ગેરકાયદે પ્રવાસીઓને રોકવા પગમાં ગોળી મારો, સરહદે મગર-સાપથી ભરેલી ખીણ બનાવો – ટ્રમ્પ

ગેરકાયદે પ્રવાસીઓને રોકવા પગમાં ગોળી મારો, સરહદે મગર-સાપથી ભરેલી ખીણ બનાવો – ટ્રમ્પ

માઈકલ શિયર, જૂલી ડેવિસ, વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને આવતા રોકવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિચિત્ર સૂચનો આપ્યાં હતાં. તેમાં કાંટાળી દીવાલ બનાવવા, ગેરકાયદે પ્રવાસીઓને મગર અને સાપોથી ભરેલી ખીણમાં નાંખી દેવા અને તેમના પગમાં ગોળી મારવી જેવાં સૂચનો પણ સામેલ હતાં.
મેક્સિકોની સરહદે દીવાલ બાંધવાનો ટ્રમ્પનો મુખ્ય એજન્ડા હતો
આ દાવા ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટર માઈકલ શિયર અને જૂલી ડેવિસના તાજેતરમાં આવેલા પુસ્તકમાં કરાયા છે. તેનું શીર્ષક ‘બોર્ડર વોર્સ : ઈનસાઇડ ટ્રમ્પ્સ અસોલ્ટ ઓન ઈમિગ્રેશન’ છે. તેમાં ડઝનેક અધિકારીઓ સાથે ઈન્ટરવ્યૂના હવાલાથી આ માહિતીઓ અપાઇ છે. તે મુજબ મેક્સિકોની સરહદે દીવાલ બાંધવાનો ટ્રમ્પનો મુખ્ય એજન્ડા હતો. તેનું કામ શરૂ પણ થઇ ગયું. પેન્ટાગોને તેના માટે 25,600 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માહિતી મુજબ ચાલુ વર્ષે માર્ચમાં ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીઓ મામલે કડક વલણ અપનાવ્યું હતું. તેમને રોકવા માટે શક્ય તેવા તમામ પ્રયાસો કરવાનો આદેશ કર્યો હતો.
ટ્રમ્પ ઈચ્છતા હતા કે દીવાલ પર કરંટ આવતો હોય
તેમણે અંગતરૂપે સૂચન આપ્યાં હતાં કે આ ગેરકાયદે ગણાશે. અનેકવાર તેમણે સરહદ નજીક દીવાલ બાંધવાની વાત કહી જેની આજુબાજુ પાણીથી ભરેલી ખીણ હોય, તેમાં સાપ અને મગર હોય. ટ્રમ્પ ઈચ્છતા હતા કે દીવાલ પર કરંટ આવતો હોય. પુસ્તકના અંશ મુજબ સલાહકારો સાથેની બેઠક બાદ ટ્રમ્પે તેમને આગામી દિવસે જ અમેરિકા-મેક્સિકોની 3200 કિમીની સરહદને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું – તમે મને મૂર્ખ સમજો છો, હું આ કરીને જ રહીશ
ઓવલ ઓફિસમાં ટ્રમ્પ અને સલાહકારોની બેઠક બે કલાક ચાલી હતી. તેમાં ટીમ ટ્રમ્પને સમજાવવાનો પ્રયાસ કરતી રહી. તેના પર ટ્રમ્પે અધિકારીઓને કહ્યું કે તમે મને મૂર્ખ સમજી રહ્યા છો. આ મારો મામલો છે. હું તેને કરીને જ રહીશ.