58ને બદલે 60 વર્ષથી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ આપવાની ઇપીએફઓની વિચારણા

58ને બદલે 60 વર્ષથી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ આપવાની ઇપીએફઓની વિચારણા

ઇપીએફઓ ટૂંક સમયમાં એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં

60 વર્ષથી પેન્શનનો વિકલ્પ પસંદ કરનાર સભ્યને એડિશનલ બોનસ સહિતના ઇન્સેન્ટીવ અપાશે

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2019, સોમવાર

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ) ટૂંક સમયમાં જ પોતાના સભ્યોને 58ને બદલે 60 વર્ષની ઉંમરથી પેન્શન મેળવવાનો વિકલ્પ આપશે. 

પેન્શન મેળવવાની ઉંમરમાં વધારો કરવાના પ્રસ્તાવથી ઇપીએફઓના સભ્યોને પણ લાભ થશે તથા પેન્શન ફંડને પણ પોતાનું નુકસાન ઘટાડવામાં મદદ મળશે. 60 વર્ષની ઉંમરથી પેન્શન લેવાનો વિકલ્પ પસંદ કરનાર સભ્યને એડિશનલ બોનસ સહિતના ઇન્સેનટીવ આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. 

રિટાયરમેન્ટ ફંડ મેનેજરે ઇપીએફ એક્ટ, 1952માં પ્રસ્તાવિત સુધારા અંગે જણાવ્યું હતું કે હાલમાં 58 વર્ષની ઉંમરથી પેન્શન આપવામાં આવે છે તેને વધારી 60 વર્ષ કરવાની જરૂર છે. કારણકે સમગ્ર વિશ્વમાં પેન્શન ફંડો 65 વર્ષની ઉંમરથી પેન્શન આપવાનું શરૂ કરે છે. 

ઇપીએફઓનું માનવું છે કે પેન્શન શરૂ થવાની ઉંમર સરકારી પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ સાથે સંકળાયેલી હોવી જોઇએ અને તેમાં પેન્શન શરૂ થવાની ઉંમર 60 વર્ષ છે. 

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં યોજનારી ઇપીએફઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓેફ ટ્રસ્ટીન મંજૂરી ગયા પછી કેન્દ્રની મંજૂરી મેળવવા માટે આ પ્રસ્તાવને શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે. 

ઇપીએફઓના જણાવ્યા અનુસાર આ નવા પ્રસ્તાવને કારણે ઇપીએફઓના નુકસાનમાં 30,000 કરોડ રૂપિયાનો ઘટાડો થશે અને સભ્યોને પણ લાભ થશે કારણકે તેમને નોકરીના વધુ બે વર્ષ મળશે. 

એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ, 1995 મુજબ નોકરી આપતી કંપની કર્મચારીના પગારની 8.33 ટકા રકમ ઇપીએફઓમાં જમા કરાવે છે. ભારતીય મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી વ્રિજેશ ઉપાધ્યાયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે આ પ્રસ્તાવને સમર્થન આપીએ છીએ. અમારા માનવા મુજબ આ નિર્ણય ઘણા સમય પહેલા લઇ લેવાની જરૂર હતી કારણકે બે વર્ષની નોકરી વધવાને કારણે તેમના પેન્શનમાં મહત્ત્વપૂર્ણ વધારો થશે.