કુરુક્ષેત્રના યુદ્ધ પછીની મહાભારતની ઘટનાનુ રહસ્ય !

કુરુક્ષેત્રના યુદ્ધ પછીની મહાભારતની ઘટનાનુ રહસ્ય !

કુરુક્ષેત્રના યુદ્ધ સમયે પાર્થસારથિ શ્રીકૃષ્ણ રથના છ અશ્વોને રોક્યા પછી તેઓ સ્વયં નીચે ઊતરતા હતા અને ત્યારબાદ રથમાંથી ગાંડિવધારી અર્જુન ઊતરતો હતો. પરંતુ યુદ્ધ પૂર્ણ થયા બાદ શ્રીકૃષ્ણે પ્રથમ અર્જુનને રથમાંથી ઉતરવાનું કહ્યું અને પછી પોતે ઊતર્યા. અર્જુન રથમાંથી ઊતર્યો કે તત્કાળ એ રથ અગ્નિથી પ્રજ્વલિત થઈને થનગનતા જાતવાન અશ્વો, વિજ્યસૂચક કપિધ્વજ અને રથની ધૂંસરી, લગામ અને ધ્વજ વગેરે અગ્નિની જ્વાળામાં ભસ્મીભૂત થઈ ગયા.

અર્જુનને પૂર્વે જે આપ્યું હતું, સે સઘળું કાર્ય સિદ્ધ થતાં પાછું લઈ લીધું. ખાંડવવનનાં દહનથી પાંડવોની અગ્નિ સાથેની મૈત્રીનું 

પૂર્ણવિરામ રથના દહનથી આવ્યું. શ્રીકૃષ્ણ તો સ્વસ્થતાથી આ ઘટના જોતા હતા, પરંતુ આ અણધારી આકસ્મિક ઘટનાથી ગાંડિવધારી અર્જુન સ્તબ્ધ બની ગયો. એકાએક આ શું બન્યું ? કેમ બન્યું ? કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્રમાં અઢાર દિવસ જે રથ, શસ્ત્ર, અશ્વ અને લગામે સાથ આપ્યો, તે એકાએક આવી રીતે કેમ નષ્ટ થઈ ગયા ?

બાણાવળી અર્જુન શ્વાસભેર શ્રીકૃષ્ણ પાસે ગયો ત્યારે શ્રીકૃષ્ણ શાંત અને નિ:શબ્દ હતા. અકળાયેલા અર્જુને એમને પૂછયું,’ અરે મુરારિ, મારો દિવ્યરથ એકાએક આ રીતે ભસ્મીભૂત શા માટે થઈ ગયો ? શત્રુઓ જેને પોતાની સામે આવતો જોઈને ભયથી કંપારી અનુભવતા હતા એવા રથને એકાએક કોણે ભસ્મીભૂત કરી નાખ્યો ? દિવ્યરથ, દિવ્યશસ્ત્ર, દિવ્યઅશ્વ આ સઘળું ક્યાં ચાલ્યું ગયું ? યુદ્ધમાં જેમનો સાથ હતો, તે સઘળાં યુદ્ધ પૂર્ણ થતાં કેમ સમાપ્ત થઈ ગયા ?’

શ્રીકૃષ્ણને હજી ય શાંત અને સ્વસ્થ ઉભા રહેલા જોઈને તો અર્જુન વિશેષ વ્યાકુળ બન્યો. એણે કહ્યું,’મુરારિ, આજ સુધી તમે દુશ્મનોનો પરાજિત કરવાનો ભેદ સૂચવ્યો છે. પિતામહ ભીષ્મ, જયદ્રથ, ગુરુ દ્રોણ, મહારથી કર્ણ અને કૌરવ જ્યેષ્ઠ દુર્યોધનના અંતકાળે તમે ઉદ્ઘાટિત કરેલું રહસ્ય મારા વિજયમાં પરિવર્તિત થયું. હવે આજે મારા મનમાં એ પ્રચંડ જિજ્ઞાાસા જાગી છે કે આવી યુદ્ધમાં પરાજ્ય જેવી આઘાતજનક ઘટના શા માટે બની ? એનું કારણ શું ? હું અત્યંત વ્યગ્ર છું. તમે મને એનું રહસ્ય સમજાવો.’

શ્રીકૃષ્ણે કહ્યું,’ શત્રુઓને સંતાપ આપનારા અર્જુન,  આ રથ કંઈ અત્યારે એકાએક ભસ્મ થઈ ગયો નથી. એ તો ક્યારનોય ભસ્મ થઈ ગયો હતો.’

‘અશક્ય, હું એ જ રથ પર આરૂઢ હતો, એજ અશ્વ અને લગામ હતી. એ જ ફરકતો કપિધ્વજ મારા મુગટને મસ્તક પર લહેરાતો હતો અને તમે કહો છો કે મારો એ દિવ્યરથ તો ક્યારનો ય ભસ્મીભૂત થઈ ગયો હતો ! મુરારિ, મને સમજાય એવું કહો.’

