અમેરિકા જવાની લ્હાયમાં સુરતના વેપારીએ ધાસૂ આઈડિયા વાપર્યો, પરંતુ એરપોર્ટ પર ફૂટ્યો ભાંડો

અમેરિકા જવાની લ્હાયમાં સુરતના વેપારીએ ધાસૂ આઈડિયા વાપર્યો, પરંતુ એરપોર્ટ પર ફૂટ્યો ભાંડો

કૌભાંડની સિલસિલાબધ્ધ હકિકત એવી છે કે, ગાંધીનગર રહેતાં હસમુખ ચૌધરી અને તેમના પત્ની નિષ્મા ચૌધરીએ તા.૮મી મે ૨૦૧૯ના રોજ મુંબઈની અમેરીકી કોન્સ્યુલેટ પાસે વિઝા માગ્યા હતા. દંપતીના પાસપોર્ટમાં લંડન, ઓસ્ટ્રેલિયા, કતાર, યુ.એ.ઈ. ના વિઝા અને ઈમીગ્રેશનના સિક્કા હતા.

જે તમામ બોગસ હોવાનું ખુલતાં કોન્સ્યુલેટના ઓફિસરે જે તે વખતે સ્ટેટ સી.આઈ.ડી. ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે ચૌધરી દંપતી, મોતી ચૌધરી અને બોગસ વિઝા સ્ટિકરો પાસપોર્ટમાં લગાવી આપનાર એજન્ટ નૌશાદ મુસા સુલતાનની ધરપકડ કરી હતી.

એજન્ટ નૌશાદ પાસેથી ૧૫૯ પાસપોર્ટ, બોગસ વિઝાના સ્ટીકરો, ઈમિગ્રેશનના સ્ટેમ્પ, જુદી જુદી ટ્રાવેલ એજન્સીઓના કોરા લેટર હેડ, ઈન્કમટેકસ રીટર્ન વિગેરે ડોકયુમેન્ટસ કબજે કરવામાં આવ્યાં હતાં. યુ.એસ. કોન્સ્યુલેટે તાજેતરમાં આવુ જ એક બીજુ કૌભાંડ ઝડપી પાડયું હતુ. જેમાં સુરતના ઈમરાન એહમદ પટેલે લંડનના બોગસ વિઝાના આધારે યુ.એસ.એ.ના વિઝા મેળવ્યાં હોવાનો પર્દાફાશ થયો હતો.

સી.આઈ.ડી. દ્વારા ઈમરાનની પૂછપરછ કરતાં ભરુચના એજન્ટ રિઝવાન મહંમદ શફી મોયાવાલાએ રૂ. ૬ લાખમાં યુ.એસ.ના વિઝા અપાવાની ખાત્રી આપી હતી અને પાસપોર્ટ ઉપર ચાઈના અને થાઈલેન્ડના બોગસ વિઝા સ્ટિકર લગાવી આપ્યાં હોવાનું સામે આવ્યું હતુ.

આ કૌભાંડના સંદર્ભમાં કોન્સ્યુલેટે લેખીત ફરિયાદ આપી હતી. જે અંગે વડોદરા સી.આઈ.ડી.માં ઈમરાન એહમદપટેલ ભરુચના એજન્ટ રીઝવાન મોયાવાલા અને નૌશાદ સામે વધુ એક ગુનો નોંધાયો હતો.