દિલ્હીમાં 131 કરોડનાં ખર્ચે બન્યું આલિશાન ગુજરાત ભવન, PM મોદી કરશે ઉદઘાટન

દિલ્હીમાં 131 કરોડનાં ખર્ચે બન્યું આલિશાન ગુજરાત ભવન, PM મોદી કરશે ઉદઘાટન

દિલ્હીમાં રૂપિયા 131 કરોડનાં ખર્ચે આલિશાન ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે. અકબર રોડ પર આવેલ ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાણકારી આપી હતી. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની કલા સંસ્કૃતિ ઓળખ કાર્યક્રમો સાથે લોકાર્પણ કરાવવામા આવશે.

નીતિન પટેલે કહ્યું કે, દિલ્હી ખાતે દાયકાઓથી ગુજરાત ભવન કાર્યરત છે. પરંતુ વધતી જતી જરૂરિયાતો તથા નાગરિકોનાં ઘસારાને પહોંચી વળવા માટે આ નવનિર્મિત ભવનનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે 7066 ચો.મી. જમીના ફાળવવામાં આવી હતી. આ અંગેની તમામ કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી અને આજે આ ભવ્ય અતિ આધુનિક સુવિધાઓથી સજજ રાજ્ય સરકારની માલિકીનું નવીન ભવન બાંધવામાં આવ્યું છે.

ગુજરાત ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જીમ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. નીતિન પટેલે ઉમેર્યુ કે, આ ઉદ્ઘાટન વેળાએ રાજ્યના સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાની ઝાંખી લોકોને થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.