વિદેશ ભણવા જવામાં બ્રિટન ભારતીયોની ‘પહેલી’ પસંદ, તેની પાછળ આ રહ્યા મુખ્ય ત્રણ કારણ

વિદેશ ભણવા જવામાં બ્રિટન ભારતીયોની ‘પહેલી’ પસંદ, તેની પાછળ આ રહ્યા મુખ્ય ત્રણ કારણ

। નવી દિલ્હી ।

બ્રિટનના ઇમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સ ડેટા દર્શાવે છે કે ૨૦૧૯માં ૩૭,૫૦૦ કરતાં વધુ ભારતીયો યુકેની યુનિવર્સિટીમાં જોડાયા હતા. બ્રિટન દ્વારા સ્ટડી વિઝા મંજૂર કરાયા તેમાં આ ૯૩ ટકાનો વધારો નોંધાયો છે. બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા મુખ્ય દેશોમાં ભારતનું સ્થાન ઝડપથી આગળ આવી રહ્યું છે. ગુરુવારે બ્રિટનના ઇમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સના ડેટા મુજબ ૨૦૧૯માં ૩૭,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને ટાયર ૪ (અભ્યાસ) વિઝા મળ્યા હતા. ૨૦૧૮ કરતાં આ વિઝાની સંખ્યા ૯૩ ટકા વધુ છે. છેલ્લા આઠ વર્ષોમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ભારતીયોને ટાયર ૪ના વિઝા અપાયા છે. ઇમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સ ડેટા મુજબ ભારતીય વ્યવસાયિકોને ટાયર ૨ સ્કિલ્ડ વિઝા શ્રેણીમાં સૌથી વધુ વિઝા અપાયા હતા. ગયા વર્ષે એ સંખ્યા પણ ૫૭,૦૦૦ કરતાં વધુ હતી. આ સંખ્યા બ્રિટનમાં તમામ વ્યવસાયિકોને અપાયેલા વિઝાના ૫૦ ટકા કરતાં વધુ હતા.

અભ્યાસ બાદ જોબ માટે બે વર્ષની છૂટ

ભારતમાં કાર્યવાહક બ્રિટિશ હાઇ કમિશનર જોન થોમ્પસને કહ્યું કે સ્ટુડન્ટ વિઝામાં તેને કારણે અમારા દેશની શિક્ષણપ્રણાલી સર્વશ્રેષ્ઠ હોવું અને ભારતીય વિદ્યાર્થીઓની અસાધારણ પ્રતિભા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હાલમાં ૨૦૨૦-૨૧ માટે બહાર પડાયેલા નવા સ્નાતક વિઝા હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ જોબ માટે બે વર્ષની છૂટ અપાઇ છે.

ટૂરિસ્ટ વિઝામાં પણ આઠ ટકાનો વધારો

ભારતમાં બ્રિટિશ કાઉન્સિલના નિર્દેશક બાર્બરા વેકહમે કહ્યું કે, બ્રિટન ભારતીયો માટે રજા ગાળવા માટે પણ પર્યટન સ્થળ તરીકે ખૂબ જ જાણીતું છે. ગયા વર્ષે ૫,૧૫,૦૦૦ ભારતીયોને ટૂરિસ્ટ વિઝા અપાયા હતા. આ આંકડો ૨૦૧૮ની સરખામણીએ આઠ ટકા વધુ છે.

બ્રિટનમાં ભણવા જવા પાછળના ત્રણ કારણ

એક ભારતીય વિશેષજ્ઞો જણાવ્યું કે આ વધારો કાંઇ આશ્ચર્યજનક નથી. ૨૦૨૦માં આ સંખ્યામાં હજુ વધારો જોવા મળશે. આ વધારો ખાસ કરીને ત્રણ કારણસર છે : ૧. GIR એ ૨૦૨૧થી પોસ્ટ સ્ટડી પરમિટ આપવાની જાહેરાત કરી છે. ૨. અમેરિકા કરતાં બ્રિટનમાં શિક્ષણ સસ્તું છે અને ૩. ભારતીય શિક્ષણ પણ મોંઘું થઇ રહ્યું છે.