દુનિયા ખતરામાં: 30 કરોડ લોકોનું જીવન પાણીમાં ડૂબી જશે! ભારત-ગુજરાત પણ બાકાત નથી

દુનિયા ખતરામાં: 30 કરોડ લોકોનું જીવન પાણીમાં ડૂબી જશે! ભારત-ગુજરાત પણ બાકાત નથી

હાલમાં ગુજરાત પર મહા વાવાઝોડું અને વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ કારણે હવે પાણી પણ એક ખતરો સાબિત થઈ રહ્યું છે. આમ પણ ભૌગોલિક રીતે જોવા જઈએ તો દુનિયાના 70 ટકા ભાગમાં પાણી છે. એટલા સમુદ્રો અને ઉપરથી બરફ પીગળવાથી વધતો પાણીનો જથ્થો જો કોઈ ચોક્કસ કંટ્રોલમાં નહીં આવે તો આખી દુનિયા પર મોટો ખતરો સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે જળવાયુ પરિવર્તન પર કાબુ મેળવાના કોઈ નક્કર પ્રયાસ કરવામાં નહીં આવે તો 2050 સુધીમાં દુનિયાભરમાં 30 કરોડ લોકો સમુદ્રમાં તણાઇ જશે.

ભારત, ચીન, જાપાન અને બાંગ્લાદેશ જળવાયુ પરિવર્તનથી વધી રહેલા સમુદ્રના લેવલના કારણે સૌથી વધુ અસુરક્ષિત છે. આસિયન સંમેલનમાં ભાગ લેવા બેન્કોક પહોંચેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ જાણકારી આપી છે. ગુટેરસે કહ્યું કે આજે વિશ્વ સામે જળવાયુ પરિવર્તન સૌથી મોટો ખતરો છે. નવા અનુમાન પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે.

અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશન દ્વારા થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું કે, વર્ષ 2050 સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવા મહાનગરો દરરોજ માટે જળમાં ફેરવાઈ જશે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે.

એમાં પણ એક નવું જ પરિણામ જોવા મળ્યું કે, અગાઉ જેટલું અનુમાન કરવામાં આવ્યું હતું એના કરતા તો વધું ઝડપે સમુદ્રોનું જળસ્તર વધી રહ્યું છે. નવા અનુમાન પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટી દુનિયાભરમાં ઓછામાં ઓછા 30 કરોડ લોકોનો ભોગ લેશે. ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે 400 અબજ ટનનો ઘટાડો થયો છે.

આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે 1.2 મિલીમીટર વધે છે. આ સમયગાળા દરમિયાન પહાડોમાં રહેલા ગ્લેશિયર પણ વધી રહેલા તાપમાનના કારણે પીગળ્યાં છે અને ગ્લેશિયરોનો પણ વાર્ષિક સરેરાશ 280 અબજ ટન બરફ પીગળ્યો છે જેના કારણે સમુદ્રોની સપાટીમાં 0.77 મિલીમીટરનો વધારો થયો છે. જાણકારોના મતે છેલ્લી એક સદીમાં દુનિયાભરના સમુદ્રોની સપાટીના કુલ વધારામાં 35 ટકા જેટલો વધારો ગ્લેશિયરોના પીગળવાના કારણે થયો છે.

જો કે, હવે ગ્લેશિયરોના પીગળવાના કારણે સમુદ્રોની સપાટીમાં થતો વધારો ઓછો થતો જશે કારણ કે દુનિયાભરના ગ્લેશિયરોમાં વધારે બરફ જ નથી. એની સરખામણીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ક્ટિકામાં રહેલો બરફ પીગળતા સમુદ્રોની સપાટી અનેક ફૂટ વધી શકે છે. તો છેલ્લા 50 વર્ષમાં આર્કટિક સમુદ્રના બરફનું પડ પણ સાવ પાતળું થઇ ગયું છે એ છેલ્લા ત્રણ દાયકામાં તેના કદમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. વૈજ્ઞાનિકોના મતે તાપમાનમાં આવો અનિયંત્રિત વધારો થતો રહ્યો તો વર્ષ 2040 સુધીમાં આર્કટિકનો બરફ ઉનાળા પૂરતો અદૃશ્ય થઇ જશે.

દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં આ વર્ષે રેકોર્ડ ગરમી પડી જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળ્યો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આવું જ રહ્યું તો આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે. પીગળી રહેલા ગ્લેશિયરોની સમસ્યા એશિયા પૂરતી જ સીમિત નથી, યુરોપમાં તો એ વધારે વકરી રહી છે.

રિપોર્ટ અનુસાર ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા 80 ટકા ગ્લેશિયર વર્ષ 2100 સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા 90 ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પહાડોનો બરફ વર્ષ 1912 બાદ 80 ટકાથી વધારે પીગળી ગયો છે. ટૂંકમાં ચીનથી લઇને ચીલી સુધી અને ઇન્ડોનેશિયાથી લઇને સ્વિત્ઝર્લેન્ડ સુધી બરફના વિશાળ મેદાનો, ગ્લેશિયરો અને સમુદ્રી બરફ લુપ્ત થઇ રહ્યા છે જેનું પરિણામ અત્યંત ભયંકર હોઇ શકે છે.

સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેના કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં 200 વર્ષ લાગી જાય એમ છે.