જાણો, વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ વિષે જેને અમેરિકા ખરીદવા ઇચ્છે છે

જાણો, વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ વિષે જેને અમેરિકા ખરીદવા ઇચ્છે છે

ગ્રીનલેન્ડ વિસ્તારની દ્રષ્ટીએ વિશ્વમાં ૧૩માં ક્રમનો મોટો દેશ છે.

ગ્રીનલેન્ડના પેટાળમાં અબજો ટન કુદરતી તેલ અને ગેસનો ભંડાર છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ તેમની ડેન્માર્ક મુલાકાત દરમિયાન ગ્રીનલેન્ડ ખરીદવાના હોવાની ચર્ચાએ જોર પકડયું છે. બરફથી આચ્છાદિત રહેતો ગ્રીનલેન્ડ ૨૧લાખ ચો કિમીથી વધુ વિસ્તાર ધરાવતો વિશ્વનો સૌથી મોટો ટાપુ દેશ છે. આમ તો આ એક સ્વાયત પ્રદેશ છે પરંતુ દાયકાઓથી ડેન્માર્કના અધિકારક્ષેત્રમાં આવે  છે. અમેરિકાના સમાચારપત્ર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ ખરીદવાની શકયતા અંગે સ્ટાફને સૂચના આપવામાં આવી છે. આ સૂચના ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં ડેન્માર્ક જઇ રહયા છે તેની તૈયારીના ભાગરુપે હોવાનું મનાય છે.  જો કે ડેન્માર્કના ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીતના એજન્ડામાં હશે કે કેમ તે જાણવા મળતું નથી.

એક બાજુ ટ્મ્પના સલાહકારને ટાંકીને અખબારમાં જણાવાયું છે કે ગ્રીનલેન્ડ બાબતે ટ્રમ્પ ઓછાવત્તા પ્રમાણમાં ગંભીર હોવાનું મનાય છે. બીજી બાજુ ગ્રીનલેન્ડ વેચવા અંગેની આ સમગ્ર વાતને ડેન્માર્કે ફગાવી દઇને હાસ્યાસ્પદ ગણાવી છે. જો કે પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાએ ગ્રીનલેન્ડ ખરીદવામાં દિલચસ્પી દાખવી હોય એવી આ પ્રથમ ઘટના નથી. ૧૯૪૬માં અમેરિકાએ ડેન્માર્ક પાસે ૧૦ કરોડ ડોલરમાં ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂકયો હતો એટલું જ નહી ગ્રીનલેન્ડના બદલામાં અલાસ્કાનો કેટલોક વિસ્તાર આપવાની ઓફર મુકી હતી પરંતુ ડેન્માર્કે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. એ પછી ગ્રીનલેન્ડ ખરીદવા અંગે કોઇ જ ઓફર ન થઇ પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની વર્ષો જુની ઇચ્છાને ફરી જાગુ્રત કરી શકે છે. 

 ૫૭ હજાર વસ્તી અને પ્રતિ વ્યકિત વાર્ષિક ૨૦ હજાર ડોલર આવક

એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલા ગ્રીનલેન્ડમાં માત્ર ૫૭ હજાર લોકો વસે છે. ગ્રીનલેન્ડની પ્રતિ વ્યકિત આવક ૨૦ હજાર ડોલર વાર્ષિક છે. ભૌતિક વિકાસ નથી થયો પરંતુ માછલીઓ એક્ષપોર્ટ કરીને લોકો સારા નાણા મેળવે છે. ગ્રીનલેન્ડના ટ્રુન્ડ પ્રદેશમાં ફેમસ એસ્કિમો જનજાતિ રહે છે. સતત વધી રહેલા તાપમાનના પગલે બરફ જામવાનું અને ઓગળવાનું જે કુદરતી ચક્ર હતું તે ખોરવાઇ રહયું છે. ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા પછી પૃથ્વી પરનો સૌથી વિશાળ હિમ વિસ્તાર છે. જેની આઇસ શીટ ઉત્તર અને દક્ષિણ દિશામાં ૨૪૦૦ કિમી સુધી ફેલાયેલી છે. ગત જુલાઇ મહિનામાં ૧૨ અબજ ટન વજન ધરાવતો બરફ દરિયામાં પીગળતો જોવા મળ્યો હતો.

