આજે આન, બાન અને શાનથી ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

આજે આન, બાન અને શાનથી ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી


। નવી દિલ્હી ।

દેશભરમાં ગુરુવારે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન કરશે. પ્રચંડ જનાદેશ બાદ બીજી વાર સત્તા સંભાળનાર પીએમ મોદીનું આ પહેલું ભાષણ હશે. પીએમ ભાષણમાં તેમની સરકારના ઐતિહાસિક નિર્ણય કલમ ૩૭૦ની નાબૂદી, સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત, ભારતના મૂન મિશન સહિતના બીજા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દે બોલે તેવી શક્યતા છે. આ પહેલા અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૮-૨૦૦૩ સુધી લગાતાર છ વર્ષ સુધી ભાષણ આપ્યું હતું. હવે વડા પ્રધાન મોદી સતત છઠ્ઠી વાર સ્વતંત્રતા દિવસ પર ભાષણ આપશે. પીએમને સલામી આપનાર ગ્રુપમાં એક અધિકારી, એક સેના, નેવી અને વાયુસેનાના ૨૪ જવાન સામેલ થશે.

સ્વતંત્રતા દિવસના સમારોહમાં દિલ્હીમાં ૪૧ સરકારી સ્કૂલોની ૩૫૦૦ વિદ્યાર્થીનીઓ, ૫ હજાર બાળકો અને ૧૭ સ્કૂલોના ૭૦૦ એનસીસી કેડેટ મોદીના ભાષણ સ્થળ પર નવા ભારત શબ્દોની રચના કરશે અને એકતામાં મજબૂતીને રેખાંકિત કરશે.

૭૩ મા સ્વતંત્રતા દિવસના અવસરે રાજધાની દિલ્હી લોખંડી છાવણીમાં ફેરવાયું છે. લાલ કિલ્લાની ફરતે એનએસજી સ્નાઈપર્સ, એલિટ સ્વાતના કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. દિલ્હી પોલીસના ૨૦,૦૦૦ જવાનો, લશ્કરી અને અર્ધલશ્કરી દળોના જવાનો, એસપીજીના જવાનો તથા ટ્રાફિક પોલીસની રાજધાનીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

કલમ ૩૭૦ નાબૂદી બાદ જમ્મુ કાશ્મીર માટે ૭૩ મો સ્વતંત્રતા દિવસ ખાસ રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસરે પહેલી વખત જમ્મુ કાશ્મીરની તમામ પંચાયતોમાં તિરંગો લહેરાશે. જમ્મુ ભાજપ દ્વારા દ્વારા દિલ્હીથી વધારાના ૫૦,૦૦૦ તિરંગા મંગાવાયા હતા અને તેને પંચાયતોને અપાયા હતા. રાજ્યપાલ સત્યપાલ મલિકે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ઓલ ઈઝ વેલ : એડીજી મુનીર ખાન

જમ્મુ કાશ્મીરમાં આઝાદી દિવસની તૈયારીઓને સુરક્ષા વ્યવસ્થા અંગે એડીજી મુનીર ખાને કહ્યું કે રાજ્યમાં બધું ઠીકઠાક છે. લોકો ક્યાંય પણ ૧૫ ઓગસ્ટની ઉજવણી કરી શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કાબૂ હેઠળ છે. ૧૫ ઓગસ્ટે કોઈ ગરબડ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેની પર અમે પૂરુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પરિસ્થિતિ સારી પણ કેટલેક ઠેકાણે પ્રતિબંધો : મુખ્ય સચિવ

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું કે જમ્મુ અને લદ્દાખના તમામ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસ મનાવાશે. કેટલેક ઠેકાણે પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે છતાં પણ બીજે ઠેકાણે પાબંધી ચાલુ રહેશે. પરિસ્થિતિ સુધરી રહી છે અને ટૂંક સમયમાં તમામ પાબંધી હટાવી લેવાશે.

રાજ્યપાલ શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં તિરંગો ફરકાવશે

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. જમ્મુમાં રાજ્યપાલના સલાહકાર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે

૭૩મા સ્વતંત્રતા દિવસના શુભ અવસરે વીરતા પુરસ્કારની ઘોષણા કરાઈ હતી. જેમાં આઠ આર્મી પર્સનલને શૌર્ય ચક્રથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે, તેમાંથી પાંચને મરણોપરાંત સન્માનિત કરાશે. ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાની એફ-૧૬ વિમાન દ્વારા મિગ બાયસન ૨૧ વિમાન તોડી પડાયા બાદ પાકિસ્તાનની ક્સ્ટડીમાં ૬૦ કલાક ગુજારનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સ્વતંત્રતા દિવસ પર બહાદુરી માટેના વીર ચક્રથી સન્માનિત કરાશે. તેની સાથી પાઈલટ મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ એનાયત થશે. તે ઉપરાંત એરસ્ટ્રાઈક કરનારા પાંચ પાઈલટને વાયુસેના મેડલ, ૮ જવાનોને સેના પદક, ૯૦ જવાનોને વીરતા પદક, તથા ૯૬ પોલીસકર્મીઓને ઉત્કૃષ્ટ સેવા પુરસ્કાર આપવામાં આવશે.

વીરતા પુરસ્કાર ૨૦૧૯

૧ કીર્તિ ચક્ર – સિપાઈ પ્રકાશ જાધવ

૨ કીર્તિ ચક્ર – CRPF કમાન્ડન્ટ હર્ષપાલ સિંહ

૩ વીર ચક્ર – વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન

૪ યુદ્ધ સેવા મેડલ – મિંટી અગ્રવાલ