પૃથ્વીને છાંયડો આપવા બિલ ગેટ્સ આપશે ૩૦ લાખ ડોલર

પૃથ્વીને છાંયડો આપવા બિલ ગેટ્સ આપશે ૩૦ લાખ ડોલર

માત્ર ૨૧ વર્ષની ઉંમરે માઇક્રોસોફ્ટ જેવી વિશાળ સોફ્ટવેર કંપની સ્થાપીને અનેક વર્ષો સુધી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિના લિસ્ટમાં પહેલો ક્રમાંક જાળવી રાખનારા બિલ ગેટ્સ હવે દુનિયાભરમાં સખાવતો કરી રહ્યા છે અને જળવાયુ પરિવર્તનથી પૃથ્વીને બચાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોને ફંડ પણ આપી રહ્યા છે. હવે તેઓ સૂર્યના આકરા તાપથી પૃથ્વીને બચાવવા માટે રોજ આકાશમાં લાખો ટન ચોક ડસ્ટનો છંટકાવ કરવા માગે છે. તેમનું માનવું છે કે આના કારણે પૃથ્વી પર પરતા સૂર્યના કિરણોનું પરાવર્તન થશે અને તેથી પૃથ્વી પર ગરમીમાં વધારો નહીં થાય. માન્યામાં ન આવે એવો આ સાયન્સ ફિક્શન જેવો પ્લાન બિલ ગેટ્સે તૈયાર કર્યો છે. વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એને સમર્થન આપ્યું છે. ગ્લોબલ ર્વોર્મિંગના કારણે દુનિયાભરમાં ગરમી વધી રહી છે અને ઉનાળા હવે વિકટ બનતા જાય છે ત્યારે આગામી વર્ષોમાં સૂર્યના કિરણો પૃથ્વી પર હાહાકાર મચાવે નહીં એ માટે આ ઉપાય યોજના ઘડી કાઢવામાં આવી છે. જોકે આ યોજનાનો વિશ્વ સ્તરે જોરદાર વિરોધ પણ થયો છે.

રોજ ૮૦૦ એરક્રાફ્ટ ઊડશે

બિલ ગેટ્સના પ્લાન મુજબ રોજ આશરે ૮૦૦ વિશાળ એરક્રાફ્ટો પૃથ્વી પરથી હજારો ટન ચોક ડસ્ટ લઈને ઉડ્ડયન ભરશે અને તેઓ પૃથ્વીની સપાટીથી ૧૨ માઇલ (આશરે ૧૯.૩૧ કિલોમીટર) ઉપર જશે અને ત્યાં જઈને આ ચોક ડસ્ટનો છંટકાવ કરશે. આ ચોક ડસ્ટ એક મોટા વાદળાની જેમ છવાઈ જશે અને તે પૃથ્વી પર પડતા સૂર્યના કિરણોનું પરાવર્તન કરી દેશે. આ વાદળું સનશેડ જેવી અસર કરશે. આ પ્રોજેક્ટ માટે જરૂરી એવું ૩૦ લાખ ડોલરનું ફંડ બિલ ગેટ્સે આપ્યું છે.

સ્ટ્રેટોસ્ફિયરમાં છંટકાવ

પૃથ્વીની ફરતે આવેલા વાતાવરણમાં સૌથી નીચલા સ્તરે ટ્રોપોસ્ફિયર હોય છે. પૃથ્વીની સપાટીથી આશરે ૧૦થી ૧૨ કિલોમીટર ઉપર સુધીના આ વિસ્તારમાં ભેજ, ધૂળના કણો અને વાદળો એમ તમામ ચીજો હોય છે. આ સૌથી ઘટ્ટ પડ છે. એના પછી સ્ટ્રેટોસ્ફિયર આવે છે અને એમાં તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસથી માઇનસ ૫૬ ડિગ્રી સેલ્સિયસ હોય છે. એમાં હવાનું દબાણ ઓછું હોય છે. આ પડ ૧૬ કિલોમીટરથી ૫૦ કિલોમીટર સુધીનું હોય છે. એમાં ઓઝોન લેયર જોવા મળે છે.