શ્રીકૃષ્ણે કહ્યું,’કુંતીનંદન, તમારો આ રથ તો કેટલાંય શસ્ત્રો દ્વારા પહેલેથી જ દગ્ધ(સળગી ગયેલો) થઈ ગયો હતો, 

પરંતુ હું એના પર સારથિરૂપે બેઠો હતો, તેથી એ સમરાંગણમાં ભસ્મ થઈ ગયો નહોતો. એ અકબંધ જળવાઈ રહ્યો. પરંતુ હવે તારું ઇચ્છિત કાર્ય પૂર્ણ થતાં મેં ધરતી પર પગ મૂક્યો, રથ છોડી દીધો અને સાથે જ બ્રહ્માસ્ત્રની દાહક શક્તિથી એ ભસ્મીભૂત થઈ ગયો. તારું યુદ્ધકાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મેં મારા યોગબળથી  એને ટકાવી રાખ્યો હતો. હવે આપણું કાર્ય પૂર્ણ થતાં એ સંપત્તિ જેની હતી તેને સમર્પિત કરી દીધી.’

શ્રીકૃષ્ણના ઉત્તરથી કુશાગબુદ્ધિ પ્રાર્થના મનનું સમાધાન થઈ ગયું. પરંતુ મહાભારતમાં આલેખાયેલી આ ઘટનામાં એક મર્મ રહેલો છે. શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતરે છે અને રથ ભસ્મીભૂત થઈ જાય છે. એક સમયે જેની સંભાળ સ્વયં મધુસૂદન શ્રીકૃષ્ણ લેતા હતા. એ રથમાંથી ઊતરી ગયા પછી એ રથની  કઈ હાલત થઈ ? ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકનાર શ્રીકૃષ્ણએ એ ટચલી આંગળીનો સહારો છોડી દીધો હોત, તો એ ગોવર્ધન પર્વતનું શું થાત ? જ્યાં સુધી ઇશ્વરનું રક્ષણ છે., ત્યાં સુધી અર્જુન ક્ષેમકુશળ છે. 

ઇશ્વરનું રક્ષણ એ જ એનો આધાર છે અને એ જ આધાર ખસી જતા અર્જુન કેવો નોંધારો બની જાય છે ! અને શું રહે છે એની પાસે ? વીર યોદ્ધા પાસે શસ્ત્ર હોય, અશ્વ હોય, લગામ હોય, ધૂંસરી હોય, ધ્વજ હોય, પણ છતાં જો એનો સારથિ ઇશ્વર ન હોય, તો શું થાય ? એનું વીરત્વ એના દેવત્વ વિના વામણું બની રહે છે.

આ ઘટનાનો એક વિશેષ મર્મ ઉદ્ઘાટિત કરું. મહાભારતની કથાનું માત્ર વાચન પૂરતું નથી. એના પ્રસંગોની જાણકારી પર્યાપ્ત નથી, પરંતુ એ પ્રત્યેક પ્રસંગોમાંથી પ્રગટ થતું દર્શન મહત્ત્વનું છે.”દેખવું’ અને ‘દર્શન’ એ બેનો ભેદ કરવા જેવો છે. અહીં એક બીજું રહસ્ય એ ઊઘડે છે કે જ્યાં સુધી આપણા શરીરના રથ પર લોકાધ્યક્ષ (શ્રીકૃષ્ણનું એક વિશેષણ- જેનો અર્થ થાય છે ત્રણે લોકના સ્વામી) અને ત્રિવિક્રમ (ત્રણેય લોકના વિજેતા) શ્રીકૃષ્ણ બિરાજમાન છે, ત્યાં સુધી આપણે સુરક્ષિત અને સંરક્ષિત છીએ. જે ક્ષણે પાર્થસારથિ વિશેષણ ધરાવતા શ્રીકૃષ્ણે પ્રાર્થના રથનું સારથિત્વ છોડી દીધું, કે એનો રથ ભસ્મીભૂત બન્યો. 

એવી જ રીતે જે ક્ષણે ભગવાન આ દેહરૂરી રથનો ત્યાગ કરશે, તે જ ક્ષણે એ ભડકે બળશે. એ જ ક્ષણે માનવની કિંમત કોડીની થઈ જશે. અર્જુનના જેવી લાચારીનો અનુભવ કરશે અને જેમ એને અત્યારસુધી જેના પ્રત્યે લગાવ હતો એ દિવ્ય અસ્ત્ર, દિવ્ય ધ્વજ, દિવ્ય શસ્ત્ર એ બધું ચાલ્યું જાય છે. 

