અમેરિકા માટે ગુડફ્રાઇડે સૌથી ઘાતકી દિવસ ૨૪ કલાકમાં વિક્રમજનક ૨૦૨૮નાં મોત નોંધાયાં

અમેરિકા માટે ગુડફ્રાઇડે સૌથી ઘાતકી દિવસ ૨૪ કલાકમાં વિક્રમજનક ૨૦૨૮નાં મોત નોંધાયાં

। નવી દિલ્હી ।

અમેરિકા માટે ૨૦૨૦ના ગુડ ફ્રાઇડેનો દિવસ સૌથી ઘાતકી પૂરવાર થયો હતો. શુક્રવારે અમેરિકામાં કોરોના વાઇરસના કારણે ૨૦૨૮ લોકોનાં મોત થયાં હતાં. આ સાથે અમેરિકામાં મોતનો કુલ આંકડો ૧૮,૭૯૮ પર પહોંચ્યો હતો. તે અમેરિકામા કોરોના વાઇરસ સંક્રમિત લોકોની સંખ્યા પાંચ લાખને પાર કરીને ૫,૦૫,૪૭૮ પર પહોંચી હતી. શુક્રવારે ન્યૂયોર્ક સ્ટેટમાં ૭૭૭ મોત સાથે કુલ મોતનો આંકડો ૭૮૪૪ પર પહોંચ્યો હતો. સ્ટેટમાં નવા ૧૦૫૭૫ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૧,૭૦,૫૧૨ થઇ હતી. પાડોશના ન્યૂજર્સીમાં શુક્રવારે ૨૨૫ મોત નોંધાયાં હતાં. વિશ્વ માટે પણ છેલ્લા ૨૪ કલાક સારા રહ્યાં નહોતાં. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં કોરોનાના કારણે ૬૯૭૧ લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયાં હતાં. વિશ્વમાં કુલ ૧૦૪,૯૨૩ મોત નોંધાયાં હતાં. નવા ૧,૨૦,૦૦૦ કરતાં વધુ પોઝિટિવ કેસ સાથે કુલ ર્દીઓની સંખ્યા ૧,૭૨૬,૯૭૭ પર પહોંચી હતી.

ન્યૂયોર્કમાં બાકીના શૈક્ષણિક વર્ષ માટે શાળાઓ બંધ, ૧૧ લાખ વિદ્યાર્થી ઘેર રહેશે

ન્યૂયોર્કના મેયર બિલ દ બ્લાસિયોએ જણાવ્યું હતું કે, ન્યૂયોર્કમાં સરકારી શાળાઓ બાકીના શૈક્ષણિક વર્ષ માટે બંધ રાખવાના આદેશ જારી કરાયાં છે. ન્યૂયોર્ક શહેરમા સરકાર દ્વારા સંચાલિત ૧૮૦૦ શાળાઓમાં ૧૧ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. મેયરે જણાવ્યું હતું કે, આ અઘરો છતાં સાચો નિર્ણય છે.

બ્રિટિશ એક્ટર  હિલેરી હિથનું કોરોનાથી મોત

બ્રિટિશ અભિનેત્રી હિલેરી હિથનું ૭૪ વર્ષની વયે કોરોનાના ચેપના કારણે મોત થયું છે. હિલેરીએ સંખ્યાબંધ બ્રિટિશ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. હિલેરીએ ૧૯૬૮માં વિચફાઇન્ડર જનરલથી ફિલ્મી પરદા પર પદાર્પણ કર્યું હતું.

તૂર્કીમાં કરોડો લોકોને ૪૮ કલાકના કરફ્યૂમાં જકડાયાં

તૂર્કીમાં ૩૧ રાજ્યોમાં કરોડો લોકોને બે કલાકની નોટિસ આપી બે દિવસના કરફ્યૂમાં જકડી લેવાયાં હતાં. તૂર્કીમાં કોરોનાના કારણે મોતનો આંકડો ૧૦૦૦ને પાર ગયો છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર રોક લગાવી હતી.

અમેરિકાના પરમાણુ શસ્ત્રોના ૧૫૦ ઠેકાણા સુધી પહોંચ્યો કોરોના વાઇરસ

અમેરિકાના ૪૧ રાજ્યમાં આવેલા પરમાણુ શસ્ત્રો ધરાવતા ૧૫૦ સૈનિક ઠેકાણામાં કોરોના વાઇરસ ફેલાયો છે. અમેરિકી નૌકાસેનાના ૪ પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજમાં પણ કોરોના વાઇરસનો પ્રસાર થયો છે. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર અમેરિકાના ૩૦૦૦ સૈનિક કોરોના પોઝિટિવ છે. કોરોનાના પગપેસારાના કારણે સેનાની તમામ બિનજરૂરી પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવાઇ છે.

કોરોના વર્લ્ડવાઇડ

  • ઇરાને કોરોનાના કારણે લદાયેલા નિયંત્રણો હટાવવાના શરૂ કર્યાં
  • ઓસ્ટ્રિયા ઇસ્ટર બાદ દેશવ્યાપી લોકડાઉન હટાવી લેશે
  • આર્જેન્ટિનામાં દેશવ્યાપી લોકડાઉન ૨૬ એપ્રિલ સુધી લંબાવાયો
  • આર્મેનિયામાં સ્ટેટ ઓફ ઇમર્જન્સી વધુ ૩૦ દિવસ લંબાવાઇ
  • બાંગ્લાદેશમાં લોકડાઉન વધુ ૧૧ દિવસ માટે લંબાવાયો