સત્ય એ કે જે કદી બદલાય જ નહીં , જાણો વિગતવાર

સત્ય એ કે જે કદી બદલાય જ નહીં , જાણો વિગતવાર

આર્ટ ઓફ લિવિંગ : શ્રી શ્રી રવિશંકર

સત્ય એ જે કદી બદલાતું નથી. જે નિત્ય છે. તમારા જીવનને તપાસો અને તેમાં જે કાંઈ પણ બદલાયું છે તેને ‘સત્ય નથી’ તરીકે ઓળખો. આ રીતે તમે જાણશો કે તમે માત્ર અસત્યથી જ ઘેરાયેલા છો.  વાસ્તવિકતા સમજો તો ખ્યાલ આવે કે દરેક સત્ય જેતે સ્થળ અને સમયનું સત્ય છે.

તમે જ્યારે અસત્યને ઓળખી લો છો ત્યારે તમે એનાથી મુક્ત થઈ જાવ છો. તમે જ્યારે અસત્યને ઓળખી નથી શકતા ત્યારે એનાથી મુક્ત પણ નથી થઈ શકતા. જીવનના તમારા પોતાના જ અનુભવો તમને તમારાં અસત્યો ઓળખવામાં મદદરૂપ થાય છે.

જીવનમાં જેમજેમ તમે પરિપક્વ થતા જાઓ છે, ત્યારે તમને સમજાય છે કે બધું જ અસત્ય છે- ઘટનાઓ, પરિસ્થિતિઓ, લોકો, લાગણીઓ, વિચારો, અભિપ્રાયો, કલ્પનાઓ, તમારું શરીર-બધું જ અસત્ય છે. માત્ર ત્યારે જ ખરા અર્થમાં સત્સંગ-સાચાનો સંગ-સાંપડે છે. એક મા એના બાળકને જ્યાં સુધી એ યુવાન નથી થઈ જતું, ત્યાં સુધી અસત્ય તરીકે જોઈ નથી શકતી. બાળક માટે ગળપણ અસત્ય નથી અને કિશોર માટે જાતીયતા અસત્ય નથી.

જ્ઞાન જો માત્ર શબ્દો હોય તો તે અસત્ય છે; પરંતુ અસ્તિત્વ તરીકે એ સત્ય જ છે. પ્રેમ એક લાગણી તરીકે સત્ય નથી; પરંતુ અસ્તિત્વ તરીકે એ સત્ય જ છે.

જ્યારે આપણે આનંદમાં હોઈ છીએ ત્યારે સંપૂર્ણતાને શોધતા નથી. અને જો તમે સંપૂર્ણતાને શોધી રહ્યા છો તો તમે આનંદના મૂળ પાસે નથી. આનંદ માત્ર સંપૂર્ણતા હોય ત્યારે જ મળે એવું વિચારવું પણ મૂર્ખામી ગણાય, કેમ કે જો સાચો આનંદ મેળવવો હોય તો સંપૂર્ણતા વિશે વિચારવાને બદલે જે સમયે જે પરિસ્થિતી છે તેને માણો એ જ ખરો આનંદ. આનંદ એક એવી અનુભૂતિ છે જ્યાં ડહાપણથી કોઈ છુટકારો નથી. આ જગત ઉપરથી તો ખામીઓવાળું જણાય છે પરંતુ ભીતરમાં બધું જ સંપૂર્ણ છે. સંપૂર્ણતા છુપાઈને રહે છે અને અપૂર્ણતા પોતાને પ્રદર્શિત કરતી ફરે છે.

શાણી વ્યક્તિ સપાટી પર નથી રહેતી, પરંતુ ઉંડાણમાં તપાસ આદરે છે. વસ્તુઓ જેને તમે જોઈ રહ્યા છો તે ઝાંખી નથી; એ તો તમારી દૃષ્ટિ છે જેના પર છારી છે. ચેતનાની સંપૂર્ણતામાં અનંત પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અને છતાં ચેતના સંપૂર્ણ અને અછૂતી રહે છે. આનો સાક્ષાત્કાર કરો અને શાંતિથી ખુશ રહો. સમજો કે સંપૂર્ણ સત્ય દિવ્યમાં છે, પૃથ્વી પર નથી.

( ક્રમશઃ )