શાળાઓમાં નવરાત્રી વેકેશન પર રોક

શાળાઓમાં નવરાત્રી વેકેશન પર રોક

ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને નવરાત્રી વેકેશનનો લાભ મળશે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા આવી નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં નવરાત્રિ વેકેશન પર રોકનો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ આ અંગે જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેને એ.જે. શાહને પુછવામાં આવ્યું તો તેમણે કાંઈક અલગ જ પ્રતિક્રિયા આપી હતી.

શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે કહ્યું કે, નવરાત્રીનું વેકેશન રદ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. નવરાત્રીનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જો કે આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી. તેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે ગત વર્ષે સરકારે જાહેર કરેલાં નવરાત્રી વેકેશન નહીં આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

હવે, સોમવારે મળનાર બેઠક બાદ જ સ્પષ્ટ થશે કે આ વર્ષે શાળાઓમાં નવરાત્રી વેકેશન મળશે કે કેમ?