મોટર વ્હિકલ એક્ટ / મોટેથી હોર્ન વગાડવા બદલ રૂ. 10 હજાર દંડ અને ત્રણ મહિનાની જેલ

મોટર વ્હિકલ એક્ટ / મોટેથી હોર્ન વગાડવા બદલ રૂ. 10 હજાર દંડ અને ત્રણ મહિનાની જેલ

  • નવા વાહનની ખામી કંપની કે ડીલરે સુધારવી પડશે, રૂ. એક લાખ દંડ પણ 
  • ત્રણ વાર ટેસ્ટ ફેલ થવા પર અધિકૃત ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં કોર્સ કરવો ફરજિયાત

શરદ પાંડે (દિલ્હી) : સંશોધિત મોટર વ્હિકલ એક્ટ હેઠળ હવે વાહન ઉત્પાદક કંપની, ડીલર, પાર્ટ્સ ઉત્પાદક, વાહનમાં ફેરફાર કરતા ડીલર કે દુકાનદાર પર પણ દંડ ફટકારાઈ શકે છે. પહેલા આવો નિયમ ન હતો. જો એક જ પાર્ટ અનેક વાહનમાં ખરાબ થશે તો એ માટે ઉત્પાદક કંપની કે ડીલરને જવાબદાર ઠેરવવામાં આવશે. જો આ ખરાબી સુરક્ષા સાથે જોડાયેલી હશે તો રૂ. 100 કરોડનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન ચાલકોને પણ મોટેથી હોર્ન વગાડવા બદલ રૂ. દસ હજાર દંડ અને ત્રણ માસની જેલ થઈ શકશે.
ડ્રાઈવિંગ કોર્સ પછી ચોથી વાર ટેસ્ટ આપી શકશે
ડ્રાઈવિંગ લાઇસન્સ ટેસ્ટમાં ત્રણ વાર નાપાસ થતા ડ્રાઈવરને ટ્રેઈનિંગ કોર્સ કરવો ફરજિયાત કરાયો છે. આ કોર્સ અધિકૃત સેન્ટરમાંથી કરવાનો રહેશે, ત્યાર પછી જ ચોથી વાર ટેસ્ટ આપી શકશે.
દિવ્યાંગોને પણ લાઈસન્સ
દિવ્યાંગોને લાઇસન્સ આપવાની મંજૂરી અપાઈ છે, પરંતુ શરત એ છે કે પરિવહન વિભાગના અધિકારીને સંતોષ થવો જોઈએ. તો જ લાઇસન્સ મળશે.
જામ લગાવવા બદલ રૂ. 500 દંડ
જો એવી જગ્યાએ વાહન રોક્યું છે, જેનાથી રસ્તા પર બીજા લોકો તકલીફમાં મૂકાય અને જામ થઈ જાય, તો રૂ. 500 દંડ ભરવો પડશે. આ ઉપરાંત ક્ષમતાથી વધુ સવારી પર રૂ. 200 પ્રતિ સવારી દંડ ભરવો પડશે.
એજન્સીઓ માટે લાઇસન્સ ફરજિયાત
હજુ સુધી ઓનલાઈન બુકિંગ કરતી કંપનીઓ માટે કોઈ નિયમ ન હતા, પરંતુ હવે તેમના માટે પણ લાઇસન્સ ફરજિયાત કરાયા છે. જેથી ગ્રાહકોની સુરક્ષા માટે તેમની જવાબદારી નક્કી થઈ શકે.
વાહનમાં ફેરફાર પર રૂ. 15 હજાર દંડ
વાહનમાં ફેરફાર પર વાહનના માલિક અને દુકાનદારને રૂ. 15 હજાર દંડ ભરવો પડશે. જેમ કે, વાહનમાં પ્રેશર હોર્ન, અલગ અલગ લાઈટો, વાંચવામાં મુશ્કેલી પડે એવી નંબર પ્લેટો વગેરે ગેરકાયદે ગણાશે. આ ઉપરાંત નક્કી મર્યાદાથી વધુ હોર્ન વગાડવા બદલ પણ રૂ. 10 હજાર દંડ, ત્રણ મહિનાની જેલ અને ત્રણ મહિના માટે લાઇસન્સ રદ થઈ શકે છે.