યુક્રેનના પ્રવાસી વિમાનને અમે ભૂલથી તોડી પાડયું : ઇરાનની કબૂલાત

યુક્રેનના પ્રવાસી વિમાનને અમે ભૂલથી તોડી પાડયું : ઇરાનની કબૂલાત

। તહેરાન ।

ઇરાનની રાજધાની તહેરાનના આંતરરાષ્ટ્રીય મથક ખાતેથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં તૂટી પડેલા યુક્રેનના વિમાન મુદ્દે ઘેરાઇ ગયેલા ઇરાને શનિવારે આખરે કબૂલાત કરી લીધી છે કે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના મિસાઇલ હુમલામાં આ કમભાગી વિમાન તૂટી પડયું હતું. ઇરાને શનિવારે જાહેરાત કરી હતી કે,ઇરાનની સેનાનો યુક્રેનનું પ્રવાસી વિમાન તોડી પાડવાનો કોઇ ઇરાદો નહોતો. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ શનિવારે જણાવ્યું હતું કે, આ ભયાનક ભૂલ માટે ઇરાનને ઊંડો ખેદ છે. મારી સાંત્વના તમામ શોકાતુર પરિવારો સાથે છે. ઇરાનની સેનાએ યુક્રેન વિમાન દુર્ઘટનાની તપાસ પૂરી કરી લીધી છે. સેનાની તપાસમાં તારણ અપાયું છે કે, માનવીય ભૂલના કારણે દાગવામાં આવેલી મિસાઇલના કારણે યુક્રેનનું વિમાન તૂટી પડયું અને તેમાં ૧૭૬ નિર્દોષ લોકોનાં મોત થયાં તેનો અમને ઊંડો ખેદ છે. આ એક અક્ષમ્ય ભૂલ છે. અમે આ ભયાનક કરુણાંતિકા માટે જવાબદારોની ઓળખ કરી રહ્યાં છીએ. આ દુર્ઘટનાની પાછળ રહેલા જવાબદારો સામે ખટલા ચલાવાશે.

ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવદ ઝરિફે યુક્રેન વિમાન દુર્ઘટના માટે અમેરિકા પણ જવાબદાર હોવાનું જણાવતા કહ્યું હતું કે, એ એક દુઃખદ દિવસ હતો. ઇરાની સેનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અમેરિકાએ કરેલા દુઃસાહસના કારણે સર્જાયેલી કટોકટીમાં થયેલી માનવીય ભૂલથી આ ભયાનક હોનારત સર્જાઇ હતી.

ઇરાની સેના દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, વિમાને રિવોલ્યુશનરી ગાર્ડ્સના સંવેદનશીલ મિલિટરી સેન્ટર તરફ વળાંક લીધા પછી ઇરાની સેના માટે ભૂલથી હોસ્ટાઇલ ટાર્ગેટ બની ગયું હતું. તે સમયે અમેરિકા સાથે પ્રવર્તતા તણાવના કારણે સેનાની તૈયારી હાઇ એલર્ટ પર હતી. આવી સ્થિતિમાં માનવીય ભૂલના કારણે વિમાન મિસાઇલથી વીંધાઇ ગયું હતું. તેની પાછળ પ્રવાસી વિમાન ફૂંકી મારવાનો ઇરાની સેનાનો કોઇ બદઇરાદો નહોતો. ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તે માટે ઇરાની સેના તેની સિસ્ટમને અપગ્રેડ કરશે. આ હુમલા પાછળ રહેલા જવાબદારોને સજા કરાશે.

ઇરાન જવાબદારોને સજા કરે, વળતર ચૂકવે અને સત્તાવાર માફી માગે : યુક્રેન

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ માગ કરી હતી કે, ઇરાન જવાબદારોને સજા કરે અને વળતરની ચૂકવણી કરે.ઇરાન દોષિતો સામે કોર્ટમાં ખટલા ચલાવે. યુક્રેનના ૪૫ નિષ્ણાતોને તમામ સુવિધા પૂરી પાડે અને માફી માગે. હવે સત્ય બહાર આવી ગયું છે. ઇરાન અમને મૃતકોના મૃતદેહ સોંપે અને વળતર ચૂકવે.

