અમદાવાદ / ITના 16 સ્થળે દરોડા, 7 કરોડ રોકડા પકડાયા, 1 કરોડનું સોનું, 13 બેન્ક લોકર, દસ્તાવેજો જપ્ત

અમદાવાદ / ITના 16 સ્થળે દરોડા, 7 કરોડ રોકડા પકડાયા, 1 કરોડનું સોનું, 13 બેન્ક લોકર, દસ્તાવેજો જપ્ત

  • કાપડના ત્રણ વેપારીની કરોડોની ટેક્સ ચોરી,દલાલો મારફતે જમીનમાં રોક્યા
  • પ્રહલાદનગર, SG હાઈવે, મકરબામાં ઓફિસો પર સવારે 6.30થી શરૂ થયેલી રેડ મોડી રાત સુધી ચાલી
  • 1 કરોડનું સોનું,  13 બેન્ક લોકર, કાચી ચિઠ્ઠીઓ, દસ્તાવેજો જપ્ત
  • કાપડના વેચાણની ઓછી કિંમત બતાવી ટેક્સની ચોરી કરતા હતા
  • એક ફાયનાન્સર પાસેથી 4.30, બીજા પાસેથી 2.50 કરોડ પકડાયા
  • ટેક્સ ચોરીના નાણાંનો બિલ્ડરોને વ્યાજે ધીરવામાં પણ ઉપયોગ થયો

અમદાવાદ: મંગળવારે ઈન્કમટેક્સ વિભાગના 134 અધિકારીની જુદી-જુદી ટીમોએ પ્રહલાદનગર, કાલુપુર, એસજી હાઈવે, મકરબામાં કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આઈટી વિભાગે સર્ચમાં 1 કરોડનું સોનું અને 13 બેન્ક લોકર પણ પકડ્યા છે. લેડીઝ ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન, વેચાણ અને નિકાસ કરતાં કાપડના વેપારી ડ્રેસ મટીરિયલની કિંમત ચોપડે ઓછી બતાવતા અને અંડરઈનવોઈસિંગથી કરોડોની ટેક્સ ચોરી કરતા હતા.
ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા
ટેક્સ ચોરીની આ રકમ તેઓ જમીન દલાલો અને ફાયનાન્સરને આપતા હતા. જમીન દલાલો તેમજ ફાયનાન્સર આ રકમ જમીનો તેમજ ફ્લેટમાં રોકી પછીથી તેનું વેચાણ કરી કરોડોની કમાણી કરી લેતા હતા. ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા છે. તેમની ઓફિસ સફલ-3માં શિવાલી ટેક્સટાઈલના નામે આવેલી છે. ગોગિયા ટેક્સ ચોરીમાંથી થતી કરોડોની આવક જમીન દલાલ રામભાઈ ભરવાડને આપતા હતા અને રામભાઈ તેમજ તેમના મળતિયા આ રકમથી જમીનો ખરીદવા ઉપરાંત બિલ્ડરોને ફાયનાન્સ થતું હતું.
ધવલ તેલી પાસેથી રોકડા રૂ.4.30 કરોડ પકડાયા
દરોડામાં ફાયનાન્સર સુરેશ ઠક્કર પાસેથી રોકડા રૂ.અઢી કરોડ અને ધવલ તેલી પાસેથી રોકડા રૂ.4.30 કરોડ પકડાયા હતા. ઈન્કમટેક્સે આ ઉપરાંત કરોડોની કરચોરીના દસ્તાવેજો, સિંધી ભાષામાં લખેલી કેટલીક કાચી ચિઠ્ઠી જ્યારે બ્રોકરો પાસેથી ગુજરાતીમાં લખેલા હિસાબો અને ડીજિટલ ડેટા કબજે કર્યો હતો.
ફાયનાન્સર-જમીન દલાલોની મોડસ ઓપરેન્ડી આ હતી
ટેક્સ ચોરી
લેડીઝ ડ્રેસ મટીરિયલના વેપારી શિવકુમાર ગોગિયા, મોહનલાલ મગરાણી, વિજયકુમાર મગરાણી ડ્રેસના વેચાણ-નિકાસમાં અંડર ઈનવોઈસિંગ કરી કાળું નાણું જનરેટ કરતાં.
પછી ટ્રાન્સફર
જમીન કે ફ્લેટના વેચાણના કરોડોમાંથી પોતાનો હિસ્સો કાઢી લઈ દલાલો બાકીની રકમ વેપારીઓને રોકડમાં ટ્રાન્સફર કરતા.
બિલ્ડરોને જમીન વેચી
જમીન દલાલો જમીન ખરીદ્યા પછી બિલ્ડરોને ઊંચી કિંમતે વેચતા. બ્રોકરેજ તરીકે રોકડ-ફ્લેટ બુક કરાવતા. આ ફ્લેટ વેચતી વખતે પણ દલાલી લેતા હતા.
જમીનમાં રોક્યા
આ કાળું નાણું જમીનદલાલ રામભાઈ ભરવાડ, ધવલ તેલી, ધીરેન ભરવાડ, દીપક ભરવાડ, અનિલ મેવાડા અને સુરેશ ઠક્કરને જમીનોમાં રોકાણ માટે આપતા હતા.
વ્યાજે ધીર્યા
જમીન દલાલો જમીનોમાં રોકાણ કરવા ઉપરાંત અન્ય બિલ્ડરોને તેમજ બિઝનેસમેન અને ફાયનાન્સરને વ્યાજે પૈસા ધીરતા હતા.
આ ગ્રૂપ પર આઇટીના દરોડા
જમીન દલાલ ગ્રૂપ