એ પ્રમાણે મુરારિ આ દેહના રથ પરથી ઊતરે, ત્યાર બાદ એ શરીર, એ માવજત, એ રૂપરંગ અને એ શણગાર કશાનો અર્થ રહેતો નથી. સઘળું નિસ્તેજ, નિરર્થક અને નિસ્સાર બની જશે. આનો એક સંકેત એ પણ છે કે વ્યકિતએ માત્ર શરીરરથની સંભાળ લેવાની નથી. પણ એના શરીરરથ પર શ્રીકૃષ્ણ બિરાજમાન હોય એવી રીતે 

પોતાની જાતની સંભાળ લેવાની છે. સદૈવ શ્રીકૃષ્ણનો (ઇશ્વરનો) સાથ મળે એવું વિચારવાનું છે. જો એ સાથ છોડીએ તો શું થાય ? તો ઇશ્વર આપણા દેહરૂપી રથને ત્યજી દે છે, આપણા અંતરમાંથી વિદાય લે છે, સદ્ભાવના અને સત્ચારિત્ર નાશ પામે છે, દુર્ભાવના અને દુર્વૃત્તિઓ હૃદયને ઘેરી વળે છે અને ત્યારે રથ જેમ ભડકે બળવા માંડે, તેમ વ્યકિતનું જીવન વૃત્તિ, વાસના અને વિનાશથી ભડકે બળવા માંડે છે. 

માનવજીવનનું એક કર્તવ્ય પણ આ રીતે સ્ફૂટિત થાય છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછીની આ ઘટના એક અર્થમાં આખાય યુદ્ધનો અર્ક આપે છે. આ યુદ્ધ કોની વચ્ચે થયું ? જેના હૃદયમાં સત્તા, પ્રપંચ, દુષ્ટતા, શઠતા વસે છે, ત્યાં ઇશ્વર કદી સારથિ રૂપે હોતો નથી અને જેનો ઇશ્વર સારથિ રૂપે ન હોય, તેનો રથ બળીને ખાખ થઈ જાય છે.

આખુંય કૌરવકુળ સંહાર પામ્યું. એમનો પક્ષ લેનારા રાજવીઓ અને સેનાપતિઓ રણમાં રગદોળાયા, એની પાસે પિતામહ ભીષ્મ જેવા પ્રચંડ અને શક્તિવાન સેનાપતિ હતા, ગુરુ દ્રોણ જેવા જ્ઞાાની ગુરુ હતા અને કર્ણ જેવા કૌશલ્યવાન હતા, છતાં ભીષ્મ પિતામહ વીંધાયા, દ્રોણનો શિરચ્છેદ થયો અને કર્ણનું બાણથી દેહછેદન થયું. આ બધાનું કારણ એ જ કે એમના સારથિ તરીકે શ્રીકૃષ્ણ નહોતા. એમણે સત્યનો પક્ષ લીધો નહીં. જ્યારે જેના સારથિ શ્રીકૃષ્ણ હતા, ત્યાં સુધી અર્જુનનો રથ વિજયયાત્રા કરતો રહ્યો. સારથિની વિદાય સાથે રથ અગ્નિમાં હોમાઈ ગયો.

આ ઘટનાનો એક વિશેષ વ્યકિતગત સંદેશ એ છે કે વ્યક્તિએ એના શરીરરૂપી રથમાં ઇશ્વર સદા આરૂઢ રહે, એ રથને એ જ આગળ ધપાવે અને એ જ એને માર્ગ પર દોરી જાય એ બાબતની જાગૃતિ રાખવી જોઈએ. શ્રીકૃષ્ણનું એક નામ જનાર્દન છે. જનાર્દન એટલે બધાને વરદાન આપનાર અને આ ઘટનાની પાછળ પણ વરદાન કારણભૂત છે. રથને અગ્નિને સોંપી દીધા પછી શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને હૈયાંસરસા ચાંપીને કહ્યું,’ ભરતનંદન, તમને યાદ છે ને ઉપપ્લવ્ય નગરમાં તમે મને શું કહ્યું હતું ? એ સમયે મારા માટે બનાવેલો મધુપર્ક આપતા તમે મને કહ્યું હતું કે, ‘હે શ્રીકૃષ્ણ ! આ ધનંજય તમારો ભાઈ અને સખા છે. 

હે પ્રભુ, હે મહાબાહુ, તમે સઘળી આપત્તિઓમાં એની રક્ષા કરજો.’ અને એ સમયે મેં તમને ‘તથાસ્તુ’ કહીને તમારી વાતનો સ્વીકાર કર્યો હતો. હવે તમારા શૂરવીર સત્યપરાક્રમી ભાઈ સવ્યસાચી અર્જુને સુરક્ષિત રહીને વિજય પ્રાપ્ત કર્યો છે અને વીર પુરુષોનો વિનાશ કરનારા આ રોમાંચકારી સંગ્રામમાં તમામ બંધુઓ સહિત જીવંત રહ્યો છે.’

આ સમગ્ર ઘટના પર દૃષ્ટિપાત કરતા મહર્ષિ વેદવ્યાસે યુધિષ્ઠિરને કહેલું એ વચન યાદ આવે છે.’ યતો ધર્મસ્તત: કૃષ્ણ- યત: કૃષ્ણસ્તતો જય, ‘જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે.