કોરોના હવે ગળાં, ફેફસાં સાથે મગજને પણ જકડી રહ્યો છે, તાવ, માથામાં અને પેટમાં દુખાવો, ઊલ્ટી અને ડાયરિયા પણ લક્ષણો

કોરોના હવે ગળાં, ફેફસાં સાથે મગજને પણ જકડી રહ્યો છે, તાવ, માથામાં અને પેટમાં દુખાવો, ઊલ્ટી અને ડાયરિયા પણ લક્ષણો

  • કોરોનાના ચેપથી પીડાતી દર્દીએ કહ્યું, સવારે પેટમાં દુખાવો થયો, બપોરે શ્વાસ લેવામાં તકલીફ અને રાત્રે તાવ આવી ગયો
  • ન્યુરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોનાના દર્દીઓમાં બ્રેન સ્ટ્રોક, મગજમાં લોહીની ગાંઠ જામવી, મગજ સુન્ન થઈ જવું વગેરે લક્ષણો પણ દેખાયાં

ન્યૂ યોર્ક. દિવસે ને દિવસે કોરોના વાઇરસને લઇને નવી-નવી માહિતી બહાર આવી રહી છે. તાજેતરમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હવે દર્દીઓમાં આ રોગના લક્ષણો ઝડપથી બદલાઇ રહ્યા છે. ગળાં, ફેફસાં અને મગજ પછી હવે તેની અસર પેટ પર દેખાવા લાગી છે. ચીનમાંથી મળેલા ડેટા અનુસાર, 50% કોરોના દર્દીઓમાં પેટમાં દુખાવો, ઊલટી થવી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા છે.

અમેરિકાના ઘણા ન્યુરોલોજીસ્ટનું કહેવું છે કે, હવે કોરોના મગજ સુધી પણ પહોમચી ગયો છે. તાવ પછી હવે  મગજમાં સોજો અને માથાના દુખાવાના કેસો વધી રહ્યા છે.

અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં પ્રકાશિત સંશોધન મુજબ, ચીનના હુબેઇમાં કોરોનાના 204 દર્દીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાતની પુષ્ટિ થઈ છે. સામાન્ય રીતે કોરોના દર્દીઓમાં તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે છે. પરંતુ તાજેતરમાં થયેલું રિસર્ચનું તારણ દર્શાવે છે કે, ગંધ ન સૂંઘી શકવી અને ખોરાકનો સ્વાદ ન અનુભવો તે પણ કોરોનાના જ લક્ષણો છે.

પહેલું લક્ષણ ફૂડ પોઇઝનિંગ જોવા મળ્યું

ધ સનના એક રિપોર્ટમાં લંડનના બલહમ શહેરના રહેવાસી ઇસ્લા હસલમે તેનો અનુભવ શેર કર્યો. ઇસ્લાએ જણઆવ્યું કે, જ્યારે તે કોરોના વાઇરસથી પીડાઈ રહી હતી ત્યારે તેને પેટમાં અજીબ પ્રકારનો દુખાવો થયો. આ ચેપનું પહેલું લક્ષણ હતું. એક દિવસ સવારે ઊઠી તો લાગ્યું કે ફૂડ પોઇઝનિંગ થયું છે. થોડા કલાકો પછી ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો દેખાયાં. રાત સુધીમાં નાક બંધ થઈ ચૂક્યું હતું. આ ખૂબ જ ભયાનક અનુભવ હતો. શરીર જકડાઈ ગયું હતું અને બોલવામાં પણ ભાર લાગી રહ્યો હતો. તેમજ, તાવ પણ ચઢ્યો હતો.

કોરોના સૂંઘવાની-સ્વાદની ક્ષમતાને પણ અસર કરે છે

ગંધ અથવા સૂગંધ ન સૂંઘી શકવી અને સ્વાદ ન અનુભવી શકવો એ પણ કોરોના વાઇરસના પ્રારંભિક લક્ષણો છે. બ્રિટીશ રાયનોલોજિકલ સોસાયટીના પ્રેસિડન્ટ નિર્મલ કુમારના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયા, ચીન અને ઇટાલીમાં કોરોના પીડિતોમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

રિસર્ચ રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયામાં, 30% કોરોનાથી પીડિત લોકોમાં ગંધ ન સૂંઘી શકવી એ સૌથી અગત્યનું અને મુખ્ય લક્ષણ હતું. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત આ પણ એક મહત્ત્વપૂર્ણ લક્ષણ છે, જે ચેપ ઓળખવામાં મદદરૂપ થઈ શકે છે. આવો જ એક રિપોર્ટ અમેરિક અકેડેમી ઓફ ઓટોલેરિંગોલોજી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અમેરિકન અકેડેમીના અહેવાલ મુજબ, જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે વિલંબ કર્યા વિના તબીબી સલાહ લેવી જોઈએ.

ચેપગ્રસ્ત દર્દીઓમાં સોજાના કારણે માથામાં દુખાવો વધ્યો

કોરોનાવાયરસ હવે ગળા અને ફેફસાં સાથે મગજને પણ જકડી રહ્યો છે. વિશ્વભરના ન્યુરોલોજીસ્ટ પણ તેની પુષ્ટિ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોનાથી પીડિત દર્દીઓમાં ઘણા દર્દીઓ એવા પણ છે જેમાં ચેપ તેમના મગજને પણ અસર કરી રહ્યો છે. નિષ્ણાતોએ તેને બ્રેન ડિસ્ફંક્શન નામ આપ્યું છે.

ચેપનો અસર દર્દીની બોલવાની ક્ષમતા પર પડી રહ્યો છે અને મગજમાં સોજો આવવાને કારણે માથામાં દુખાવો વધી રહ્યો છે. આવા અનેક દુર્લભ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

બે એવા કિસ્સા જે જણાવે છે કે મગજમાં કેટલા ફેરફાર થયા

દર્દી તેનું નામ પણ ન જણાવી શકીઃ અમેરિકાના મિશિગનમાં રહેતી આશરે 50 વર્ષની મહિલા એરલાઇન કર્મચારીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો. તેને કંઇ સમજાઈ નહોતું રહ્યું, તેણે ડોક્ટરને માથામાં દુખાવો થવાની વાત જણાવી. બહુ મુશ્કેલીથી તે ડોક્ટરને તેનું નામ જણાવી શકી. જ્યારે બ્રેન સ્કેનિંગ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે, મગજના ઘણા ભાગમાં એક અલગ પ્રકારનો સોજો આવી ગયો છે. મગજના એક ભાગના કેટલાક કોષો ડેમેજ થઈ ગયા હતા.

મગજમાં બ્લડ ક્લોટ થઈ ગયું: ઇટાલીની બ્રેસિકા યુનિવર્સિટીના હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. એલેસેન્ડ્રો પેડોવાનીના જણાવ્યાનુસાર, કોરોનાના દર્દીઓમાં આવો જ ફેરફાર ઇટાલી અને દુનિયાના અન્ય ભાગના ડોક્ટર્સે પણ નોટિસ કર્યો. તેમાં બ્રેન સ્ટ્રોક,એન્સેફેલાઇટિંસ, મગજમાં લોહી ગંઠાવાનું, મગજ સુન્ન થઈ જવું વગેરે જેવાં લક્ષણો જોવા મળ્યાં. કેટલાક કિસ્સાઓમાં તાવ અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો દેખાય એ પહેલાં જ વ્યક્તિના મગજને અસર થઈ જાય છે.