ન્યૂ મેક્સિકોમાં પ્રયોગો 

આ પ્રોજેક્ટને સ્કાય ક્લાઉન્ડિંગ એવું નામ શરૂઆતમાં આપવામાં આવ્યું હતું. મહિનાઓ પહેલાં આ પ્રયોગોને શરૂ કરાયા હતા અને એને સ્ટ્રેટોસ્ફેરિક કન્ટ્રોલ્ડ પર્ટુરબેશન એક્સ્પેરિમેન્ટ એવા નામે ઓળખવામાં આવે છે. ન્યૂ મેક્સિકોના રણ પ્રદેશમાં આ પ્રયોગ હેઠળ બે કિલોગ્રામ કેલ્સિયમ કાર્બોનેટની ડસ્ટને હાઈ અલ્ટિટયૂડ સાયન્ટિફિક બલૂન દ્વારા ૧૨ માઇલ પર છોડવામાં આવશે. આ બલૂનમાં એવા સેન્સરો ગોઠવવામાં આવશે કે કેટલો સૂર્ય પ્રકાશ પરાવર્તિત થયો એની જાણકારી પણ મળી શકે.

હાલમાં વિરોધનો વંટોળ

જોકે આ પ્રયોગોને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રયોગોનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ પ્રયોગોની અવળી અસર થશે. આના કારણે પૃથ્વી પર દુકાળ પડી શકે છે, વાવાઝોડાં આવી શકે છે અને એના કારણે પૃથ્વી પર લાખો લોકોનાં મૃત્યુની સંભાવના છે. હાર્વર્ડની ટીમના એક મેમ્બરનું પણ કહેવું છે કે અમારો આઇડિયા અનોખો છે અને એની આડઅસર પણ આવી શકે છે પણ જળવાયુ પરિવર્તનથી આમેય પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર થઈ જ રહ્યા છે ને?

આઇડિયા આવ્યો ક્યાંથી? 

૧૯૯૧માં ફિલિપીન્સમાં માઉન્ટ પિનાટુબો જ્વાળામુખી પર્વત ફાટયો હતો. એના કારણે ૭૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને બે લાખ લોકો ઘરવિહોણા થયા હતા. પણ આ જ્વાળામુખી ફાટયા બાદ તેમાંથી નીકળેલાં ધૂળના વાદળોમાં ૨૦ મિલિયન ટન સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેલાયો હતો અને એના પૃથ્વીના ઘણા વિસ્તારોમાં એક વર્ષ સુધી સલ્ફ્યુરિક એસિડનો વરસાદ પડયો હતો. એસિડના ટીપાં ધરતી પરથી દર્પણના ટુકડા જેવા લાગતા હતા અને એ સૂર્ય પ્રકાશને પરાર્વિતત કરતા હતા. આના લીધે પૃથ્વી પરનું તાપમાન ૦.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી ગયું હતું. આના પગલે સાયન્ટિસ્ટોને ગ્લોબલ ર્વોર્મિંગથી બચવાનો વિચાર આવ્યો અને આ મુદ્દે ૧૦૦ જેટલા રિસર્ચ પેપરો રજૂ થયા.

ખર્ચનો આંકડો મોટો 

પૃથ્વીને છાંયડો આપવો હોય તો આકાશમાં મોટું વાદળ બનાવવું પડે અને એના માટે અબજો ડોલરનો ખર્ચ થઈ શકે છે. આટલો ખર્ચ કોણ આપે એ મુદ્દો હતો. એવા સમયે આ પ્રયોગો માટે બિલ ગેટ્સે ખર્ચ આપવાની તૈયારી બતાવી હતી. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર છે અને ધીમે ધીમે આ પડ ઘસાઈ રહ્યું છે. આના કારણે પૃથ્વી પર સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે છે. આ કિરણો માનવીના ડીએનએને નુકસાન કરી શકે છે. આ કિરણોના લીધે કેન્સર પણ થઈ શકે છે. આ ચિંતાના કારણે બિલ ગેટ્સે આ પ્રોજેક્ટ માટે નાણાં ફાળવ્યાં હતાં.

