નિષ્ફળ અને કામચોરી કરનારા કેન્દ્રીય કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાશે

નિષ્ફળ અને કામચોરી કરનારા કેન્દ્રીય કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાશે

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓની કામગીરી માટે માસિક મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે આ પ્રકારે કામગીરીની માસિક મૂલ્યાંકનની પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. સરકાર હવે તેના તમામ મંત્રાલયો અને વિભાગો પાસેથી દર મહિને સમય પહેલાં નિવૃત્ત કરી શકાય તેવા કર્મચારીઓની યાદી માગશે. સરકારી કચેરીઓમાં કામકાજનું વાતાવરણ સુધારવા અને લોકો સાથે સંકળાયેલા સરકારી કામકાજ સમયસર પૂરાં થાય તે માટે સરકારે કર્મચારીઓને જવાબદેહ બનાવવા માટેનાં પગલાં સખ્તાઈથી લાગુ કરવાની પહેલ કરી છે.

ભ્રષ્ટાચારીઓની અલગ યાદી તૈયાર કરાશે

સરકારે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીઓની અલગ યાદી તૈયાર કરવાના આદેશ પણ આપ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓ સામેની ભ્રષ્ટાચારની તપાસમાં ઝડપ લાવવા સરકારે નિવૃત્ત કર્મચારીઓની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. સરકાર ઇમાનદાર અને મજબૂત ઇચ્છાશક્તિનો રેકોર્ડ ધરાવતા પૂર્વ અધિકારીઓની મદદ લેશે. સરકારનું માનવું છે કે આ રીતે ભ્રષ્ટ અધિકારીઓ સામેની તપાસ ઝડપથી પૂરી થશે.   સરકારે હવે મંત્રાલયો અને વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ નિયુક્ત કરવાની શરતમાં કેટલીક છૂટ આપી છે. નવી માર્ગર્દિશકા અનુસાર હવે તમામ મંત્રાલય અને વિભાગોને જે હોદ્દાઓ પર નિયુક્તિ અનિવાર્ય છે તેના માટે યોગ્ય નિવૃત્ત કર્મચારીઓની શોધ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારમાં અંડર સેક્રેટરી અને સેર્શન અધિકારીપદેથી નિવૃત્ત થયેલા અધિકારીઓને આ હોદ્દાઓ પર નિયુક્તિ અપાશે. તેમની નિયુક્તિ કન્સલ્ટન્ટ પદ પર કરાશે.