ભારતમાં વર્ષ ૨૦૨૦માં એશિયાની સૌથી ઊંચી ૯.૨ ટકા વેતનવૃદ્ધિ થવાનો અંદાજ : અહેવાલ

ભારતમાં વર્ષ ૨૦૨૦માં એશિયાની સૌથી ઊંચી ૯.૨ ટકા વેતનવૃદ્ધિ થવાનો અંદાજ : અહેવાલ

। નવી દિલ્હી ।

આગામી વર્ષે ભારતમાં કર્મચારીઓના વેતનમાં અશિયાનો સૌથી વધુ એમ ૯.૨ ટકા વધારો નોંધાઇ શકે છે.  મોંઘવારીને બાદ કરતાં વાસ્તવિક વેતન વૃદ્ધિ તો પાંચ ટકા જ રહેશે. કોર્ન ફૈરી ગ્લોબલ સેલરી ફોરકાસ્ટે આ સંકેત આપ્યા છે. એજન્સીના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં કર્મચારીના વેતનમાં વર્ષ ૨૦૨૦માં ૯.૨ ટકા વધારો થઇ શકે છે. પરંતુ મોંઘવારી દરને બાદ કરતાં વાસ્તવિક વેતન વધારો અડધો જ રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એશિયામાં ભારત વેતનવૃદ્ધિને મોરચે સૌથી મોખરે રહેશે. કોર્ન ફૈરી ઇન્ડિયાના ચેરમેન અને રિજિયોનલ મેનેજિંગ ડિરેક્ટર નવનીતસિંહે કહ્યું કે, ‘વિશ્વભરમાં વેતનમાં થઇ રહેલા ઘટાડા વચ્ચે ભારતમાં વેતનવધારો થવાના સંકેત મળી રહ્યા છે. વર્તમાન આર્થિક સ્થિતિ અને સરકારના રિફોર્મ્સને જોતાં વેતન વધારાની આશા સેવાઇ રહી છે.’ આ અહેવાલે વર્ષ ૨૦૧૯ માટે ભારતમાં ૧૦ ટકા વેતનવૃદ્ધિની આગાહી કરી હતી. એજન્સીએ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ એમ બંને માટે મોંઘવારીના એકસમાન પાંચ ટકાના અંદાજો જ માંડયા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બિઝનેસ પર રહેલા કોસ્ટના દબાણને કારણે બાંધ્યા વેતનમાં વૃદ્ધિદર ધીમો રહેશે પરંતુ ઊંચી કાર્યદક્ષતા અને કૌશલ્ય ધરાવનારાઓના વેતનમાં પ્રોત્સહક વેતનના રૂપમાં વધારો મળતો રહેશે.  ૧૩૦ જેટલા દેશોના ૨૫,૦૦૦ જેટલા એકમોમાં કામ કરતા બે કરોડ જેટલા કામદારોના વેતન સંબંધી ડેટા આધારે કોર્ન ફૈૈરીએ ઉપરોક્ત તારણો જાહેર કરેલાં છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે આગામી વર્ષના ફુગાવા કે મોંઘવારી દર અંગે કરેલી ધારણાને અહેવાલમાં ધ્યાને લેવામાં આવી છે.

વૈશ્વિક વેતનવૃદ્ધિ ૨.૧ ટકા રહેવાના સંકેત  

વર્ષ ૨૦૨૦માં વિશ્વ સ્તરે ૪.૯ ટકા વેતન વધારો થશે. જોકે અનુમાનિત ૨.૮ ટકાના મોંઘવારી દરને જોતાં વાસ્તવિક વેતનવૃદ્ધિ ૨.૧ ટકા જ રહેશે. આગામી વર્ષે એશિયામાં સરેરાશ વેતન વૃદ્ધિ ૫.૩ ટકા રહેવાની સંભાવના છે. ૨.૨ ટકાના મોંઘવારી દરને બાદ કરતાં વાસ્તવિક વેતનવૃદ્ધિ ૩.૧ ટકા જ રહેશે.