્હી: લૉકડાઉનની સૌથી ખરાબ અસર પેટ્રોલ પંપો પર પડી રહી છે. તેમનું વેચાણ 90% સુધી ઘટી ગયું છે. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં તેમ જ માગમાં ઘટાડાને સરકાર માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના કહેવા મુજબ, લૉકડાઉન જૂન સુધી ચાલ્યું તો સરકારનું ક્રૂડ આયાત બિલ 25થી 30% સુધી ઘટી શકે છે. એટલે કે અંદાજે 2 લાખ કરોડ રૂ. બચશે.
ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના અધ્યક્ષ અજય બંસલ અને સેક્રેટરી ગોપાલ માહેશ્વરીએ જણાવ્યું કે દેશમાં સરકારી કંપનીઓના અંદાજે 68 હજાર પંપ છે જ્યારે અંદાજે 10 હજાર પંપ ખાનગી ક્ષેત્રમાં છે. સામાન્ય દિવસોમાં આ પંપો પર રોજ સરેરાશ 32.5 કરોડ લીટર ડીઝલ અને 10 કરોડ લીટર પેટ્રોલ વેચાય છે.  લૉકડાઉનના કારણે હવે તેમનું વેચાણ માત્ર 10% જ રહ્યું છે. ઓઇલ એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ જણાવ્યું કે દેશમાં કુલ ખપતના 86% ક્રૂડની આયાત થાય છે. હાલ માગ ભલે ઓછી છે પણ લૉકડાઉન ખતમ થશે ત્યારે 4-6 અઠવાડિયામાં માગમાં 10%નો ઉછાળો આવશે. બીજી તરફ નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે દેશમાં માગ ઘટવા સાથે જ હાલ ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને બેરલદીઠ 27 ડૉલર છે. દેશમાં 2018-19માં 112 અબજ ડોલર (7.83 લાખ કરોડ રૂ.)નું ઓઇલ ઇમ્પોર્ટ થયું હતું. લૉકડાઉન જૂન સુધી લંબાશે તો ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ બિલમાં 25-30%નો ઘટાડો થઇ શકે છે. એટલે કે લૉકડાઉનથી અંદાજે 2 લાખ કરોડ રૂ.ની બચત થઇ શકે છે, જે નાણા દેશની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં ખર્ચી શકાય તેમ છે.

અહીં નુકસાન: વેચાણ ઘટવાથી દૈનિક 750 કરોડ રૂપિયા રેવન્યૂમાં પણ ઘટાડો થયો
ઇમ્પોર્ટ બિલમાં મોટો ફાયદો થવા સાથે સરકારને વેચાણ 90% ઘટવાથી એક્સાઇઝ ડ્યુટીમાં નુકસાન પણ જઇ રહ્યું છે. કેન્દ્ર ડીઝલ પર લીટરદીઠ 18.83 રૂ. અને પેટ્રોલ પર 22.98 રૂ. એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. આ હિસાબે તેને ડીઝલ પર દૈનિક અંદાજે 550 કરોડ રૂ. અને પેટ્રોલ પર અંદાજે 260 કરોડ રૂ.નું નુકસાન થઇ રહ્યું છે જ્યારે રાજ્ય સરકારોને પણ વેટના રૂપમાં મહેસૂલી ખોટ થઇ રહી છે. 

IOCએ કહ્યું- લૉકડાઉન સુધીનો પૂરતો સ્ટોક
જાહેર ક્ષેત્રની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલે (આઇઓસી) કહ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો લૉકડાઉન સુધીનો પૂરતો સ્ટોક છે. આઇઓસીના ચેરમેન સંજીવ સિંહે કહ્યું કે દેશમાં ક્યાંય પણ રાંધણગેસ કે પેટ્રોલ-ડીઝલની અછત નહીં સર્જાય. 

ગુજરાતમાં લાખો લિટરથી વધુ પેટ્રોલનું વેચાણ

ગુજરાતમાં સરેરાશ રોજ 70થી 80 લાખ લિટરથી વધુ પેટ્રોલ અને લગભગ એટલી જ માત્રામાં ડીઝલનું વેચાણ થાય છે. અમદાવાદમાં 7 લાખ લિટર, સુરતમાં 3 લાખ લિટર, વડોદરા-રાજકોટમાં 2-2 લાખ લિટર પેટ્રોલનું વેચાણ થાય છે. તેમાં પણ ઘટાડો થયો છે.

ઢાબા-હોટેલો પર પાંચ લાખ ટ્રક બિનવારસી, ડ્રાઈવરો ઘરે જતા રહ્યાં
દેશના વિવિધ રાજ્યમાં આશરે પાંચ લાખ ટ્રક અને હોટલ બિનવારસી પડ્યા છે. ડ્રાઈવરો અને ક્લિનરો તેમની ટ્રક છોડીને વતન જતા રહ્યા છે. ઈન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે ટ્રકોનું ટ્રેકિંગ કરીને આ જાણકારી આપી છે. ટ્રક માલિકોને શંકા છે કે, આ સ્થિતિમાં ટ્રકોની કે સ્પેરપાર્ટ્સની ચોરી થઈ શકે છે. જનતા કર્ફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચે લાંબું અંતર કાપનારા આશરે 10 લાખ ટ્રેક રસ્તામાં હતા. ટ્રેનો બંધ થવાથી જાહેરાત થતાં અફરાતફરી શરૂ થઈ. આ ટ્રકોમાં 6 લાખ માલસામાનથી ભરેલી અને 4 લાખ ખાલી છે. આ સ્થિતિમાં ડ્રાઈવરો રસ્તામાં ફસાઈ જતા તેઓ કંપની કે ફેક્ટરી ગોડાઉન સુધી પહોંચી ગયા, પરંતુ લૉકડાઉનના કારણે માલ ઉતરી ના શક્યો.