ટ્રમ્પનો કાફલો / સુરક્ષાનો હરતો-ફરતો અભેદ કિલ્લોઃ વિશ્વના સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ વનથી લઈ રૂપિયા 11 કરોડની ‘બીસ્ટ

ટ્રમ્પનો કાફલો / સુરક્ષાનો હરતો-ફરતો અભેદ કિલ્લોઃ વિશ્વના સૌથી સુરક્ષિત વિમાન એરફોર્સ વનથી લઈ રૂપિયા 11 કરોડની ‘બીસ્ટ

પાંચ C-17 ગ્લોબમાસ્ટર હરક્યુલિસ માલવાહક વિમાનોમાં આવ્યા હેલિકોપ્ટર, કારો અને સુરક્ષા ઉપકરણ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પના 36 કલાકના ભારત પ્રવાસ માટે તૈયારીઓ થઈ રહી છે અને આ તૈયારી પાછળ વ્યાપક પ્રમાણમાં ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ બાબત વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતાને લગતી છે ત્યારે અમેરિકા ટ્રમ્પના પ્રવાસ પાછળ કરવામાં આવતા ખર્ચને લગતા કોઈ સત્તાવાર આંકડા જાહેર કરતું નથી. અલબત રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠા અને સુરક્ષા પરિવહન ઉપકરણોના વહન પાછળ થતા ખર્ચનું પ્રમાણ ઘણુ મોટું હોઈ શકે છે.

ભારત યાત્રા સમયે ટ્રમ્પ તેમના વિશેષ વિમાન એરફોર્સ વનમાં આવશે.આ ઉપરાંત થોડા કિલોમીટરની જમીની અને હવાઈ યાત્રાઓ માટે તેમની ખાસ કાર બીસ્ટ અને મરિન વન હેલિકોપ્ટર પણ વિશેષ માલવાહક વિમાન મારફતે અહીં ભારત પહોંચાડવાની પ્રક્રિયા હેઠળ છે. યાત્રા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના વાહનો ઉપરાંત અન્ય કોઈ વાહનનો ઉપયોગ કરતા નથી. સુરક્ષા અને ગુપ્તચર વ્યવસ્થાના તમામ ઉપકરણ પણ પાંચ C-17 ગ્લોબમાસ્ટર હરકુલિસ માલવાહક વિમાનો મારફતે ભારત પહોંચ્યા છે. ટ્રમ્પના કાફલાની વિશેષતા શું છે તેના પર એક નજર કરીએ…

એરફોર્સ વનઃ વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા આ બોઈંગ 747-200B શ્રેણીના વિમાન હરતુ-ફરતુ વ્હાઈટ હાઉસ કે તમામ સુવિધાથી સજ્જ શહેર કહી શકાય. એવું કોઈ જ કામ કે સુવિધા નથી કે જે આ વિમાનમાં ન હોય. આધુનિક સુરક્ષા અને સંચાર સાધનો ઉપરાંત હવામાં ઈંધણ ભરવાની ક્ષમતાને લીધે તે કલાકો સુધી સતત હવામાં રહી શકે છે. તે રેન્જને લગતી કોઈ સમસ્યા ધરાવતુ નથી. વિમાનમાં રાષ્ટ્રપતિ માટે કાર્યાલય, રેસ્ટ રૂમ તથા જરૂર પડે તો તમામ સુવિધાયુક્ત ઓપરેશન થિએટરની પણ સુવિધા તેમા છે. આ વિમાન એકલું જ ઉડતુ નથી. તે દુશ્મનોને છેતરવા માટે તેના જેવા જ અન્ય વિમાન પણ તેની સાથે હોય છે.

બીસ્ટઃ 15 લાખ ડોલર (આશરે 11 કરોડ રૂપિયા) કિંમતના બે કેડિલેક લિમોજીન કાર રાષ્ટ્રપતિના સત્તાવાર પ્રવાસ માટે હોય છે. તમામ સુરક્ષા અને સંચાર ઉપકરણોથી સજ્જ આ કાર પરમાણુ-રસાયણિક હુમલાથી પણ બચવા માટે સક્ષમ છે. બન્ને પૈકી કઈ કારમાં રાષ્ટ્રપતિ હશે તે અંગે છેલ્લી ઘડીએ સિક્રેટ સર્વિસના એજન્ટ જ નિર્ણય લે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વિશ્વના કોઈ પણ ભાગમાં જમીની પ્રવાસ આ કારથી જ કરે છે અને વિશ્વભરમાં તેનો નંબર અમેરિકાનો જ રહે છે.

શેવરલે સબ અર્બનઃ સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ આ કાર અમેરિકાના રાષ્ટ્રપતિની કારની બિલકુલ પાછળ રહે છે. તેમા રાષ્ટ્રપતિની સુરક્ષામાં રહેલા સિક્રેટ સર્વિસના એજન્ટ અને ડોક્ટર તમામ આધુનિક હથિયારો, સુરક્ષા ઉપકરણો અને ચિકિત્સા ઉપકરણો સાથે હંમેશા સાવચેત હોય છે.

રોડ રનરઃ કાફલાને સુરક્ષિત સંચાર પ્રણાલીઓ અને ઝામર જેવી સુવિધા આપવાનું કામ આ ખાસ વિમાન કરે છે. સીધા અને નાના એન્ટીના તેમ જ ડોમ મારફતે તે રાષ્ટ્રપતિ અને તેની ટીમને ઉપગ્રહ મારફતે તમામ પ્રકારના ઓડિયો-વિડિયો સંચારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે, જે સાંકેતિક ભાષામાં હોય છે.

સપોર્ટ વાહનઃ તેમા કેબિનેટના સહયોગીઓની કારો ઉપરાંત ડોક્ટરોની સુવિધાથી સજ્જ એક એમ્બ્લુલેન્સ અને ફાયરફાઈટરના વાહનનો પણ સમાવેશ થાય છે. તેમા એક સુરક્ષા ટ્રક ખાસ રીતે ઉપલબ્ધ હોય છે,જે કોઈ પણ પરમાણુ, રાસાયણિક અને જૈવ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે.