આ છે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબર પર

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબર પર

કોઇપણ દેશનો પાસપોર્ટ દુનિયામાં એ દેશની સાખને પ્રસ્તુત કરે છે. પાવરફુલ એટલે કે શક્તિશાળી પાસપોર્ટનો અર્થ છે કે તમે કેટલાં વધુમાં વધુ દેશોનો પ્રવાસ વીઝા વગર કરી શકો છો. એટલે કે પાવરફુલ પાસપોર્ટ પર વીઝા ઓન અરાઇવલની સુવિધા અપાય છે. જો તમારી પાસે જાપાનનો પાસપોર્ટ છે તો તમે પોતાને સૌથી પાવરફુલ કહી શકો છો. કારણ કે આખી દુનિયામાં જાપાનના પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટનો દરજ્જો મળ્યો છે. પાસપોર્ટની ગ્લોબલ ઇન્ડેક્સ રેન્કિંગે જાપાનના પાસપોર્ટને સૌથી વજનદાર એટલે કે પાવરફુલ ગણાવ્યો છે. આ યાદીમાં હંમેશાથી યુરોપિયન દેશોનો દબદબો રહ્યો છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી એશિયાના દેશોએ તેના પર કબ્જો કરી લીધો છે.

હેનલે (Henley) પાસપોર્ટ ઇન્ડેક્સે 2018ની સાલના પાવરફુલ વીઝાની યાદી રજૂ કરી છે. આ લિસ્ટ પ્રમાણે જાપાનના પાસપોર્ટ આ ઇન્ડેક્સમાં ટોચના સ્થાન પર મૂકયા છે. જાપાનના પાસપોર્ટને 190 દેશોમાંથી વીઝા ઓન અરાઇવલનો દરજ્જો મળ્યો છે. જાપાન આ ટોપ પોઝીશન સિંગાપુરને પછાડી પ્રાપ્ત કરી છે. ગયા વર્ષે સિંગાપુર આ યાદીમાં ટોચ પર હતું. સિંગાપુરના પાસપોર્ટ પર વીઝા અગાઉથી લીધા વગર 189 દેશોની મુસાફરી કરી શકાય છે. જાપાનના રેન્કિંગમાં આ વર્ષે મ્યાનમારથી અરાઇવલ ઑન વીઝાની સુવિધા મળ્યા બાદ સુધારો થયો છે.

આમ સિંગાપુર બીજા નંબરે, જર્મની બીજાથી નીચે આવીને ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. જર્મનની સાથો સાથ દક્ષિણ કોરિયા અને ફ્રાન્સ પણ ત્રીજા નંબરે છે. ત્રીજા નંબર પર આવનારા દેશના પાસપોર્ટ ધારકો 188 દેશોની મુસાફરી કરી શકે છે. ફ્રાન્સ અને દક્ષિણ કોરિયાને મ્યાનમાર અને ઉઝબેકિસ્તાને અરાઇવલની સુવિધા આપી છે.

આ યાદીમાં ભારતને 82મું સ્થાન મળ્યું છે. રિપોર્ટના મતે ભારતનો ફ્રી વીઝા સ્કોર 60 છે. ત્યાં પાકિસ્તાનને સૌથી નબળા પાસપોર્ટવાળા દેશોમાં મનાય છે. આ યાદીમાં પાકિસ્તાનનું 104મું સ્થાન છે. પાકિસ્તાનના લોકોને માત્ર 31 દેશોમાં જવાની મંજૂરી છે.

2014મા યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ આ યાદીમાં ટોપ પર હતા. પરંતુ હવે આ બંને દેશ આ યાદીમાંથી ખસીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયા છે. 2010 બાદ આ દેશોને મળેલ સૌથી નીચલો ક્રમ છે.