ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી ત્રણ દિવસમાં દેખાશે મેઘાનું રૌદ્ર સ્વરૂપ

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી ત્રણ દિવસમાં દેખાશે મેઘાનું રૌદ્ર સ્વરૂપ

રાજ્યમાં જાણે મેઘરાજા મહેરબાન હોય તેમ વરસાદી સીઝન પુરી થઇ ગઇ હોવા છતાં જવાનું નામ લેતા નથી. આ વખતે ચોમાસું લડી લેવાના મૂડમા દેખાઇ રહ્યું છે, એટલે કે હવામાન વિભાગના મતે ગુજરાતમાં છેક દિવાળી સુધી મેઘરાજા મનમૂકીને વરસશે તેવી આગાહી કરી છે. આ તમામ વાતો વચ્ચે જો કોઇને સૌથી વધુ ફર્ક પડતો હોય તો તે ધરતીપુત્રો અને ખેલૈયાઓને પડી રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રીઓ દ્બારા આ વર્ષે ગુજરાતમાં દિવાળી સુધી વરસાદ પડે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કારણ કે, વરતારો જોતા આ વર્ષે વરસાદનાં નક્ષત્રોનો 7 જૂનથી આરંભ થયો હતો અને તેની પુર્ણાહુતી 7 નવેમ્બરના રોજ થવાની છે. પૂર્વ ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રનું વાહન ગદર્ભ હોવાના કારણે આ બંને નક્ષત્રના સમયમાં છૂટો છવાયો વરસાદ પડવાના યોગ છે.

છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ થયા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. દરમિયાન રાજકોટમાં આજે વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જામકંડોણા વિસ્તારમાં રામપર નદીમાં એક કાર પણ તણાઇ છે જેમાં ત્રણ જેટલી મહિલાઓ હોવાની આશંકા સેવાઇ રહી છે. જેમાથી બે મહિલાના મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક મહિલાની શોધખોળ ચલી રહી છે.

ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. કરોડો રૂપિયાની મહેનત ઉપર પાણી ફરતા રાજ્યભરના ખેડૂતોએ ગુજરાત સરકાર તત્કાળ વીમા કંપનીઓને આદેશ આપી, સર્વે કરાવીને પાક નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગણી કરી છે.