છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં 28 હજાર ભારતીયોનાં મોત, ખુદ કેન્દ્ર સરકારે કરી કબૂલાત

છેલ્લા 3 વર્ષમાં વિદેશમાં 28 હજાર ભારતીયોનાં મોત, ખુદ કેન્દ્ર સરકારે કરી કબૂલાત

છેલ્લા 3.5 વર્ષમાં વિદેશમાં રહેતાં 28 હજારથી વધારે ભારતીયોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો કેન્દ્ર સરકારે લોકસભામાં જાહેર કર્યો છે. ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને સરકારને પુછ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષો દરમિયાન વિભિન્ન દેશોમાં કેટલાં હજારો ભારતીયો માર્યા ગયા છે, સાથે તેમના વળતરને લઈને પણ સવાલ કર્યો હતો.

રવિ કિશનના સવાલનો જવાબ આપતાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને છેલ્લાં 3.5 વર્ષમાં માર્યા ગયેલાં ભારતીયોની માહિતી આપી હતી. 31 મે 2019 સુધી થયેલ ભારતીયોનાં મોતોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ભારતીય નાગરિકોનાં મોત વિશે સૂચના મળતાં વિદેશોમાં સ્થિતિ ભારતીય કેન્દ્ર તરફથી પરિવારને શક્ય તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું કે, વિદેશમાં બનેલાં ભારતીય મિશન કે કેન્દ્ર ભારતીય નાગરિકોની શબને સ્વદેશ મોકલવા માટે તેમના નજીકના સંબંધીઓ અને સ્થાનીય અધિકારીઓનો સંપર્ક કરે છે. વળતર અંગે તેઓએ કહ્યું કે, વીમા કંપનીઓ સાથે સરકાર કાર્યવાહી કરે છે. સાથે જ ભારતીય મિશનો નશ્વર દેહને હવાઈ માર્ગથી ભારત પરત લાવવા માટે પરિવારોને આર્થિક મદદ પણ કરે છે.

ક્યાં કેટલાં ભારતીયોનાં મોત

સરકારે 17 જુલાઈ 2019 સુધી વિદેશમાં માર્યા ગયેલાં ભારતીયોનાં સંબંધમાં આંકડા જાહેર કર્યા. તે પ્રમાણે 2016માં 8261, 2017માં 8310 અને 2018માં 8550 અને 2019 સુધી 3679 ભારતીયોનાં મોત થયા છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં 28,758 ભારતીયોનાં મોત થયા છે.

સૌથી વધારે મોત કયા દેશમાં થયા

સરકાર તરફથી જાહેર આંકડાઓ પ્રમાણે વિદેશમાં ભારતીયોનાં સૌથી વધારે મોત સંયુક્ત અરબ અમીરાતમાં થયા છે. અહીં 2016માં 1657, 2017માં 1637 અને 2018માં 1759 ભારતીયોનાં મોત થયા છે. તો 2019માં 736 ભારતીયોનાં મોત થયા છે. અમેરિકામાં 2016માં 483, 2017માં 451 અને 2018માં 373 ભારતીયોનાં મોત થયા છે.