અશ્વમેઘ યજ્ઞ બાદ વિશ્વના સૌથી મોટા મહાયજ્ઞનો આવતીકાલથી ઉંઝામાં શુભારંભ, અંધકારને ઓગાળી દેતો દિવ્ય માહોલ સર્જાશે

અશ્વમેઘ યજ્ઞ બાદ વિશ્વના સૌથી મોટા મહાયજ્ઞનો આવતીકાલથી ઉંઝામાં શુભારંભ, અંધકારને ઓગાળી દેતો દિવ્ય માહોલ સર્જાશે

ઊંઝા ખાતેના ઉમિયા ધામ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો આવતીકાલ બુધવારથી શુભારંભ થશે. સમગ્ર બ્રહ્માંડમાં મહાભારતના કાળ દરમિયાન થયેલા અશ્વમેઘ યજ્ઞ બાદનો આ સૌથી મોટો મહાયજ્ઞા માનવમાં આવી રહ્યો છે જે બુધવારથી શરૂ થઈ રવિવાર સુધી ચાલનાર આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞા દ્ધારા મહા ઈતિહાસ રચાશે.

અગાઉ વર્ષ ૧૯૭૬માં ઊજવાયેલ ૧૮મો શતાબ્દી મહોત્સવ, વર્ષ ર૦૦૯માં ઊજવવામાં આવેલ રજત જ્યંતિ મહોત્સવ બાદ મા ઉમિયાના ધામમાં આ ત્રીજો મહા પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં પ૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં ઉમિયાને ધામે પધારશે તેને ધ્યાને લઈને સમગ્ર આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.

બુધવારથી શરૂ થનારા માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞાની તમામ તૈયારીઓને સમયસર રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલમાં સમગ્ર ઊંઝા આવનાર પ૦ લાખથી વધુ માં ઉમિયાના ભક્તોને આવકારવા થનગનાટ કરી રહ્યું છે અને સમગ્ર શહેરને સોળે કળાએ શણગારી દેવામાં આવતાં હવે લક્ષચંડી મહાયજ્ઞા શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, ૧૦ લાખ પાટીદારો સહિત ર૦ દેશોમાં મા ઉમાનું તેડું મોકલાયું અપાયું છે.

ઊંઝા ઉમિયાધામ ખાતે લક્ષચંડી મહાયજ્ઞા માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ર૪ કલાક મળી રહે તે માટે મહાયજ્ઞાના રપ કિ.મી.ના અંતરે હોસ્પિટલને સુવિધા આપવા બાબત ઉપર ભાર મુકાયો હતો.

ઉમિયા મા ના તમામ ભક્તોને પધારવા આમંત્રણ

ઉમિયા માતાજી સંસ્થાન દ્ધારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞામાં પ્રમુખ મણિભાઈ પટેલ (મમ્મી)એ ઉમિયા માતાજીના તમામ ભક્તોને આ મહાયજ્ઞામાં પધારવા આમંત્રિત કર્યા છે. અગાઉ પણ સંસ્થાન દ્ધારા ૧૯૭૬માં યોજેલા ભવ્ય પ્રસંગ બાદ પાટીદાર સમાજમાં ચેતના આવી અને અમારી સંસ્થાએ પણ સમાજ કલ્યાણની યોજનાઓ જેવી કે વિધવા સહાય, બાળકોને શિક્ષણ જેવી સેવાકીય યોજનાઓ પણ શરૂ કરી બાદમાં વર્ષ ર૦૦૯ના પર્વ બાદ હવે ત્રીજી વખત ર૦૧૯માં લક્ષચંડી મહાયજ્ઞાનું ભવ્યાતિભવ્ય આયોજન કર્યું છે ત્યારે તમામ સમાજની સુખાકારી માટે તેમજ નવી પેઢીને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ હોવાથી અમો સૌ કોઈને પધારવા ભાવભીનું આમંત્રણ આપીએ છીએ.

પ૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓને કાજુ-દ્રાક્ષ અને સાકર-રેવડી, લાડુની પ્રસાદી પણ અપાશે

મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞામાં આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને અહીં કાજુ-દ્રાક્ષ અને સાકર-રેવડીની પ્રસાદીનું પેકીંગ બનાવીને આપવામાં આવશે જે પેકિંગ પણ તૈયાર થઈ ગયા છે જ્યારે ભોજનાલયમાં પ્રતિ દિવસ ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લેશે જેમાં પણ લાડુ પ્રસાદ મુખ્ય હોવાથી ર૦ લાખથી વધુ લાડુ બનાવવાની તૈયારીઓ પણ આખરી તબક્કામા પહોંચી ચૂકી છે.

આવનાર શ્રદ્ધાળુઓ માટે આખું ઊંઝા ખુલ્લું સ્વાગતકક્ષ બની ગયું

લક્ષચંડી મહાયજ્ઞામાં પાંચ દિવસ દરમિયાન ર૦ થી વધુ દેશોમાંથી માં ના ભક્તો આવી રહ્યા છે ત્યારે તેઓને ઉતારો આપવા માટે ઊંઝાના રહીશોએ સામે ચાલીને પોતાના ઘરે મહેમાનોને રોકાવવા મોકલવા માટે સામેથી આમંત્રણ આપતાં સમગ્ર ઊંઝા જાણે ખુલ્લુ સ્વાગતકક્ષ બની ગયું છે અને ઊંઝાના ફરતે પ૦ કિલોમીટરના વિસ્તારની તમામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મહેમાનોને ઉતારા આપવા પોતાના દ્વાર ખુલ્લા કરી આપ્યા છે.