ગ્રીનલેન્ડના પેટાળમાં તેલ અને કુદરતી ગેસના ભંડારની લાલચ 

ગ્રીનલેન્ડ નામ સાંભળીને એવું લાગે કે નરી હરીયાળી હશે પરંતુ તેનાથી બિલકુલ વિપરિત શૂન્ય ટકા જંગલ વિસ્તાર ધરાવે છે.  ગ્રીનલેન્ડ ભલે ગ્રીન નથી પરંતુ તેની નીચે તેલ અને ગેસનો વિશાળ ભંડાર છુપાએલો છે. એક અંદાજ મુજબ ઉત્તર ધુ્રવ પર ૫૦ અબજ ટન જેટલું તેલ છે.  દુનિયામાં તેલનો ભંડાર ધરાવતા તમામ દેશો મળીને વર્ષે ૪૦૦ કરોડ ટનથી વધારે તેલ ઉત્પન્ન કરતા નથી એ જોતા આ જથ્થો ખૂબજ વિશાળ છે.

આથી આર્કેટિક અને ગ્રીનલેન્ડના વિસ્તારો પર અમેરિકા ઉપરાંત ચીન જેવી મહાસત્તાઓનો ડોળો છે. અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદવા પ્રયત્ન કરી રહયું હોવાના અહેવાલથી આંતરરાષ્ટ્રીય સ્તરે નવી હલચલ પેદા થઇ શકે છે. તોતિંગ તેલ કંપનીઓ ગ્રીનલેન્ડને અલગ પાડતા સમુદ્ર પાસે ટેસ્ટ ડ્રિલિંગ કરવા ઇચ્છે છે. જળવાયુ પરીવર્તનની અસરથી ઉત્તરી ધુ્રવમાં બરફની સપાટી પાતળી થઇ રહી હોવાથી ઉનાળામાં આઇસબ્રેકર જહાજોની હરકતો પણ વધવા લાગી છે. ગ્રીનલેન્ડમાં રેલવે નથી અને રસ્તાઓ પણ ખાસ જોવા મળતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્લેજ, હેલિકોપ્ટર કે હોડીઓનો ઉપયોગ થાય છે. 

જળવાયુ પરીવર્તનને સમજવા માટે પ્રયોગભૂમિ સમાન 

ભૌગોલિક દ્વષ્ટીએ ઉત્તર અમેરિકા અને રાજકિય રીતે યૂરોપ સાથે જોડાયેલો ગ્રીનલેન્ડ દેશ કલાઇમેટ ચેન્જના સંશોધન માટે પ્રયોગભૂમિ બન્યો છે. ગ્લોબલ વોર્મિગની દુનિયા પર જે માઠી અસર થવાની છે તેની ગવાહી ગ્રીનલેન્ડના ઓગળતા ગ્લેશિયરો આપી રહયા છે. ગ્રીનલેન્ડમાં માત્ર એક જ દિવસમાં બે બિલિયન ટન બરફ પીગળી રહયો છે. આથી વૈજ્ઞાાનિકોને ડર છે કે ગ્રીનલેન્ડનો બરફ આમ પીગળતો જ રહેશે તો દરિયાની જળ સપાટી વધવાનો ખતરો તોળાઇ રહયો છે. સતત વધી રહેલા તાપમાનના પગલે બરફ જામવાનું અને ઓગળવાનું જે કુદરતી ચક્ર હતું તે ખોરવાઇ રહયું છે.

ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા પછી પૃથ્વી પરનો સૌથી વિશાળ હિમ વિસ્તાર છે. જેની આઇસ શીટ ઉત્તર અને દક્ષિણ દિશામાં ૨૪૦૦ કિમી સુધી ફેલાયેલી છે. બરફની સરેરાશ ઉંચાઇ ૨૧૩૫ મીટર જયારે સૌથી વધુ ઉંચાઇ ૩૦૦૦ મીટર છે.ગ્રીનલેન્ડના ગ્લેશિયર અને હિમ સમૂહ જો સાવ પીગળે તો ૨૮,૫૦,૦૦૦ ઘન કિમી પાણી બને તેનાથી સમગ્ર વિશ્વના મહાસાગરોની સપાટી ૭.૨ મીટર સુધી વધે તો પૃથ્વી પરના પ્રલયને કોઇ રોકી શકે નહી.