  • સુરેશ રણછોડભાઇ ઠક્કર
  • ભૂમિ એન્ટરપ્રાઇઝ મોન્ડિયલ સ્કવેર પ્રહલાદનગર (બિલ્ડર)
  • ધીરેન રામભાઇ ભરવાડ, ધરણીધર ડેવલપર શપથ-3 એસજી હાઇવે
  • ધવલ અરવિંદ તેલી
  • બ્રુકલીન ટાવર વાયએમસીએ કલબ, એસજી હાઈવે
  • રામભાઇ ભુરાભાઇ ભરવાડ પરિશ્રમ બંગલો, ભરવાડ વાસ મકરબા ગામ, સરખેજ
  • દીપક રામભાઇ ભરવાડ
  • આમ્રશ્રી બંગલોઝ પ્રહલાદનગર
  • અનિલ રામભાઇ ભરવાડ
  • સ્વસ્તિક સદન બંગલોઝ, પ્રહલાદનગર

ફાઇનાન્સર ગ્રૂપ

  • શિવકુમાર લક્ષ્મણ દાસ ગોગિયા
  • શિવ વીલા બંગલોઝ, સિંધુભવન રોડ, પકવાન ચારરસ્તા પાસે
  • મોહનલાલ કાલુમલ મગરાણી
  • મયૂર વીલા બંગ્લોઝ સિંધુભવન રોડ, પકવાન ચારરસ્તા પાસે
  • વિજયકુમાર મગરાણી
  • મગરાણી ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રી, તુષાર હાઇટ સાકર બજાર રોડ કાલુપુર

કરોડોની ટેક્સ ચોરીના પુરાવા
દરોડા દરમિયાન સુરેશ ઠક્કરના ત્યાથી રોકડ રૂ. 2.50 કરોડ અને ધવલ તેલીને ત્યાથી રૂ. 4.30 કરોડની રોકડ રકમ પકડાઇ છે. કરોડોની કરચોરીના દસ્તાવેજો મળ્યા છે. કેટલીક કાચી ચિઠ્ઠી સિંધી ભાષામાં મળી છે.
500 કરોડનું બેનામી રોકાણ કર્યું
લેડીઝ ડ્રેસના વેપારી શિવકુમાર ગોગિયા, મોહન મગરાણી અને વિજયકુમારે બે નંબરની આવક ફાયનાન્સ કરીને જમીન દલાલ મારફતે રોકતા. વેપારીના બે નંબરના નાણાનું રોકાણ સુરેશ ઠક્કર, રામભાઇ ભરવાડ, ધીરેન ભરવાડ, દીપક ભરવાડ, અનિલ મેવાડા કરતા. અત્યાર સુધી 500 કરોડનું બેનામી રોકાણ થયાની શંકા છે.
રોકડની હેરાફેરી પર ITની નજર હતી
ઈન્કમટેક્સ વિભાગને 6 મહિનાથી આ રેકેટની માહિતી હતી. શનિવારે મોટા સોદાની બાતમીને આધારે અધિકારીઓ નજર રાખી રહ્યા હતા અને મંગળવારે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડાની કાર્યવાહી

  • 134 અધિકારી દરોડામાં જોડાયા
  • 16 જગ્યાએ સર્ચ અને સરવે
  • 7 કરોડની બિનહિસાબી રોકડ ઝડપાઈ
  • 1 કરોડનું સોનું પકડાયું
  • 13 લોકર્સ મળ્યા
  • 17 કલાક પછી પણ રેડની કાર્યવાહી ચાલુ રહી