કિલર કોરોના: અમેરિકામાં 1 દિવસમાં 1200 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો આવ્યા ઝપટમાં

કિલર કોરોના: અમેરિકામાં 1 દિવસમાં 1200 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો આવ્યા ઝપટમાં

કિલર કોરોના વાયરસનો કહેર દરરોજ પોતાની અસર વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે. વિશ્વમાં 10 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી પીડિત થઈ ગયા છે. જ્યારે 70000 કરતા વધુ લોકોના મોત થયા છે. આ મહામારીની ઝપટમાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે, જ્યાં છેલ્લી 24 કલાકમાં આ વાયરસથી 1200 મોત નોંધાયા છે. કોરોનાએ અમેરિકામાં તો મોતનું તાંડવ મચાવી દીધું છે. હાલ સ્થિતિ એવી છે કે અમેરિકન પ્રજા ઘરની બહાર નીકળતા ફફડી રહી છે.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં કોરોના વાયરસના કહેરના કારણે બધુ ઠપ થઇ ગયું છે. જોન હોપકિંગ્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાયરસની ઝપેટમાં 3 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે. જ્યારે 9600 લોકોના મોત થયા છે.

અમેરિકામાં કોરોના વાયરસને કારણે મત્યુઆંક સતત વધી રહ્યો છે અને હવે આ આંકડો 9/11 આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોથી ત્રણ ગણો વધી ગયો છે. જ્યારે 3 લાખથી વધુ લોકો સંક્રમિત છે. 

અહીં સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેર અને સ્ટેટ છે જ્યાં અમેરિકાના કુલ કેસની અડધી સંખ્યા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1 લાખ 20 હજારથી વધુ પોઝિટિવ મામલા સામે આવ્યા છે, જ્યારે 4 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલની સ્થિતિને જોતા લોકોને વધુમાં વધુ ઘરમાં રહેવાની અપીલ કરી છે, કોઈ જાહેર જગ્યા કે ઘરની બહાર નિકળવાની ના પાડવામાં આવી છે. પરંતુ અમેરિકામાં હજુ સુધી લૉકડાઉન સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું નથી, જેનું નુકસાન ત્યાંના લોકોને ભોગવવું પડી રહ્યાની ચારેકોર ચર્ચા છે.