નિર્ભયાના ચારેય અપરાધીઓને 22મીએ ફાંસીએ લટકાવાશે

નિર્ભયાના ચારેય અપરાધીઓને 22મીએ ફાંસીએ લટકાવાશે

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જારી કર્યું : 2013ના અપરાધનો 2020માં ફેંસલો આવશે

તિહાર જેલમાં ફાંસી આપવાની તૈયારીઓ પુરી કરી લેવાઇ, અપરાધીઓ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે, જે રેર કેસમાં માન્ય રહે છે

ચારેય અપરાધીઓને ફાંસીના માચડે લટકાવવા માટે હું એકલો જ પુરતો છું : મેરઠના  જલ્લાદ પવનનું એલાન

નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી, 2020, મંગળવાર

નિર્ભયા પર રેપ અને હત્યાના ગુનેગારોને ફાંસીએ ચડાવવામાં આવશે. દિલ્હીની કોર્ટે આ કેસમાં જે પણ અપરાધીઓ હાલ જેલમાં કેદ છે તેની સામે ડેથ વોરંટ જારી કરી દીધુ છે તેથી આગામી 22મી તારીખે સવારે સાત કલાકે આ અપરાધીઓને ફાંસીએ ચડાવવામાં આવશે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સિંહ દ્વારા અપરાધીઓની સાથે વાતચીત કરી હતી. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને સાથે જ દોષીત મુકેશની માતા બન્ને કોર્ટમાં રડી પડયા હતા. એક માતાનું દુ:ખ પુત્રી ગૂમાવવાનું હતું જ્યારે બીજી માતાનું દુ:ખ પુત્ર ગુમાવશે તેને લઇને છલકાઇ ગયું હતું.  

આ કેસમાં ચાર દોષીતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને ફાંસીની સજા આપવામાં આવી છે, બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ રિવ્યૂ પિટિશનને ફગાવતા હવે અપરાધીઓ સામે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ અપરાધીઓના વકીલ એપી સિંહે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે. કાયદા પ્રમાણે જ્યારે કોઇ અપરાધીની રિવ્યૂ પિટિશન પણ ફગાવી દેવામાં આવે ત્યારે તેની પાસે અંતિમ વિકલ્પ ક્યૂરેટિવ પિટિશનનો હોય છે. જોકે ક્યૂરેટિવ પિટિશનને મોટાભાગે રેર કેસોમાં જ માન્ય રખાય છે. તેથી આ ક્યૂરેટિવ પિટિશન દાખલ થાય તો પણ તે સુપ્રીમમાં વધુ ટકી શકે તેની શક્યતાઓ ઓછી છે. 

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જ્યારે આ મામલે સુનાવણી ચાલી રહી હતી ત્યારે મીડિયાને એન્ટ્રી નહોતી આપવામાં આવી પણ આ દરમિયાન કોર્ટરૂમમાં નિર્ભયા અને અપરાધી મુકેશની માતા બન્ને હાજર હતા, કોર્ટરૂમમાં બન્ને વચ્ચે થોડા સમય માટે બોલાચાલી થઇ હતી પણ જજે બન્નેને શાંત કર્યા હતા. બાદમા જ્યારે ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું ત્યારે બન્ને માતાઓ રડી પડી હતી.

બીજી તરફ ડેથ વોરંટ જારી થયા બાદ પવન જલ્લાદે કહ્યું હતું કે આ દોષીતોને ફાંસીએ ચડાવવા માટે હું એકલો જ પુરતો છું. પવન જલ્લાદ આ દોષીતોને ફાંસીએ ચડાવશે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતા અને દાદા પણ જલ્લા હતા અને હું અહીં મારી પેઢીનો ત્રીજો નાગરીક છું, હું આ ચારેય અપરાધીઓને ફાંસીએ ચડાવવા માટે તૈયાર છું અને પુરતો પણ છું.

હાલ ડેથ વોરંટ જારી થઇ જતા નિર્ભયાના અપરાધીઓને ફાંસી આપવાની તૈયારી કરી લેવામાં આવી છે.  હાલ આ અપરાધીઓને દિલ્હીની તિહાર જેલમાં કેદ રાખવામાં આવ્યા છે, ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યુ છે તેથી તેઓને અલગ અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે ચારેય અપરાધીઓ ધુ્રસકે ને ધુ્રસકે રડવા લાગ્યા હતા. 

અપરાધીઓને ફાંસીથી મહિલાઓ સશક્ત બનશે : નિર્ભયાની માતા

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અપરાધીઓ સામે ડેથ વોરંટ જારી કરી દીધુ છે. કોર્ટના આ નિર્ણય બાદ પીડિતા નિર્ભયાની માતા ધુ્રસકે ને ધુ્રસકે રડવા લાગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દોષીતોને ફાંસી ચડાવવાથી જે ન્યાય વ્યવસ્થા છે તેના પર લોકોનો વિશ્વાસ વધશે. મારી પુત્રીને પણ ન્યાય મળશે. સાત વર્ષનો આંસુ ભરેલો ઇતિહાસ પણ અહીં પૂર્ણ થશે. આ ચારેય દોષીતોને ફાંસીએ લટકાવવાથી દેશની મહિલાઓ સશક્ત બનશે. જ્યારે નિર્ભયાના પિતા બદરીનાથે કહ્યું હતું કે કોર્ટના આ ચુકાદાથી અમે ખુશ છીએ. નોંધનીય છે કે 2012માં ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં ચાલુ બસમાં નિર્ભયા પર રેપ ગુજારવામાં આવ્યો હતો સાથે તેના પ્રાઇવેટ પાર્ટમાં સળીયો નાખી અતી ઘાતકી રીતે ઘાયલ કરીને ચાલતી પસે ફેંકી દીધી હતી જેમાં તેનું બાદમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. 

ક્યૂરેટિવ પિટિશન, દયા અરજી અવરોધક

ફાંસીની આ તારીખ લંબાવવામાં આવી શકે છે. કેમ કે આ ચાર દોષીતોમાંથી ત્રણની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. જો 22મી પહેલા આ દયા અરજીઓ અંગે કોઇ નિર્ણય લેવામાં ન આવે તો તારીખોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. બીજી તરફ સુપ્રીમમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ થશે તો પણ ફાંસીના નિર્ણયનો અસર થશે.

ફાંસીએ લટકાવવાથી આ રીતે મોત થાય છે 

ફાંસી આપવામાં આવે તેના એક દિવસ પહેલા અપરાધીઓનું વજન કરવામાં આવે છે, બાદમાં તેને લટકાવવા માટે જે માંચડો છે તેની ચકાસણી કરવામાં આવે છે. આ દરમિયાન ડોક્ટર અને સુપરિટેંડેંટ પણ હાજર રહે છે. ગરદનમાં સાત હાડકા આવે છે જ્યારે ફાંસી આપવામાં આવે ત્યારે આ સાતેય હાડકાને અચાનક ઝટકો લાગે છે. આ સાત હાડકામાંથી એક સેકંડ સરવાઇકલ વર્ટેબ્રા પર ઝટકો લાગે છે. ઓંડોત વાઇટ્સ પ્રોસેસ વાળુ હાડકુ નીકળીને સ્પાઇનલ કોડમાં ફસાઇ જાય છે. જેનાથી શરીર ન્યૂરોલોજિકલ શોકમાં જતું રહે છે અને થોડા સમયમાં મોત નિપજે છે.