તમારા ખાતામાં રૂ.5 લાખ ઓચિંતા આવી જાય તો શું થાય? રસપ્રદ કિસ્સો આવ્યો સામે

તમારા ખાતામાં રૂ.5 લાખ ઓચિંતા આવી જાય તો શું થાય? રસપ્રદ કિસ્સો આવ્યો સામે

આજનો યુગ એટલે ડિજિટલ યુગ અને એમાં પણ જો કોઇના ખાતામાં 5 લાખ ઓચિંતા આવી જાય તો શું થાય? જી હાં, દ્વારકા તાલુકાથી એવો એક રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સના બેંક એકાઉન્ટમાં ઓચિંતાના 5 લાખ રૂપિયા જમા થઈ ગયા.

મળતી માહિતી મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુરથી એક રસપ્રદ અને ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. મીઠાપુર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયાની એક શાખા આવેલી છે. જ્યાં દિપક રામદાસ સામાણી નામના એક વ્યક્તિનું ખાતું છે. તાજેતરમાં દિપક રામદાસ સામાણીને મોબાઇલમાં એક મેસેજ આવે છે. જેમાં તેમના બેંક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા થયા છે એમ જણાવ્યું હતું. આ મેસેજ આવતા તેમણે બેંકમાં જઇ આ મામલે ખરાઇ કરતા સાચે જ તેમના ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયેલ હોય એમ ખબર પડી.

મધ્યમ વર્ગના દીપકભાઈએ આ મામલે તપાસ કરાવી. તો હકીકત સામે આવી કે પોતાના જ ગામના અન્ય દીપકભાઈ રામદાસ સામાણી નામના વેપારીએ પોતાના ખાતામાં 5 લાખ જમા કરાવવા બેંકમાં આપ્યા હતા. જો કે, બંને ખાતાધારકોનું નામ સમાન રહેતા બેન્ક કર્મચારીઓની ભૂલના કારણે આ દીપકભાઈના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા. આ હકીકતની ખરાઈ થયા બાદ આખરે દીપકભાઈએ પોતાના સરખા નામ ધરાવતા તેમના જ ગામના વેપારી દીપકભાઈ સાંમાણીને આ પૈસા પરત આપી માનવતા સાથે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ 5 લાખ રૂપિયા જેવી રકમ પરત કરી તેઓ બીજા માટે પ્રેરણારૂપ સાબિત થયા હતા