ખર્ચનો આંકડો મોટો 

પૃથ્વીને છાંયડો આપવો હોય તો આકાશમાં મોટું વાદળ બનાવવું પડે અને એના માટે અબજો ડોલરનો ખર્ચ થઈ શકે છે. આટલો ખર્ચ કોણ આપે એ મુદ્દો હતો. એવા સમયે આ પ્રયોગો માટે બિલ ગેટ્સે ખર્ચ આપવાની તૈયારી બતાવી હતી.સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર છે અને ધીમે ધીમે આ પડ ઘસાઈ રહ્યું છે. આના કારણે પૃથ્વી પર સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે છે. આ કિરણો માનવીના ડીએનએને નુકસાન કરી શકે છે. આ કિરણોના લીધે કેન્સર પણ થઈ શકે છે. આ ચિંતાના કારણે બિલ ગેટ્સે આ પ્રોજેક્ટ માટે નાણાં ફાળવ્યાં હતાં.

વિવિધ દેશો વચ્ચે યુદ્ધની સંભાવના

જો વિવિધ દેશો પોતાના દેશને અનુરૂપ પર્યાવરણ બનાવવા ઇચ્છે તો પર્યાવરણના મુદ્દે પણ યુદ્ધ થવાની સંભાવના ઊભી થઈ શકે છે. ચીનની સરકાર હાલમાં પર્યાવરણના મુદ્દે અનેક પ્રયોગો કરી રહી છે. આ નવી ટેક્નોલોજીના પગલે ચીન તેના આકાશમાં ચોક ડસ્ટનો છંટકાવ કરે તો એના દેશમાં પાક સારો થઈ શકે, પણ બે વર્ષ બાદ એની અવળી અસર ભારતમાં જોવા મળી શકે. ભારતમાં પાક બરાબર ન થાય તો ૧૩૦ કરોડ લોકોની વસતી ધરાવતા ભારત દેશમાં લોકોને ભૂખે મરવાનો વારો આવે. આમ આ બે દેશો યુદ્ધની દિશામાં આગળ વધી શકે. આવું બીજા દેશો સાથે પણ થઈ શકે. વળી એવી પણ સંભાવના રહે કે પાડોશી દેશને ફટકો આપવો હોય તો આ પ્રયોગો કરી શકાય. એના કારણે શસ્ત્રોની ખરીદી કરવાના બદલે આકાશમાં ચોક ડસ્ટનો છંટકાવ કરવો સસ્તો પડી શકે. આમ આ ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ પણ થઈ શકે.આ પ્રોજેક્ટના ટીકાકારો કહે છે કે ભવિષ્યમાં શ્રીમંત દેશોના રાજકારણીઓ અને એ દેશોના ઉદ્યોગપતિઓ એનો દુરુપયોગ કરી શકે છે.

જળ ચક્ર પર અસર

પૃથ્વી પર રહેલું પાણી બાષ્પીભવનના કારણે વરાળ બનીને વાતાવરણમાં જાય છે અને પછી વરસાદ રૂપે વરસે છે. જો પૃથ્વી પર પડતા સૂર્યના કિરણોને રોકવામાં આવે તો જળ ચક્ર પર એની માઠી અસર થવાની સંભાવના છે. વરાળ ન બને તો વાદળો ન થાય અને એના કારણે વરસાદના ચક્રને પણ અવળી અસર થવાની સંભાવના છે.

સલામત છે પ્રયોગો 

જોકે હાર્વર્ડના વિજ્ઞાનીઓ કહે છે કે અમારા આ પ્રોજેક્ટમાં સલામતીનો મુદ્દો પણ છે. જો આખી પૃથ્વીની ફરતે નીચલા સ્તરે રિફ્લેક્ટિવ ડસ્ટ છાંટવામાં આવે તો જે મુશ્કેલીઓ ધારવામાં આવે છે એ કદાચ આવે પણ નહીં. વળી જે દેશો શ્રીમંત છે તેઓ ગ્લોબલ ઇન્સ્યોરન્સ ફંડમાંથી ગરીબ દેશોને મદદ કરી શકે છે.