ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા સ્પીકરનો આદેશ

ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા સ્પીકરનો આદેશ

। વોશિંગ્ટન ।

। વોશિંગ્ટન ।

અમેરિકાની સંસદની પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મુકાયેલા રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લેવાના આરોપોના અહેવાલો મુદ્દે મહાભિયોગની તપાસ શરૂ કરવા આદેશ જારી કર્યો હતો. મંગળવારે ડેમોક્રેટિક સાંસદો સાથે બંધ બારણે મળેલી બેઠક બાદ નેન્સી પેલોસીએ તપાસની જાહેરાત કરી હતી. પેલોસીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પે રાજકીય હરીફોને પરાસ્ત કરવા માટે વિદેશી મદદ લઈને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવી દીધી છે અને અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. પેલોસીની જાહેરાત બાદ હવે અમેરિકી સંસદનું હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસનો પ્રારંભ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ત્રીજા પ્રમુખ છે જેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં મહિનાઓ સુધી ખચકાટ અનુભવનાર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવવા જ જોઈએ. અમેરિકામાં કાયદાથી પર કોઈ નથી. હાલમાં અમેરિકી સંસદની ૬ સમિતિ ટ્રમ્પ સામે તપાસ કરી રહી છે અને તેઓ પણ આ તપાસના ભાગરૂપે કામગીરી ચાલુ રાખશે. પેલોસીએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્ર્મ્પે તેમણે લીધેલા હોદ્દાના શપથ સાથે દગાબાજી કરી છે. તેમણે કાયદો તોડયો છે અને પોતાની બંધારણીય જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું છે.

ડેમોક્રેટોના આરોપો પાયાવિહોણા, હું ટેપ જાહેર કરીશ : ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે, મેં યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ૨૫મી જુલાઈએ થયેલી ફોન પરની વાતચીતની ટેપ જારી કરવા મેં આદેશ આપી દીધા છે. તમે જોશો કે યુક્રેનના રાષ્ટ્રપતિને કરાયેલો ફોન કોલ એકદમ મિત્રતાભર્યો અને યોગ્ય હતો. મેં તેમના પર કોઈ દબાણ કર્યું નથી. ડેમોક્રેટો દ્વારા મારી સામેનું આ વિનાશકારી અભિયાન છે.

ટ્રમ્પનો ફોન, વ્હિસલ બ્લોઅર, આરોપ, મહાભિયોગ

ટ્રમ્પનો કથિત ફોન કોલ

ટ્રમ્પે ૨૫મી જુલાઈએ યુક્રેનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીને કોલ કરી ૨૦૨૦ની પ્રમુખની ચૂંટણીમાં મુખ્ય હરીફ તરીકે ઊભરી રહેલા ડેમોક્રેટ નેતા જો બિડેનની છબિ ખરડવા માટે તેમના પુત્ર હંટર બિડેન સામે તપાસ શરૂ કરવા પોતાના અંગત વકીલ રૂડી ગિલિઆની સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી.

વ્હિસલ બ્લોઅર

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓમાંના કોઈ અધિકારીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીત સંબંધિત ડેમોક્રેટ સાંસદોને પહોંચાડી દીધી હતી.

 આરોપ

ડેમોક્રેટિક પાર્ટીનો આરોપ છે કે, ટ્રમ્પ અને તેમના અંગત વકીલ રૂડી ગિલિઆની લશ્કરી સહાય આપવાના બદલામાં યુક્રેનને દબાવવા માગતા હતા જેથી ૨૦૨૦માં પોતાની સામેના સંભવિત ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનના પુત્ર સામે રાજકીય બદઈરાદાથી તપાસ શરૂ કરી શકાય. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમને મળેલી સત્તાઓનો ભયાનક દુરુપયોગ કરાયો છે.

મહાભિયોગ

૨૦૨૦માં અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં પોતાના સંભવિત પ્રતિસ્પર્ધી બની શકે તેવા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન પર કાદવ ઉછાળવાનો ટ્રમ્પ દ્વારા પ્રયાસ કરાયો છે. તેમણે બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમની સામે મહાભિયોગની કાર્યવાહી હાથ ધરવામાં આવે. અમેરિકી સંસદના નિચલા ગૃહમાં ડેમોક્રેટની  બહુમતી જ્યારે ઉપલા ગૃહમાં  રિપબ્લીકન બહુમતી ધરાવે છે.