અમેરિકામાં 4000 કોરોનાની મહામારીમાં હોમાયા, ૯/૧૧ કરતાં વધુ મોત

અમેરિકામાં 4000 કોરોનાની મહામારીમાં હોમાયા, ૯/૧૧ કરતાં વધુ મોત

। નવી દિલ્હી ।

સોમવારે કોરોના વાઇરસના કારણે અમેરિકામાં ૨૯૦ મોત નોંધાયાં હતાં. અમેરિકામાં મોતની સંખ્યા સોમવારે 4000 સુધી પહોંચી હતી. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ૨૯૭૭નાં મોત થયાં હતાં.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ તો ફ્ક્ત હિમશિલાની ટોચ છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ કહ્યું હતું કે, ૨૦મી એપ્રિલ સુધીમાં અમેરિકામાં રોજના ૨૦૦૦ કરતાં વધુ મોત નોંધાશે. આ અંદાજ પ્રમાણે અમેરિકામાં કોરોનાના કારણે ૮૨૦૦૦ મોત થઇ શકે છે. જોકે વ્હાઇટ હાઉસે બે લાખ મોતનો અંદાજ માંડયો છે. જૂન મહિના પછી અમેરિકામાં મોતનો દર ૧૦૦ પ્રતિ દિનથી નીચે આવશે. યુરોપમાં સ્પેન, ઇટાલી, બ્રિટન અને પોર્ટુગલ કોરોના વાઇરસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં ૫૫૩ અને ઇટાલીમાં ૮૩૭ મોત નોંધાયાં હતાં. ઇટાલીમાં ૪૦૫૩ અને સ્પેનમાં ૬૪૬૧ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પોર્ટુગલમાં હવે ઝડપથી કેસ વધવા લાગ્યા છે.

ઇટાલીમાં લોકડાઉન ૧૨મી એપ્રિલ સુધી લંબાવાશે

ઇટાલીના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે અમે નિષ્ણાતોની ભલામણ ધ્યાનમાં લઇ દેશવ્યાપી લોકડાઉન ૧૨મી એપ્રિલ સુધી લંબાવીશું. ઇટાલીમાં છેલ્લા૩ સપ્તાહથી લોકડાઉનમાં છે.

યુરોપમાં ફક્ત જર્મની જ કોરોના સામે બાથ ભીડવામાં સક્ષમ

યુરોપમાં અન્ય દેશો કરતાં જર્મની મોતનો દર ઘટાડવામાં સફળ રહ્યો છે. જર્મનીમાં અત્યાર સુધીમાં ૬૮૦ મોત નોંધાયાં છે. જર્મનીમાં ક્રિટિકલ કેસની સંખ્યા પણ ઘટી છે.

૨૨.૫ કરોડ લોકો લોકડાઉનમાં

કોરોનાના હોટ સ્પોટ એવા ન્યૂયોર્કમાં ૨૪ કલાકમાં ૨૦૮નાં મોત થયાં હતાં. વોશિંગ્ટન,  ર્વિજનિયા, મેરીલેન્ડ અને સાઉથ ફ્લોરિડાએ ઘરોમાં જ રહેવાના આદેશ જારી કરતાં હવે અમેરિકાની ૨૨.૫ કરોડની વસતી લોકડાઉન હેઠળ આવી ગઇ છે.

નેપાળમાં ચીનથી આવેલા કામદારોનો ઉગ્ર વિરોધ

નેપાળમાં આવેલા ચીની કામદારો સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ ટ્રકો અને માલસામાનની હેરફેર અટકાવી દીધી હતી.

ઇન્ડોનેશિયામાં  દેશવ્યાપી ઇમર્જન્સી જાહેર કરાઇ

ઇન્ડોનેશિયાના નેતા જોકો વિડોડોએ મંગળવનારે દેશવ્યાપી ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. વિડોડોએ આરોગ્ય કટોકટી જાહેર કરી હતી પરંતુ લોકડાઉન કરવાની માગ નકારી કાઢી હતી.