ટ્રસ્ટ રામ મંદિરને વેટિકન સિટી અને મક્કા મસ્જિદથી મોટું બનાવવા માંગે છે, નિર્માણ શરૂ કરવાનો નિર્ણય 15 દિવસ પછી

ટ્રસ્ટ રામ મંદિરને વેટિકન સિટી અને મક્કા મસ્જિદથી મોટું બનાવવા માંગે છે, નિર્માણ શરૂ કરવાનો નિર્ણય 15 દિવસ પછી

  • વેટિકન સિટી 110 એકર અને મક્કા મસ્જિદ 99 એકરમાં છે, ટ્રસ્ટ આના કરતા વધારે વિસ્તારમાં રામ મંદિર તીર્થ બનાવવા માગે છે
  • શિલાન્યાસની તારીખનો 15 દિવસ પછી થનારી બેઠકમાં નિર્ણય લેવાશે, 4 એપ્રિલ એટલે કે અગિયારસના દિવસથી નિર્માણ કાર્ય શરૂ કરાય તેવી શક્યતા

નવી દિલ્હી (સંતોષ કુમાર): શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની 15 દિવસ પછી થનારી બેઠકમાં રામ મંદિર નિર્માણની તારીખ વિશે નિર્ણય લેવામાં આવશે. આ બેઠક પણ અગિયારસના દિવસે જ થવાની છે. ટ્રસ્ટ ઈચ્છે છે કે, અયોધ્યામાં રામ મંદિર ક્ષેત્ર દુનિયાનું સૌથી મોટુ સનાતમ ધર્મ કેન્દ્ર બને. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટના સભ્યો ઈચ્છે છે કે, રામ મંદિર ક્ષેત્રનો વિસ્તાર વેટિકન સિટી અને મક્કાની મસ્જિદ કરતા મોટો હોવો જોઈએ.

111 એકરમાં રામ મંદિર તીર્થ વિકસતી કરવાનો વિચાર
ઈસાઈનું તીર્થ વેટિકન સિટી 110 એકરમાં ફેલાયેલુ છે અને મક્કા મસ્જિદ 90 એકરમાં છે. ટ્રસ્ટ આના કરતા મોટા વિસ્તારમાં રામ મંદિર તીર્થનો વિકાસ કરવાની યોજના બનાવી રહ્યો છે. ટ્રસ્ટ પાસે અત્યારે રામ મંદિર માટે 70 એકર જમીન છે. અમુક સભ્યોએ આસપાસની સંભવિત જમીનોની મુલાકાત પણ કરી છે. અરવિંદો આશ્રમ 3 એકર જમીન આપવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટ 111 એકરમાં રામ મંદિર તીર્થનું નિર્માણ કરવા વિચારી રહ્યું છે.

સંતોએ નિર્માણની શરૂઆત કરવા માટે અગિયારસનું મુહૂર્ત સુચવ્યું
ટ્રસ્ટની પહેલી બેઠક બુધવારે પારાશરનના ઘરે થઈ હતી, આ દિવસે પણ અગિયારસ જ હતી. ટ્રસ્ટની આગામી બેઠક અયોધ્યામાં 15 દિવસ પછી થવાની છે અને તે દિવસે પણ એકાદશી જ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંતોએ રામ મંદિરના નિર્માણ માટે કામદા એકાદશી (4 એપ્રિલ)ના મુહૂર્તનું સૂચન કર્યું છે. પારાશરનના ઘરે થયેલી બેઠકમાં નિર્માણ શરૂ કરવા માટે કામદા એકાદશી સિવાય અન્ય ત્રણ તારીખ વિશે પણ વિચારણાં કરવામાં આવી છે. અન્ય તારીખોમાં 25 માર્ચ (ચૈત્ર પ્રતિપદા) છે. આ દિવસની હિન્દુ નવવર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ સિવાય 2 એપ્રિલ (રામનવમી) અને 8 એપ્રિલ (હનુમાન જયંતી)ની તારીખ વિશે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે સંતો તરફથી 4 એપ્રિલને એકાદશીએ જ રામ મંદિરના નિર્માણ મુહૂર્ત પર ભાર આપવામાં આવી રહ્યો છે.

મોડલ વિહિપનું, ઉંચાઈ વિશે નિર્ણય બાકી
ટ્રસ્ટના સભ્યોમાં અંદાજે એવો એક મત બની ગયો છે કે મંદિરનું મોડલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે બનાવાવમાં આવ્યું છે તે ફાઈનલ રાખવામાં આવશે. મંદિરની ઉંચાઈ વિશે નિર્ણય લેવાનો બાકી છે. ટ્રસ્ટના સભ્યોનું સૂચન છે કે, પહેલાં માટી ભરીને તપાસ કરી લેવી જોઈએ કે જમીન કેટલુ વજન ઉપાડવાની ક્ષમતા રાખે છે. તે માટે માટી ભરાવીને ઓછામાં ઓછા એક ચોમાસાની સિઝનની રાહ જોવી પડશે.

નૃત્ય ગોપાલ દાસ અને ચંપત પર શાહની રણનીતિ
મંદિર ટ્રસ્ટની જાહેરાત કરવામાં આવી તો નૃત્યગોપાલ દાસ અને ચંપતરાયનું નામ ન હોવાના કારણે સવાલો ઉભા થયા હતા પરંતુ આ બંનેના નામ અયોધ્યા કેસમાં સામેલ હતું. તેથી ગૃહ મંત્રી અમિત શાહે રણનીતિ અંતર્ગત બંને સભ્યોનું નામ નક્કી કરવાનો સીધો અધિકાર ટ્રસ્ટને સોંપી દીધો હતો. જેથી કોઈ સરકાર સામે આંગળી ન ચિંધી શકે. હવે ટ્રસ્ટે તેમનો નિર્ણય લઈ લીધો છે.

વડાપ્રધાન મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્ર મંદિર નિર્માણ સમિતિના ચેરમેન
રામ જન્મભૂમિ ન્યાસ મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ગુરુ પાંડુરંગ અઠાવલેના શિષ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરિ કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મંદિર નિર્માણ સમિતિના ચેરમેનની જવાબદારી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રધાનસચિવ નૃપેન્દ્ર મિશ્રને સોંપવામાં આવી છે. 15 દિવસ પછી અયોધ્યામાં થનારી બેઠકમાં નિર્માણ સમિતિ તેમનો રિપોર્ટ રજૂકરશે અને ત્યારપછી મંદિર નિર્માણની તારીખ વિશે નિર્ણય લેવામાં આવશે.