અમેરિકામાં મોદીના શોમાં આવવા માટે ટ્રમ્પ તૈયાર : વ્હાઇટ હાઉસ

અમેરિકામાં મોદીના શોમાં આવવા માટે ટ્રમ્પ તૈયાર : વ્હાઇટ હાઉસ

વોશિંગ્ટન, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર

વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રવિવારે હ્યુસ્ટનમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં નરેન્દ્ર મોદીની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોડાશે. આ કાર્યક્રમમાં આશરે 50 હજાર ભારતીય-અમેરિકાન જોડાશે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબુત બનાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબીત થશે.   

વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં આ કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હોવ્ડી મોદી ઇવેંટમાં ભાગ લેશે. બન્ને દેશોના સંબંધોને વધુ મજબુત બનાવવા માટેની આ એક સારી તક પણ છે. 22મી સપ્ટેમ્બરે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ બન્ને એક સ્ટેજ પર જોવા મળશે. 

વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશેમે જણાવ્યું હતું કે ઇતિહાસમાં પહેલી વખત એવુ બનશે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે હજારો ભારતીય-અમેરિકન નાગરિકોને સંબોધશે.

આટલી મોટી સંખ્યામાં ટ્રમ્પે અત્યાર સુધીમાં એક પણ વખત અમેરિકામાં મૂળ ભારતીયોને સંબોધ્યા નથી. ભારતના અમેરિકા સિૃથત રાજદુત હર્ષ વર્ધને જણાવ્યું હતું કે ટ્રમ્પ હોવ્ડી મોદી કાર્યક્રમમાં જોડાશે તે એક ઐતિહાસિક ક્ષણ હશે. ટ્રમ્પે આ કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું તે દર્શાવે છે કે બન્ને દેશો વચ્ચેની મિત્રતા કેટલી નજીક છે. 

બન્ને દેશના વડાઓ આ કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધશે જે એક ઐતિહાસિક ક્ષણ હશે તેમ પણ હર્ષ વર્ધને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 50 હજારથી વધુ ભારતીય અમેરિકન નાગરિકો જોડાશે, મોટા ભાગના અમેરિકામાં વસતા ભારતીયો હશે.

વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામા આવ્યું છે કે આ કાર્યક્રમમાં જોડાવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને મોદી દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેનો સ્વીકાર કરી લીધો છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકામાં યોજાનારા ભારતીય અમેરિકન કોમ્યૂનિટી કાર્યક્રમમાં સ્વાગત કરવા માટે હું આતુર છું. 

બીજી તરફ કોંગ્રેસે આ કાર્યક્રમને લઇને ટોણો માર્યો હતો. કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે સારી બાબત છે, અમેરિકામાં પણ ચૂંટણી નજીક આવી રહી છે અને એક મોટો વર્ગ ભારતીય મૂળનો ત્યાં વસે છે જેનો લાભ  લેવા માટે ટ્રમ્પ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે