ગુજરાતમાં અનરાધાર વરસાદથી સાર્વત્રિક જળબંબાકાર

ગુજરાતમાં અનરાધાર વરસાદથી સાર્વત્રિક જળબંબાકાર

। રાજકોટ ।

રાજકોટ ઉપર આભ ફાટયું હોય તેમ દે ધનાધન ૧૮ ઈંચ (૪૪૮ એમએમ) તોફાની વરસાદ વરસતા શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણ થી કમરડૂબ પાણીને કારણે રાજકોટના વિસ્તારો જુદા જુદા ટાપૂ સમૂહો બની ગયા હોય તેમ જનજીવન થંભી ગયું હતુ. સેંકડો મકાનોમાં પાણી ભરાતા સત્તાવાર રીતે ૧૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભારે વરસાદને કારણે અંડરબ્રિજ સહિત આવાગમનના તમામ રસ્તાઓ જળબંબાકાર બની ગયા હોવાથી સવારે નોકરી, ધંધે જવા નીકળેલી વ્યકિત જયાં હોય ત્યાં જ ફસાઈ રહે તેવી હાલત સર્જાઈ હતી. વરસાદનું જોર અને પાણી ભરાવાને કારણે મોટાભાગની શાળા, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦૦૦ નાગરીકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતુ. મહાપાલિકા, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તથા એનડીઆરએફની ટીમો દિવસ દરમિયાન દોડતી રહી હતી. આગામી દિવસોમાં સંભવિત ખતરાને ધ્યાને લઈ સૈન્ય બોલાવવામાં આવ્યું છે.   રાજકોટવાસીઓ માટે ૧૮ ઈંચ વરસાદ કહીં ખુશી, કહીં ગમ સમાન બની રહયો હતો. રાત્રે ધીમીધારે ચાર ઈંચ વરસ્યા બાદ સવારથી પૂરજોશમાં તૂટી પડયો અને બપોર ૧ કલાક સુધીમાં ૧પ ઈંચ વરસાદ નોંધાયો હતો.   છેલ્લા ર૬ કલાકમાં ૧પ ઈંચ (૩૮૯.૮૯ એમએમ) વરસાદ નોંધાયો છે. શનિવારે બપોરે ૧ વાગ્યા સુધીમાં પશ્ચિમ રાજકોટમાં સૌથી વધુ ૧પ.પ૯ ઈંચ, પૂર્વમાં ૯.૪ ઈંચ તથા મધ્યમાં ૧૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વરસાદના વિરામ વચ્ચે ઝાપટાં ચાલુ રહ્યા હતા

વડોદરામાં ૫ ઈંચ વર્ષા,પૂરનો ખતરો

વડોદરામાં પૂરની સેકેન્ડ ઇનિંગમાં વિશ્વામિત્રી નદીના પાણીએ અડધા શહેરને બાનમાં લઈ લીધંુ છે. શનિવારે વિશ્વામિત્રી નદી ૨૯.૨૫ ફૂટ થતાં વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં. શહેર-જિલ્લામાં ૨,૯૫૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું. શનિવારે ૧૭ km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી ૧૫ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. શહેરમાં ૨૪ કલાકમાં ૪.૪૫ ઈંચ વરસાદ પડયો હતો. જોકે, સાંજથી વરસાદ શરૂ થયો હતો, આગામી ૨૪ કલાક હજુ વડોદરામાં ભારે વરસાદની આગાહી છે.

કચ્છમાં બેથી ૧૩ ઇંચ સુધી મુશળધાર વરસાદ  

કચ્છમાં અઠવાડિયા પહેલાં સરેરાશ સાત ઇંચથી વધુ વરસાદ પડી ગયા બાદ બીજા રાઉન્ડમાં મેઘરાજાએ વધુ એકવાર પાંચથી તેર ઇંચ સુધી વરસાદ વરસાવતાં નદી,નાળાં છલકાઈ ગયા હતા. તો કેટલાક ડેમો અથવા ચેકડેમો, તળાવો ઓગની ગયા હતા. શુક્રવાર રાત્રિથી અવિરત ચાલુ રહેલા વરસાદના કારણે દુકાળ જેવી કારમી અછતને દેશવટો મળ્યો છે. શનિવારે આખો દિવસ વરસાદના પગલે છેલ્લા ૧૮ કલાકમાં રાપરમાં ૧૩ ઇંચ અને ભચાઉ, અંજાર અને ગાંધીધામમાં ૧૦ ઇંચ જેટલું પાણી ખાબકી ગયું હતું. વરસાદના કારણે સામખિયાળી પાસેના નેશનલ હાઇવે પર ધરાણા ગામના તળાવના ઓવરફ્લો પાણી ફરી વળવાના કારણે કચ્છનો અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ભરતીની પરીક્ષાઓ મોકૂફ

ભારે વરસાદના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં લેવાનારી સ્પર્ધાત્મક તથા ભરતી પરીક્ષાઓ ઉપરાંત ઈજનેરી સહિતની શાખાઓની પ્રવેશ પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. શહેર સહિત રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ. ગૌણ પસંદગી મંડળની સુપરવાઈઝર, ઈન્સ્ટ્રક્ટર વર્ગ-૩ની પરીક્ષા ,  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર, મદદનીશ શાસનાધિકારીની પરીક્ષા, ડિપ્લોમા ટુ ઈજનેરીના ત્રીજો ઓફ લાઈન રાઉન્ડની પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે.

વરસાદની સાથે-સાથે…

  • પાટણ, બનાસકાંઠામાં રેડ એલર્ટ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ : ભારે વરસાદની આગાહી
  • ઝાલાવાડમાં ૧૦ ઈંચ વરસાદથી સબુરી અને મોતીસર ડેમ ઓવરફ્લો : નાયકા, ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો
  • વડોદરા શહેર જિલ્લાનાં બે હજારથી વધુ લોકોનું સલામત સ્થળાંતર : વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી
  • આજી નદીમાં ધસમસતા પૂરમાં બે બાળકો તણાયા
  • ટંકારામાં ૪ર લોકોને રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડાયા
  • રાજકોટનો ન્યારી-૧ ઓવરફલો, આજી-૧ છલકવામાં ૬ ફૂટ દૂર
  • આજી-૪ના પ૦ દરવાજા ખોલાતા ૮ ગામો બેટમાં ફેરવાયા, ૧૭ લોકો, ૧૦ મજૂરો ફસાતા રેસક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા
  • માળિયામાં ભારે વરસાદથી ૧૦ ગામના તળાવ તૂટયા
  • મોરબીના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા