ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ધર્મ સાથે જોડયો, ત્રીજી વાર મધ્યસ્થતાની ઓફર કરી

ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ધર્મ સાથે જોડયો, ત્રીજી વાર મધ્યસ્થતાની ઓફર કરી

। નવી દિલ્હી ।

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે. ટ્રમ્પે કાશ્મીરમાં હિંદુ-મુસલમાન રાગ આલાપતા કહ્યું કે તેઓ આ અઠવાડિયાના અંતે પીએમ નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દો ઉઠાવશે. આ પહેલાં ટ્રમ્પે બે વાર કાશ્મીર વિવાદને ઉકેલવા મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.

ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે કાશ્મીર અત્યંત જટિલ સ્થળ છે. અહીં હિંદુ અને મુસલમાન છે અને હું નથી કહેતો કે તેમની વચ્ચે ઘણો મનમેળ છે. મધ્યસ્થતા માટે જે પણ સારું થઈ શકશે તે હું કરીશ. આ પહેલાં ૨૨ જુલાઈએ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. જોકે ભારતે તેને ઠુકરાવી દીધી હતી.

ભારતે ચોખ્ખું કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો આંતરિક છે અને તેમાં ત્રીજી કોઈ પાર્ટીની જરૂર નથી. આ મુદ્દો ફક્ત દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ ઉકેલવામાં આવશે. ૧૯ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી વાતચીત કરી હતી. લગભગ ૩૦ મિનિટ ચાલેલી આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આ વિસ્તારમાં તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને નેતાઓ વચ્ચે ક્ષેત્રીય શાંતિ ઉપરાંત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત વખતે પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને હિંસામુક્ત વાતાવરણના નિર્માણ પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે આવા વાતાવરણમાં સીમા પારથી આવતા આતંકવાદને કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. પીએમ મોદીએ કહ્યું હતું કે ગરીબી, બીમારી અને શિક્ષણના મુદ્દે જે દેશ લડી રહ્યો છે એને ભારતનો સાથ છે.