જો કે આ દૂરની વાત છે પરંતુ એક માહિતી મુજબ વર્ષ ૨૧૦૦ સુધીમાં ગરમીના કારણે સમુદ્રની સપાટીમાં ૧.૪ મીટરનો વધારો થવાની શકયતા છે. આ પરીસ્થિતિમાં હિંદ મહાસાગરના માલદિવ અને પ્રશાંત મહાસાગરના તૂવાલુ જેવા અનેક દ્વીપ તો સાવ ડૂબી જશે. વિશ્વનું સરેરાશ તાપમાન એક ડિગ્રી વધ્યું છે તેની સરખામણીમાં ઉત્તરી ધુ્રવનું તાપમાન ૩ ડિગ્રી જેટલું વધતા ગ્લોબલ વોર્મિગની સમસ્યાના નિષ્ણાત આજકાલ ગ્રીનલેન્ડ પર ખૂબજ ધ્યાન આપી રહયા છે. 

ગ્રીનલેન્ડને ગ્લોબલ વોર્મિગ અકળાવી રહી છે

એક સમયે ગ્રીનલેન્ડના પાટનગર નૂકનું ઉનાળામાં સરેરાશ તાપમાન ૧૦ ડિગ્રી જેટલું રહેતું હતું પરંતુ હવે ૧૪ ડિગ્રી સુધી રહે છે. ગત જુનના પ્રથમ પખવાડિયામાં ઉત્તરી ગ્રીનલેન્ડમાં ૧૫ થી ૧૭ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. ૨૦૧૮માં તો એક સ્થળે તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે છેલ્લા ૫૦ વર્ષના સરેરાશ તાપમાન કરતા ઘણું વધારે છે. હમણાં ડેનિશ મિટિરીયોલોજીકલ ઇન્સ્ટીટયૂટના વૈજ્ઞાાનિક સ્ટીફન ઓલ્સને ૧૩ જુનના રોજ ગ્રીનલેન્ડમાં લીધેલો એક ફોટો વાઇરલ થયો હતો.

આ ફોટામાં એક સમયે દોઢ મીટર જેટલો બરફ જોવા મળતો અને હવે પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડૉગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા. બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની રહયા છે. ઉત્તર ગ્રીનલેન્ડમાં કાનાક એરપોર્ટ પર ૧૭.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું જે બરફાચ્છાદિત ગ્રીનલેન્ડ માટે વધારે હતું. અહીંના સ્થાનિક લોકો દરીયામાં જામેલા બરફ પર ઉભા રહીને માછલીઓ શોધે છે જે તેમનો કુદરતી ખોરાક છે. ગરમ હવામાનથી બરફનું પડ પાતળું પડવાથી બરફના જુના રસ્તા છોડીને નવા શોધવા મજબૂર બન્યા છે. આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે. 

ઇગ્લેન્ડથી દસ ગણો  વિશાળ ટાપુ છતાં વસ્તી માત્ર 57000

ગ્રીનલેન્ડમાં બરફના પડની જાડાઇને સમજવામાં થાપ ખાઇને અનેક લોકો જીવ ગુમાવે છે. પોલાર રીંછ અને વૂલ્ફ ડૉગ જેવા પ્રાણીઓના અસ્તિત્વને પણ ખતરો છે. પર્મોફૉસ્ટ એટલે કે કાયમી બરફથી જામેલા રહેતા વિસ્તારોના ઘરો પરથી બરફ ઓછો થતા છાપરા દેખાવા લાગ્યા છે. ઉત્તરી આર્કેટિકના કેટલાક સ્થળે તો બરફનું પાણી થવાથી મકાનો ધસી રહયા છે અને ભીંતને તિરાડો પડવા લાગી છે. પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ ગણાતો ગ્રીનલેન્ડ દેશ વિશ્વમાં ૧૩માં ક્રમનો વિશાળ વિસ્તાર ધરાવે છે. નવાઇની વાત તો એ છે કે ૧૦ ઇગ્લેન્ડ ભેગા કરો તેટલા વિશાળ ગ્રીનલેન્ડમાં માત્ર ૫૭૦૦૦ લોકો રહે છે. ૨૧ લાખ વર્ગ  કિમીથી વધુ વિસ્તાર ધરાવતો ગ્રીનલેન્ડ ૧૯૭૯થી સ્વશાસિત છતાં ડેન્માર્કને આધિન દેશ છે. 

