રાજ્યો વિરોધ કરશે તો પણ સિટિઝનશિપ બિલનો અમલ થઈને જ રહેશે : કેન્દ્ર સરકાર

રાજ્યો વિરોધ કરશે તો પણ સિટિઝનશિપ બિલનો અમલ થઈને જ રહેશે : કેન્દ્ર સરકાર

રાજ્યો પાસે સિટિઝનશિપ બિલ નકારવાની બંધારણીય સત્તા જ નથી

પશ્વિમ બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળે નાગરિકતા બિલનો અમલ કરવાનો ઈનકાર કર્યા પછી કેન્દ્રની સ્પષ્ટતા

પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર, 2019, શુક્રવાર

પશ્વિમ બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળ – એમ પાંચ રાજ્યોએ સિટિઝનશીપ બિલ અમલ કરવાનો ઈનકાર કર્યો તે પછી કેન્દ્ર સરકારે કહ્યું હતું કે બિલને નકારવાની કોઈ જ સત્તા રાજ્ય સરકારોને આપવામાં આવી નથી. રાજ્યો વિરોધ કરશે તો પણ બિલનો અમલ  થઈને જ રહેશે.

પશ્વિમ બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળે નાગરિકતા કાયદા બિલનો અમલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. એ પછી ગૃહ મંત્રાલયના અિધકારીએ જણાવ્યું હતું કે રાજ્યો પાસે આ બિલનો વિરોધ કરવાની કોઈ જ સત્તા નથી. રાજ્ય સરકારો આ બિલને નકારી શકશે નહીં.

કેન્દ્ર સરકારના ઉચ્ચ અિધકારીએ કહ્યું હતું કે રાજ્યો ભલે વિરોધ કરશે કે અમલીકરણમાં અવરોધ ઊભો કરશે તો પણ આ બિલનો અમલ થઈને જ રહેશે. કારણ કે આ કાયદો બંધારણની સાતમી અનુસૂચી પ્રમાણે બનાવાયો હોવાથી તેના અમલીકરણની સત્તા માત્ર કેન્દ્ર સરકાર પાસે જ હોય છે. સૂચીમાં હોય એ કાયદાના વિરોધ કરવાનો અિધકાર રાજ્યોને મળતો નથી.

નાગરિકતા કાયદા પ્રમાણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન  અને પારસી ધર્મી લોકો ધાર્મિક કારણસર દેશમાં આવ્યા હશે તેને ભારતની નાગરિકતા મળી  જશે.

31મી ડિસેમ્બર 2014 સુધીમાં જે નાગરિકો આવ્યા છે તેમને ભારતની નાગરિકતા મળશે. અગાઉ આ સમયગાળો 11 વર્ષનો હતો. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે રાજ્યમાં તેમની પાસે બહુમતિ છે અને આ બિલને બ્લોક કરી દેશે. કેરળના પી વિજયને કહ્યું હતું કે આ બિલ બંધારણની વિરૂદ્ધનું છે અને તેના માટે રાજ્યમાં કોઈ જ જગ્યા નથી.

મમતા બેનર્જીએ પણ બિલને વિભાજનવાદી ગણાવ્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ બિલ અંગે જેવું સ્ટેન્ડ લેશે એવું જ રાજ્યસરકાર પણ લેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે જણાવ્યું હતું કે આ બિલ બંધારણની વિરૂદ્ધમાં હોવાથી તેનો અમલ રાજ્યમાં કરાશે નહીં.

નાગરિકતા કાયદાના વિરોધમાં મમતા બેનર્જીએ ભવ્ય રેલીની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે કોઈ પણ સંજોગોમાં નાગરિકતા સંશોધન અિધનિયમના અમલીકરણ માટે મંજૂરી નહીં આપે તેમ જણાવી વિવાદાસ્પદ કાયદાના વિરોધમાં રાજ્યમાં રેલીઓ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

મમતા બેનર્જીએ પોતે રાષ્ટ્રીય નાગરિક નોંધણી અને નાગરિકતા કાયદાને બંગાળમાં મંજૂરી નહીં આપે તેમ જણાવ્યું હતું. સાથે જ સંસદમાં પસાર થયો હોવા છતા સુધારેલા કાયદાનો અમલ નહીં કરાવે તેમ જણાવ્યું હતું. 

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભાજપ સિવાયના રાજ્યો પર કાયદાના અમલીકરણ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે સિટિઝનશીપ એક્ટ ભારતને વિભાજિત કરી દેશે. પરંતુ જ્યાં સુધી તેઓ સત્તામાં રહેશે ત્યાં સુધી રાજ્યની એક પણ વ્યક્તિને દેશ નહીં છોડવો પડે.

તૃણમૂલ કોંગ્રેસના અિધકૃત ટ્વિટર હેન્ડલ પર રેલીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં 17 ડિસેમ્બરના રોજ મેવ રોડ પર જાદવપુરથી ગાંધી પ્રતિમા સુધીની રેલીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેબના વિરોધમાં 16 ડિસેમ્બરના રોજ કોલકાતામાં એક રેલી યોજાશે અને તેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જોડાશે.

જાપાનના વડાપ્રધાન શિન્જો આબેનો આસામ પ્રવાસ મુલતવી રહ્યો તે અંગે પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ જણાવ્યું કે, પૂર્વોત્તરમાં નાગરિકતા કાયદાના વિરોધને પગલે તેઓ પોતાની યાત્રા રદ કરે તે દેશની પ્રતિષ્ઠા પર ધબ્બા સમાન છે. ઉલ્લેખનીય છે કે, આબેનો ગુવાહાટી પ્રવાસ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે.