જો કોઈ કંપની દેવાળિયા ઘોષિત થાય તો ફ્લેટ ખરીદનારને પણ લેણદાર માનવામાં આવશે : સુપ્રીમ

જો કોઈ કંપની દેવાળિયા ઘોષિત થાય તો ફ્લેટ ખરીદનારને પણ લેણદાર માનવામાં આવશે : સુપ્રીમ

। નવી દિલ્હી ।

એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં રિયલ એસ્ટેટની અનેક કંપનીઓ દેવાળિયા બનવાની શક્યતા છે ત્યારે બેંકરપ્સી કાર્યવાહીમાં પ્રોપર્ટી ડેવલપરોને ઘસડી જવા ફ્લેટધારકોની યોગ્યતાને સુપ્રિમ કોર્ટે સમર્થન આપ્યું છે. આમ, સુપ્રીમ કોર્ટે ફ્લેટ ખરીદનારાઓને મોટી રાહત આપી છે. કોઇ કંપની દેવાળિયા ઘોષિત થાય તો ફ્લેટ ખરીદનારને પણ લેણદાર માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આઇબીસી અને રેરા અંતર્ગત ક્લેટ ખરીદનારાઓને નાણાકીય લેણદાર તરીકે અધિકાર આપવામાં આવે છે.

બેંકરપ્સી કોર્ટ સમક્ષ ફ્લેટધારક ડિફોલ્ટની વાત એકવાર પુરવાર કરે એ પછી કાર્યવાહીને ટાળવા ગ્રાહક ફ્લેટનો કબજો મેળવવા ઇચ્છતો નથી એ વાત પુરવાર કરવાની જવાબદારી બિલ્ડર્સની છે, એમ જસ્ટિસ રોહિન્ટન એફ નરીમાનના નેતૃત્વ હેઠળની ત્રણ જજની બેંચે શુક્રવારે જણાવ્યું હતું. આ ચૂકાદાને પગલે ઇન્સોલવન્સીના અનેક કેસ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે કેમકે કોર્ટનો ચૂકાદો આવે નહીં ત્યાં સુધી આ તમામ કેસ અટકી પડયા હતા. આથી, અટવાયેલા પ્રોજેક્ટ્સમાં ફસાયેલા અબજો રૂપિયા પણ છૂટા થઇ શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બેંકરપ્સી કાર્યવાહીમાં ફ્લેટધારકોના અધિકારને રક્ષવા ગયા વર્ષે બેંકરપ્સી કાયદામાં સુધારો કર્યો હતો. ફ્લેટધારકો પાસે કન્ઝયૂમર કોર્ટ, રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટીઝ તેમ જ બેંકરપ્સી કોર્ટ સમક્ષ જવાનો વિકલ્પ છે, એમ રોહિન્ટન એફ નરીમાને જણાવ્યું હતું. અન્ય કાયદાઓ સાથે ટકરાવની સ્થિતિમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડની જોગવાઇઓ લાગુ થશે. અંદાજે ૧૮૧ બિલ્ડરોએ કરેલી અરજી સંદર્ભે આ ચૂકાદો આપવામાં આવ્યો હતો. અરજી કરનારાઓમાં ભારતમાં ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના પાર્ટનર આઇઆરઇઓ પ્રાઇવેટ લિમિટેડ અને પાર્શ્વનાથ ડેવલપર્સ, અન્સાલ હાઉસિંગ અને સુપરટેક લિમિટેડનો સમાવેશ થતો હતો.

હજારો ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા

પ્રોપર્ટી માર્કેટે છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક આંચકા અનુભવ્યા હતા.૨૦૧૬ના વર્ષમાં ઊંચા મૂલ્યની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી અને ૨૦૧૭ના વર્ષમાં સેલ્સ ટેક્સ લાદવામાં આવ્યો હતો. આને પરિણામે પ્રોપર્ટી માર્કેટનું સેન્ટિમેન્ટ ડહોળાઇ ગયું હતું અને ડેવલપર્સ માટેનું ફન્ડીંગ વસૂકી ગયું હતું. આથી, હજારો ફ્લેટધારકો મુશ્કેલીમાં મૂકાયા હતા કેમકે અધૂરા રહેલા એપાર્ટમેન્ટમાં તેમની જીવનભરની કમાઇ ફસાઇ ગઇ હતી. બીજી તરફ બિલ્ડરોની અરજી ફગાવી દેવા સાથોસાથ કોર્ટે ફસાયેલી રકમનો ઉકેલ લાવવા બેંકોને વધુ સ્વાતંત્ર્ય આપવાનો પણ ઇન્કાર કર્યો હતો.