Tweet / મોદીનું ટ્વિટ- FB, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાનું વિચારી રહ્યો છું,

Tweet / મોદીનું ટ્વિટ- FB, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાનું વિચારી રહ્યો છું,

વડાપ્રધાને કરેલા ટ્વિટથી યુઝર્સમાં તર્ક-વિતર્ક શરૂ

નેશનલ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે 2 માર્ચના મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી દઉં. તમને તેના વિશે માહિતી આપીશ. આ ટ્વિટ કર્યાના 30 મિનિટમાં તેના પર 30 હજાર લાઇક, 16 હજાર રિપ્લાય આવ્યા હતા તેમજ 10 હજાર વખત તેને રિટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટ બાદ યુઝર્સે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. ટ્વિટર પર નરેન્દ્ર મોદીના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાખ અને ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલને ચાલીસ લાખથી વધારે લોકોએ સબ્સ્ક્રાઇબ કરી છે.

આ મામલે અમુક જાણકારોનું માનવું છે કે જ્યારે વડાપ્રધાને આવી મોટી જાહેરાત કરી છે તો તેઓ કંઇક નવું શરૂ કરી શકે છે જે સોશિયલ મીડિયા કરતા પણ શક્તિશાળી હોઇ શકે. તેઓ કોઇ નવું કેમ્પેન પણ શરૂ કરી શકે છે. બીજેપી આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે આ મામલે હજુ રાહ જોવી જોઇએ. આ મામલે આગામી રવિવાર સુધી વડાપ્રધાન કોઇ જાહેરાત કરી શકે છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટ સામે એક ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો. રાહુલે કહ્યું- નફરત છોડો, સોશિયલ મીડિયા નહીં.

મોદી જેમને ટ્વિટર ફોલો કરે છે તેવા ડૉ. કાનાબારે મોદીને સોશિયલ મીડિયા ન છોડવા અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમને ટ્વિટર પર ફોલો કરે છે તેવા અમરેલીના ડોક્ટર ભરત કાનાબારે અપીલ કરી છે કે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા છોડવું ન જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે યાગાનુયોગ ડોક્ટર ભરત કાનાબારે આજે જ સોશિયલ મીડિયાના દૂરુપયોગ અંગે પોસ્ટ કરી હતી તથા તાજેતરમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

લગાતાર બે લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં સોશિયલ મીડિયાની ભૂમિકા
2014 લોકસભા ચૂંટણી: આ ચૂંટણી પહેલા 2009માં એકમાત્ર ભારતીય નેતા હતા જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. 2014ની લોકસભા ચૂંટણી આવતા આવતા લગભગ કોઇ એવો પ્રમુખ નેતા હશે જે ટ્વિટર અથવા ફેસબુક પર એક્ટિવ ન હોય. 2014ની લોકસભા ચૂંટણી સમયે મોદીના ફેસબુક પેજના 1.4 કરોડ ફોલોઅર્સ હતા. આ સમયે વિશ્વમમાં માત્ર બરાક ઓબામાજ એવા નેતા હતા જેમના મોદીથી વધુ ફોલોઅર્સ હતા. આ ચૂંટણીમાં મોદીની જીતમાં ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેનનું પણ મોટું યોગદાન માનવામાં આવ્યું હતું.

2019 લોકસભા ચૂંટણી: આ લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે રાફેલ ડીલમાં સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવીને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો તો તેના જવાબમાં મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ નારો આપ્યો. વોટીંગ પહેલા મોદી સરકારના દરેક મંત્રીઓ અને પ્રમુખ ભાજપના નેતાઓએ તેમના ટ્વિટર હેન્ડલ આગળ ચોકીદાર શબ્દ જોડી નાખ્યો. ભાજપે લોકોને પણ આવું જ કરવાની અપીલ કરી. તેનો ભાજપને પણ ફાયદો મળ્યો. એક અનુમાન પ્રમાણે ભાજપે આ ચૂંટણીમાં 20 કરોડ રૂપિયા માત્ર ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રચારમાં ખર્ચ કર્યા. આ ચૂંટણીમાં ગુગલ અને યુટ્યુબ પર રાજકીય પાર્ટીઓએ લગભગ 27 કરોડ રૂપિયાની જાહેરાતો આપી હતી. તેમાં 60 ટકાથી વધારે જાહેરખબર ભાજપે આપી હતી.

ચૂંટણીની જીત બાદ મોદીનું ટ્વિટ, આ ટ્વિટ ગોલ્ડન ટ્વિટ ઓફ ધ યર પણ રહ્યું હતું