પીડિત પરિવારો ન્યાય ઇચ્છે છે : કેનેડા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુદેવે જણાવ્યું હતું કે, જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓ તપાસમાં પારદર્શકતા અને ન્યાય ઇચ્છે છે. આ રાષ્ટ્રીય કરુણાંતિકા છે. તમામ કેનેડિયન નાગરિકો સાથે મળીને શોક મનાવી રહ્યાં છે. સંપૂર્ણ અને પારદર્શક તપાસ માટે અમે કામ કરતા રહીશું.

મિસાઇલ દાગનાર યુનિટના વડાએ કહ્યું, કાશ હું મરી ગયો હોત તો સારું

ઇરાની એરોસ્પેસ ડિવિઝનના વડા હાજીઝાદેહે જણાવ્યું હતું મને જાણ થઇ કે અમારા દ્વારા કરાયેલા મિસાઇલ હુમલામાં પ્રવાસી વિમાન તૂટી પડયું છે અને તેમાં સવાર તમામ ૧૭૬ લોકોનાં મોત થયાં છે ત્યારે મને એમ થયું હતું કે કાશ હું મરી ગયો હોત તો સારું.

ઇરાનની મિસાઇલ ત્રાટકી અને ૧૭૬ જિંદગી ભરખાઇ ગઇ

તહેરાનના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી બુધવારે સવારે ૬:૧૨ કલાકે કીવ માટે ઉડાન ભરનાર યુક્રેન  એરલાઇન્સનું વિમાન ઇરાને દાગેલી મિસાઇલની ઝપટમાં આવી જતાં તૂટી પડયું હતું. યુક્રેનના અધિકારીઓ અને ઇરાનના સરકારી ટેલિવિઝને જણાવ્યું હતું કે, એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં યુક્રેન એરલાઇન્સનું વિમાન તૂટી પડતાં ૧૭૬ લોકોનાં મોત થયાં હતાં.

અગાઉના કમભાગી વિમાનો

અમેરિકા, ઇઝરાયેલ, રશિયા, યુક્રેન, ઝિમ્બાબ્વે, ઈટાલીએ પણ ભૂતકાળમાં આવી ભૂલો કરી છે…

૧૭ જુલાઇ ૨૦૧૪ । એમ્સ્ટર્ડડેમથી કુઆલાલમ્પુર જતું મલેશિયન એરલાઇન્સનું વિમાન યુક્રેનના બળવાખોરોના મિસાઇલનો ભોગ બન્યું

૪ ઓક્ટોબર ૨૦૦૧ । સાઇબિરિયાના ૭૮ પ્રવાસી સાથેના વિમાનને યુક્રેનની સેનાએ રશિયન ફાઇટર જેટ સમજીને તોડી પાડયું હતું

૩ જુલાઇ ૧૯૮૮ । અમેરિકી નૌસેનાએ ફારસની ખાડીમાં ૨૯૦ પ્રવાસી સાથેના ઇરાન એરલાઇન્સના વિમાનને તોડી પાડયું હતું

૧ સપ્ટેમ્બર ૧૯૮૩ । સોવિયેત સંઘના ફાઇટર જેટે કોરિયન એરલાઇન્સના ૨૬૯ પ્રવાસી સાથેના પ્લેનને તોડી પાડયું હતું

૨૭ જૂન ૧૯૮૦ । ઇટાલીએ તેની પોતાની જ ઇટાવિયા એરલાઇન્સના ૮૧ પ્રવાસી સાથેનું વિમાન ફૂંકી માર્યું હતું

૩ સપ્ટેમ્બર ૧૯૭૮ । ઝિમ્બાબ્વેએ ૧૦૦ પ્રવાસીઓ સાથેના બે વિમાન તોડી પાડયાં હતા

૨૧ ફેબ્રુઆરી ૧૯૭૩ । ઇઝરાયેલી સેનાએ લિબિયાની રાજધાની ત્રિપોલીથી ઇજ્પ્તિતના કૈરો જઇ રહેલા ૧૧૩ પ્રવાસી સાથેના વિમાનને તોડી પાડયું હતું