નમસ્તે ટ્રમ્પ / 10 ટ્રક સુરક્ષા સામાન, કાર ઉતારી USનું મહાકાય ગ્લોબ માસ્ટર પાછું ગયું, હવે રોજ 1 વિમાન આવશે

નમસ્તે ટ્રમ્પ / 10 ટ્રક સુરક્ષા સામાન, કાર ઉતારી USનું મહાકાય ગ્લોબ માસ્ટર પાછું ગયું, હવે રોજ 1 વિમાન આવશે

વિમાનમાં રોડરનર કાર-સુરક્ષા માટેનાં સાધનો લવાયાં

અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની મુલાકાત પૂર્વે સોમવારે અમેરિકી એરફોર્સનું ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાન લગભગ 265 ટન કાર્ગોનું વહન કરી શકે છે. આનો અર્થ એ થયો કે લગભગ 26 ટન વજન સમાવી શકે તેવી 10 ટ્રક ગ્લોબ માસ્ટરમાં લાવી શકાય છે. સોમવારે વિમાનમાંથી અમેરિકી સુરક્ષા એજન્સીઓ માટેના આધુનિક ઉપકરણો તેમજ સિક્રેટ સર્વિસના વેપન્સ સહિતની સામગ્રી લાવવામાં આવી હોવાનું મનાય છે. પરોઢિયે આવેલું આ વિમાન બપોરે 2 વાગ્યે પરત ગયું હતું. હવે ટ્રમ્પના આગમન સુધી દરરોજ એક વિમાન જરૂરી સાધન સામગ્રી પહોંચાડવા માટે અમદાવાદ એરપોર્ટ આવશે.

ગ્લોબ માસ્ટર વિમાનની વિશેષતા
પાંખોનો ફેલાવો – 169.10 ઈંચ (51.75 મીટર)
ઊંચાઈ – 55.01 ફૂટ (16. 79 મીટર)
વિમાનની લંબાઈ – 174.00 ફૂટ (53.00 મીટર)
વિમાનની ઝડપ – 800 કિમી પ્રતિ કલાક
લંબાઈ – 88 ફૂટ(26.82 મીટર)
પહોળાઈ – 18 ફૂટ (5.48 મીટર)
ઊંચાઈ – 12.4 ફૂટ (3.76 મીટર)

ખાસિયત: ગ્લોબ માસ્ટર 3500 ફૂટ (1064 મીટર) લાંબા અને માત્ર 90 ફૂટ (27.4 મીટર) પહોળા રન-વે પરથી ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. આટલા ટૂંકા રન-વે પરથી વિમાન વળાંક પણ લઈ શકે છે.

આવી રીતે લવાશે બિસ્ટને
અમેરિકી પ્રમુખને ‘ધ બિસ્ટ’ તરીકે ઓળખાતી વિશ્વની સૌથી સુરક્ષિત કારમાં બેસાડવામાં આવે છે. અમેરિકી પ્રમુખ જ્યારે કોઈ દેશની મુલાકાતે જાય તે પહેલાં એરફોર્સના ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાનમાં આ રીતે કાર ફીટ કરી જે-તે શહેરમાં લઈ જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન 22 કિલોમીટરનો રોડ-શો પણ યોજાવાનો છે. અમેરિકી પ્રમુખના કાફલામાં 40થી વધુ કાર જોડવામાં આવે તેવી શક્યતા છે. આમાંથી એક રોડરનર અમદાવાદ આવી પહોંચી છે.