ઊંઝા / ‘ડીશો ધોવામાં ખેંચ પડી રહી છે’નું એનાઉન્સ થતાં જ બહેનો ભોજન માટે લીધેલી ડીશો મૂકી પહોંચી ગઇ

ઊંઝા / ‘ડીશો ધોવામાં ખેંચ પડી રહી છે’નું એનાઉન્સ થતાં જ બહેનો ભોજન માટે લીધેલી ડીશો મૂકી પહોંચી ગઇ

  • 30 હજાર સ્વયંસેવકો માઇભક્તોની સેવામાં
  • ઊંઝાના આંગણે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ચોતરફ સેવાની સુવાસ મહેંકી રહી છે

ઊંઝાઃ વિશ્વના સૌથી વિરાટ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 30 હજારથી વધુ પાટીદાર સ્વયં સેવકો પૂરા સમર્પિત ભાવથી મા ઉમાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છે. જેમાં 7 હજાર જેટલી મહિલા સ્વયંસેવકો પણ છે. લક્ષચંડના ત્રીજા દિવસે શુક્રવારે લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરતપણે ઉમાનગર પર આવી રહ્યો છે. એક સમયે અન્નપૂર્ણા વિભાગમાં શ્રદ્ધાળુઓનો ભોજન લેવા ધસારો વધ્યો સામે ડીશો ધોવા માટે સ્વયં સેવિકાઓની સંખ્યા ઓછી પડી ગઇ હતી. આથી માઇક પર એનાઉન્સ કરાતાં જ બહેનોના હ્રદયમાં સેવાનો ભાગ જાગૃત થયો અને અસંખ્ય બહેનો ડીસ ધોવા માટે પહોંચી ગઇ હતી.
મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા વિવિધ 45 કમિટીઓ
આ મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા વિવિધ 45 કમિટીઓ બનાવાઇ છે અને દરેકની અલગ અલગ જવાબદારી છે. જેમાં નથી કોઇ મોટો કે નથી કોઇ નાનો. આ સ્વયંસેવકો ભોજનશાળામાં ભોજન પિરસવાનું કામ હોય કે ડીશો ધોવાની હોય, માઇભક્તોનાં પગરખાં સાચવવાનાં હોય કે વાહનોને યોગ્ય સ્થળે પાર્કિંગ કરાવવાનું હોય કે પછી ઉતારામાં યાત્રિકોને ગાદલા-ગોદડાં પૂરાં કરવાની સેવા આપવાની હોય એકેએક સ્વયં સેવક આ તો માનું કામ છે સમજી પૂરા ભાવથી લાગી જાય છે અને એટલે જ માના ઉત્સવના ત્રણ દિવસમાં જ ચાર ચાંદ લાગી ગયા છે. અહીં આવતા દરેક દર્શનાર્થી વ્યવસ્થા અને સ્વયંસેવકોની સેવાને બિરદાવતાં થાકતાં નથી. માઇભક્તોની આ સેવામાં ઊંઝા નગર તેમજ આસપાસના 45 જેટલા ગામોના સ્વયંસેવકો જોડાયાં છે.
12 વર્ષના બાળકોથી લઈ 79 વર્ષનાં વૃદ્ધો પણ સેવામાં
ઊંઝાની પાવન ધરા ઉમિયાનગરમાં લક્ષચંડી મહાયજ્ઞમાં લાખો દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ત્યારે પાટીદાર સમાજ સહિત તમામ જ્ઞાતિના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગમાં હજારો સ્વંયસેવકો સેવા આપી રહ્યા છે ત્યારે 12 વર્ષના બાળકથી લઈ 79 વર્ષ ઉપરના વૃદ્ધો ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે.
ઉનાવાનો 12 વર્ષનો મન પટેલ ડીશો ધોવાની સેવા આપી રહ્યો છે. તેને કહ્યું કે મારા પરિવારના 10 સભ્યો સેવા આપવા આવ્યા છે. માનો પ્રસંગ પોતાનો છે આ મારી પહેલી ફરજ છે. પટેલ નિકી એલએલબીનો અભ્યાસ કરી ઊંઝા કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે રસોડામાં જમવાનું પીરસવામાં સ્વંયસેવક તરીકે સેવા આપી નિકીએ કહ્યું કે સેવા આપવા રજા મૂકી છે. આ પોતાનો પ્રસંગ છે અને માની સેવાનો લાભ મળે ધન્યતાની વાત છે.
– ચંપલ લેવા મુકવાની સેવા આપતાં નિકિતાબેન પટેલે જણાવ્યું કે આ આપણો પોતાનો પ્રસંગ છે, આપણે ગામના થઈને નહિ કરીએ તો કોણ બીજું કોણ કરશે. મને સેવા કરવામાં આનંદ આવી રહ્યો છે.
– ઉનાવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદ્રિકાબેન પટેલ રજા મૂકી પીરસવામાં સેવા આપી રહ્યા છે. તેમને કહ્યું કે ઘરની જવાબદારી રોજ છે નોકરી પણ માંએ આપી છે. જો સેવામાં ના આવીએ તો મતલબ શું? વિસનગરથી સેવા આપવા 25 પુરુષો તથા મહિલા આવ્યા હતા.
– વિસનગરના 79 વર્ષના નિતાબેન પરીખે જણાવ્યુ હતું કે સેવા કરવાનો લ્હાવો છે.
– અમદાવાદના રંજનબેન પટેલ દર્શન કરવા આવ્યા હતા. જોકે માઈકમાં સેવા માટે એનાઉન્સમેન્ટ થતાં તેઓ ડીશ ધોવા સેવામાં રોકાયા હતા.
– રમીલાબેન પટેલ અમદાવાદ સોલાથી દર્શનાર્થે આવ્યા હતા. જોકે લોકોનો ભાવ જોઈ પોતે ડીશ ધોવાની સેવામાં જોતરાઈ ગયા.