લોકસભા ચૂંટણીના ફાઈનલ પરિણામ / ભાજપ 303, કોંગ્રેસ 52 સીટ જીતી, 23 સીટો સાથે દ્રમુક ત્રીજા નંબર પર

લોકસભા ચૂંટણીના ફાઈનલ પરિણામ / ભાજપ 303, કોંગ્રેસ 52 સીટ જીતી, 23 સીટો સાથે દ્રમુક ત્રીજા નંબર પર

2014ની સરખામણીએ ભાજપની 21 સીટ વધી, કોંગ્રેસને પણ 8 સીટનો ફાયદો થયોદ્રમુકને 23 સીટ મળી, 2014માં ખાતુ પણ નહતું ખુલ્યુંબંગાળમાં તૃણમૂલની 12 સીટ ઘટી, 22 સીટ પર જ મમતાની પાર્ટી જીત મેળવી શકીબિહારમાં લાલુની પાર્ટી આરજેડી ખાતુ પણ ન ખોલી શક્યું, ઓરિસ્સામાં બીજેડીને 8 સીટોનું નુકસાન

નવી દિલ્હી: 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે, 303 સીટ મેળવીને એકલાએ જ બહુમત માટે જરૂરી 272નો આંક સરળતાથી મેળવી લીધો છે. એનડીએને 352 સીટો મળી છે. કોંગ્રેસે 52 સીટ જીતી છે. યુપીએ આ વખતે 96 સીટો સુધી પહોંચી છે.

કોંગ્રેસના સહયોગી પક્ષ દ્રમુક ત્રીજા નંબરે છે. 2014માં ખાતું ન ખોલી શકનાર દ્રમુકે આ વખતે 23 સીટ પર જીત મેળવી છે. ઉત્તરપ્રદેશમાં બસપાને 10 સીટ જીતવામાં સફળતા મળી છે. માયાવતીની પાર્ટીને 2014માં એક પણ સીટ મળી નહતી.

આ પાર્ટીઓને પણ મળ્યો ફાયદો: ભાજપને 2014માં 282 સીટો પર જીત મેળવવામાં સફળતા મળી હતી. એનડીએ 336 સીટ જીતવામાં સફળ રહી હતી. ભાજપને ગઈ વખતની સરખામણીએ 21 સીટ વધારે મળી છે. 2014માં 9 સીટ જીતનાર વાયએસઆર કોંગ્રેસને આ વખતે 22 સીટ મળી છે. ભાજપની સહયોગી જેડીયુને બિહારમાં 17 સીટ મળી છે. ગઈ વખતે જેડીયુ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી હતી અને 2 સીટ જીતવામાં સફળ રહી હતી.

અન્નાદ્રમુક, તૃણમૂલ, ટીડીપી અને બીજેડીને નુકસાન: આ ચૂંટણીમાં NDAએ ભલે સારું પ્રદર્શન કર્યું હોય પરંતુ તમિલનાડુમાં અન્નાદ્રમુકને ઘણું નુકસાન થયું છે. અન્નાદ્રમુક આ વખતે માત્ર 1 સીટ જીતી શકી છે. 2014માં અન્નાદ્રમુકે અલગ ચૂંટણી લડી હતી અને 37 સીટો પર જીત મેળવી હતી. આ સિવાય આંધ્રમાં ચંદ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપીને પણ નુકસાન થયું છે. 2014માં ટીડીપી 16 સીટ જીતી હતી પરંતુ આ વખતે માત્ર 3 સીટ પર જ જીત મળી હતી.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને આ વખતે ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. 2014માં બંગાળની 42 સીટમાંથી 34 સીટ જીતનારી તૃણમૂલ કોંગ્રેસ આ વખતે 22 સીટ જ જીતી શકી છે. બીજી બાજુ ઓરિસ્સામાં પણ બીજેડીની સીટો ઓછી થઈ છે. 2014માં મોદી લહેર હોવા છતાં 20 સીટ જીતનારી બીજેડી આ વખતે માત્ર 12 સીટ જ જીતી શકી છે. બીજી બાજુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી એક પણ સીટ જીતી શકી છે. ગત ચૂંટણીમાં પીડીપીને 6માંથી 3 સીટ જીતવામાં સફળતા મળી હતી.

ખાતું ન ખોલી શકી આરજેડી, સપા 5 સીટ પર યથાવત: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી રાજ્યમાં આ વખતે ખાતું પણ ખોલી શકી ન હતી. ગઈ ચૂંટણીમાં આરજેડીને 4 સીટ પર જીત મળી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં સપા તેમની 5 સીટ જ જાળવી શકી છે. જોકે યાદવ પરિવારના બે જ સભ્યો અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ જ ચૂંટણી જીતી શક્યા છે. જ્યારે પરિવારના અન્ય 3 સભ્યોને હાર મળી છે.