ગ્રીનલેન્ડ નામ કેવી રીતે પડયું તે જાણવું રસપ્રદ છે

યૂરોપના ઇતિહાસમાં ૮ મી થી ૧૪ મી સદી દરમિયાન વાઇકિંગ નામની માનવ જાતિ યુદ્ધ અને વેપાર કળામાં નિષ્ણાત હતી. તેઓ ઇગ્લેન્ડ,ગ્રીનલેન્ડ અને કેનેડાના ન્યૂ ફિનલેન્ડ સુધી ફેલાયેલા હતા. ક્રુરતા માટે જાણીતા વાઇકિંગ આક્રમણ કરીને સંપતિ લૂંટતા, સ્થાનિક વસ્તીઓના રહેઠાણ સળગાવતા અને મહિલાઓ તેમજ બાળકોને ઉપાડી જતા હતા. વાઇકિંગ બરફથી ઢંકાયેલા આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે પોતાના અહંમ ખાતર જાણી જોઇને ગ્રીનલેન્ડ નામ રાખ્યું હોવાની માન્યતા છે.

જો કે આઇસકોર અને મોલસ્ક શૈલના ડેટા પરથી પણ જાણવા મળે છે કે ઇસ પૂર્વે ૮૦૦ થી ૧૩૦૦ સુધી ગ્રીનલેન્ડ આજની સરખામણીમાં વધુ ગરમ હતું. આથી વાઇકિંગ અહીંયા આવ્યા ત્યારે ગ્રીનલેન્ડ નામ પાળવા પાછળ કશુંક તો તથ્ય રહયું જ હશે. ૧૪મી શતાબ્દી પછી ગ્રીનલેન્ડનું તાપમાન ખાસ કરીને ઉનાળામાં ઓછું થતા સ્થાનિક નૉસ વસાહતોએ પોતાના રહેઠાણો છોડીને બહાર જવા મજબૂર થવું પડયું હતું. ગ્રીનલેન્ડ માટેની એક કિવદંતી મુજબ ઇસ ૯૮૧માં આઇસલેન્ડ દેશમાં એરિક દ રેડ નામનો માણસ રહેતો હતો. કબીલાના માણસોએ ખૂનનો આરોપ મઢીને તેને ૩ વર્ષ માટે હદપાર કર્યો હતો.

આથી તેણે પોતાના ૩૫૦ સાથીઓને લઇને આઇસલેન્ડથી દૂર બરફ છવાયેલા વિસ્તારમાં નાના ઘર બાંધીને વસવાટ શરુ કર્યો. જે સ્થળે રોકાણ કર્યુ તે માનવવસ્તી વિહોણું ઉજજડ હોવાથી તેનું કોઇ નામ પણ ન હતું. ૩ વર્ષની સજા પુરી થતા એરિક  વતન પાછો ફર્યો ત્યારે શોધેલી ભૂમિના વખાણ કરીને લોકોને આકર્ષવા ગ્રીનલેન્ડ નામ આપ્યું હતું.

ગ્રીનલેન્ડ ૨૧ લાખ ચો કિમીથી વધુ વિસ્તાર ધરાવતો વિશ્વનો સૌથી મોટો ટાપુ દેશ છે

આ સ્વાયત પ્રદેશ દાયકાઓથી ડેન્માર્કના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

૧૯૪૬માં અમેરિકાએ ડેન્માર્ક પાસે ૧૦ કરોડ ડોલરમાં વેચાણે માંગ્યો હતો

નામ ભલે ગ્રીનલેન્ડ પરંતુ શુન્ય ટકા જંગલ છે 

ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા પછી પૃથ્વી પરનો સૌથી વિશાળ હિમ વિસ્તાર છે