કોરોના / એન-95 માસ્ક બજાર 29 ગણું વધ્યું, રોજ રૂ. 1600 કરોડના માસ્ક વેચાઈ રહ્યા છે, 1 માસ્કનો 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય

કોરોના / એન-95 માસ્ક બજાર 29 ગણું વધ્યું, રોજ રૂ. 1600 કરોડના માસ્ક વેચાઈ રહ્યા છે, 1 માસ્કનો 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય

દેશમાં પહેલાં રોજ 1670 એન-95 માસ્ક વેચાતા, હવે ચાર કરોડ વેચાતા, જરૂર 10 કરોડની

અમિત કુમાર નિરંજન, નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડ લાઈન પ્રમાણે, કોરોના વાઈરસથી બચવા માટે એન-95 માસ્ક સૌથી ઉત્તમ છે અને તેના પછી સૌથી સુરક્ષિત થ્રી- પ્લાય માસ્ક છે. એન-95 અને થ્રી પ્લાય ડિસ્પોઝેબલ માસ્ક છે. ઑલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશનના નેશનલ પ્રેસિડેન્ટ અભય પાંડેએ 31 જાન્યુઆરી 2020ના રોજ ભારત સરકારને પત્ર લખીને જણાવ્યું કે, એન-95 માસ્કની નિકાસ રોકવી જોઈએ. ત્યાર પછી સરકારે તુરંત તેની નિકાસ રોકવા માટે પગલાં લીધા. આમ છતાં, હાલ દેશમાં એન-95ની અછત સર્જાઈ છે. 
એક એન-95 માસ્કની કિંમત રૂ. 350થી 400
અભય પાંડે કહે છે કે, ત્યારથી અત્યાર સુધી એન-95 માસ્કનું બજાર આશરે 29 હજાર ગણું વધી ગયું છે. કોરોના વાઈરસના સંક્રમણ પહેલા રોજના સરેરાશ 1670 માસ્ક વેચાતા, જ્યારે હાલ રોજના ચાર કરોડ માસ્ક વેચાઈ રહ્યા છે. હકીકતમાં હાલ દેશમાં રોજના 10 કરોડ એન-95 માસ્કની જરૂર છે. હાલ સરેરાશ એક એન-95 માસ્કની કિંમત રૂ. 350થી 400 છે. હાલ એન-95નો પ્રતિ દિન વેપાર રૂ. 1600 કરોડે પહોંચી ગયો છે. 
ગયા વર્ષે પાંચ લાખ એન-95 માસ્કની પણ જરૂર નહોતી પડી
હાલ રોજના આશરે ત્રણ કરોડ થ્રી પ્લાય માસ્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેની કિંમત હાલ રૂ. 16 સુધી પહોંચી ગઈ છે. આ હિસાબે આશરે રૂ. 48થી 50 કરોડ સુધીના થ્રી પ્લાય માસ્કનો રોજિંદો વેપાર થઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે, ગયા વર્ષે પાંચ લાખ એન-95 માસ્કની પણ જરૂર નહોતી પડી કારણ કે, આ માસ્ક મેડિકલ ક્ષેત્રે કામ કરતા લોકો જ ખરીદે છે. હવે તેની માંગ અચાનક વધી ગઈ છે. જોકે, આ માસ્કનો પણ 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય.   જે ડૉક્ટર, નર્સ, સફાઈ કર્મી, સુરક્ષા કર્મી કોરોના વાઈરસના દર્દીઓ વચ્ચે કામ કરી રહ્યા છે, તેમને દિવસમાં ચાર-ચાર એન-95 માસ્કની જરૂર પડે છે. ડબલ્યુએચઓની ગાઈડલાઈન પ્રમાણે, જો તમે તમારું માસ્ક સમયસર ના બદલો તો તેમાં ભેજ આવવા લાગે છે, જેનાથી વાઈરસ ઉત્પન્ન થવાની શક્યતા છે. ત્રિયમ, વીનસ, મેગ્લમ આ ત્રણ કંપની છે, જે દેશમાં એન-95 માસ્કનું મોટા પાયે ઉત્પાદન કરે છે. 
લૉકડાઉનના કારણે 50 ટકા કારીગરો ઘટી ગયા 
એન-95 માસ્ક બનાવવાનો ઉત્પાદન ખર્ચ રૂ. 11 આવે છે. સામાન્ય દિવસોમાં તે રૂ. 150માં વેચાય છે, પરંતુ કોરોના વાઈરસના પગલે હાલ તે રૂ. 300-400માં વેચાય છે. કેટલાક સ્થળે તે રૂ. 700માં પણ વેચાઈ રહ્યા છે. એવી જ રીતે, થ્રી પ્લાય માસ્કનો ઉત્પાદન ખર્ચ રૂ. 2થી વધુ નથી, પરંતુ તે રૂ. 16માં વેચાઈ રહ્યા છે. ઓર્થોસૂટ બાટોમેડિકલ એન્જિનિયરિંગના મેનેજર મનોજ રાજાવતે કહ્યું કે, હાલ અમે આશરે રૂ. 60 હજાર થ્રી પ્લાય માસ્કનું રોજિંદુ ઉત્પાદન કરી રહ્યા છીએ, પરંતુ અમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, લૉકડાઉનના કારણે અમારા 50 ટકા કારીગરો ઘટી ગયા છે.