કરૂણ દર્દનાક મોત: ટ્રક કન્ટેનરમાં સંતાઇને લંડન જવાનો પ્રયાસ કરનાર 39 લોકોનો થયા એવા હાલ કે…

કરૂણ દર્દનાક મોત: ટ્રક કન્ટેનરમાં સંતાઇને લંડન જવાનો પ્રયાસ કરનાર 39 લોકોનો થયા એવા હાલ કે…

બુધવારની સવારે લંડન નજીક એક લોરી કન્ટેનરમાંથી એક કિશોર અને ૩૮ પુખ્તવયની વ્યક્તિઓ મળીને કુલ ૩૯ લાશ મળી આવતાં બ્રિટિશ પોલીસે હત્યાની તપાસ હાથ ધરી છે. આ ઘટના માનવ તસ્કરીની લાગી રહી હોવાના પ્રાથમિક હેવાલ છે. 

યુકે પોલીસે જણાવ્યું હતું કે, ૩૯ લોકોની હત્યાની શંકાના આધારે ઉત્તરી આયર્લેન્ડના ૨૫ વર્ષના ડ્રાઇવરની ધરપકડ કરી છે. એસેક્સ પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રેય્સ ખાતે ઇસ્ટર્ન એવેન્યુમાં વોટરગ્લેન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે મળસ્કે ૧.૪૦ વાગ્યે એક લોરી કન્ટેનર મળી આવ્યા બાદ એમ્બ્યુલન્સ સર્વિસના સાથીઓએ ફોન કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે એ ૩૯ લોકો મૃત મળી આવ્યા હતા.

હત્યાની આશંકાના આધારે ઉત્તરી આયર્લેન્ડના ૨૫ વર્ષના યુવાનની ધરપકડ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.  ચીફ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ્રુ મરિનરે જણાવ્યું હતું કે, આ એવી કરુણાંતિકા છે કે જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે. ખરેખર શું થયું છે, એ અંગે અમારી તપાસ ચાલી રહી છે. અમે કરુણાંતિકાનો ભોગ બનેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આમ છતાં, આ આખી લાંબી પ્રક્રિયા છે, એ પણ હું જણાવું છું.

વડા પ્રધાન જોન્સન અને ગૃહમંત્રી પ્રીતિ પટેલે વ્યક્ત કરી દિલસોજી

વડા પ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે, એસેક્સમાં ઘટેલી આ કરુણાંતિકા બદલ હું ખેદ અનુભવું છું. ગૃહ વિભાગની કચેરીમાંથી મને તાજી માહિતી મળતી રહે છે અને અમે ખરેખર શું બન્યું છે, એ જાણવા માટે એસેક્સ પોલીસ સાથે સતત સંપર્કમાં છીએ. તમામ મૃતકો અને તેમના પરિવારજનોની આ શોકની ઘડીએ અમે સાથે છીએ. 

ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનાથી દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છુ, જ્યારે થુરોકના કન્ઝર્વેટિવ સાંસદ જેકી ડોયલે પ્રાઇસે ઉમેર્યું હતું કે, ગ્રેય્સમાં કન્ટેનરમાં ૩૯ લોકો મૃત મળી આવ્યાના સમાચાર દુઃખદ છે. લોકોની તસ્કરી એ જોખમી બાબત છે.

કન્ટેનર બલ્ગેરિયાથી યુકેમાં ઘૂસ્યાની આશંકા

ચીફ સુપરિન્ટેન્ડન્ટે ઉમેર્યું હતું કે, અમારું માનવું છે કે આ લોરી બલ્ગેરિયાથી હોલીહેડ ખાતે ૧૯મી ઓક્ટોબરના શનિવારે દેશમાં પ્રવેશી હતી. અમે ડ્રાઇવરની ધરપકડ કરી છે અને તે પોલીસ કસ્ટડીમાં છે અને અમારી તપાસ ચાલુ છે.

બીજો બનાવ

બ્રિટનના ઇતિહાસમાં આ બીજી ઘટના છે, આ પહેલાં ૨૦૦૦ની સાલમાં ડોવરમાં એવી ઘટના નોંધાઈ હતી, જેમાં બેલ્જિયમથી આવતી એક લોરીમાંથી ૫૮ મૃતદેહ મળ્યા હતા.  ડ્રાઇવરને માનવ તસ્કરીના કેસમાં ૧૪ વર્ષની જેલ થઈ હતી.